Abtak Media Google News

ગોંડલ તાલુકાના મેસપર ગામે વર્ષ 2018માં પંચાયત ચૂંટણીની જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. પંચાયત ચૂંટણીનો ખાર રાખી ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ જાડેજાની હત્યા નિપજાવી દેવામાં આવી હતી. જેના મુખ્ય આરોપી રાજેન્દ્રસિંહ જાડેજા સહિત અન્ય 3ને આજરોજ આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જયારે બનાવમાં સંડોવાયેલ બાળઆરોપી સામેનો કેસ જુવેનાઈલ બોર્ડમાં નિર્ણય છે. ગોંડલના મહે. સેશન્સ જજ એચ.પી. મહેતાએ આ ચુકાદો આપ્યો છે. જ્યારે રાજેન્દ્રસિંહ જાડેજાને ફાંસીની સજા ફટકારવા જિલ્લા સરકારી વકીલ એસ.કે વોરાએ માંગ કરી છે.

ગોંડલ તાલુકાના મેસપર ગામે કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ

જાડેજાની હત્યા સબબ 4–આરોપીઓને આજીવન કેદની સજા

આ કેસના પુરાવાના અંતે આરોપીઓ તરફથી બચાવમાં દલીલો કરવામાં આવી હતી કે 5-આરોપીઓના નામ ફરીયાદમાં જણાવવામાં આવેલ છે. પરંતુ ફકત એક આરોપીના કપડા અને હથિયાર ઉપર ગુજરનારનુ લોહી મળી આવેલ છે. આ કારણે ફરીયાદી આપેલ ફરીયાદમાં 4–આરોપીના નામ ખોટી રીતે આપવામાં આવેલ હોવાની ભારપૂર્વક રજુઆત કરવામાં આવી હતી. જ્યારે સરકાર તરફથી નિમાયેલ સ્પે. પી. પી. એસ.કે.વોરાએ દલીલો કરતા જણાવેલ કે, આરોપી રાજેન્દ્રસિંહ જાડેજાના કપડા અને હથિયાર ઉપર ગુજરનારનુ લોહી મળી આવેલ છે. તેથી તેઓએ ગુજરનારની હત્યા કરેલ હોવાનું સ્પષ્ટપણે સાબિત થાય છે. અન્ય 4–આરોપીઓએ બનાવના છઠ્ઠા દિવસે પોલીસ સમક્ષ રજુ થયેલ હતા અને આ આ દિવસે તેઓએ પોતાના કપડાં અને હથિયાર ઉપરનું લોહી સાફ કરી નાખેલ હોવાની વકીલે રજુઆત કરી હતી. તેમજ ફક્ત એક જ વ્યક્તિ આટલા લાંબા સમય સુધી બે વ્યક્તિઓને ઈજા કરી એકનું મૃત્યુ નિપજાવે તે અશક્ય છે. અંતે વકીલની ધારદાર રજૂઆતને પગલે આરોપીને આજીવન કેદ ફાટકારાઈ છે.

શું હતો 2018નો આ બનાવ ?

વિગતો મુજબ, ગોંડલ તાલુકાના મેસપર ગામમાં વર્ષ 2018માં થયેલ પંચાયતની ચૂંટણીઓમાં થયેલ હરીફાઈના કારણે 12મી મેના રોજ રાજેન્દ્રસિંહ જટુભા જાડેજા, માધુભા પ્રવિણસિંહ જાડેજા, મયુરસિંહ પ્રવિણસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા અને બાળ આરોપી અજયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ ધોળા દિવસે બપોરના સમયે અનિરૂધ્ધસિંહ જાડેજાને મોટર સાઇકલ ઉપરથી પછાડી તેના માથા ઉપર કુહાડીનો ઘા મારી હત્યાની કોશિશ કરેલ. અનિરૂધ્ધસિંહ પાતાના બચાવ માટે પોતે મરણ ગયેલ હોવાનું નાટક કરેલ જેથી પાંચેય આરોપીઓએ આ વ્યક્તિ મરી ગયેલ હોવાનું સમજેલ. આ સમયે સામેથી આવી રહેલ નરેન્દ્રસિંહ જાડેજાને પણ આ પાંચેય આરોપીઓએ મોટર સાઈકલ ઉપરથી પાડી દઈ તલવાર, ધારીયુ અને મુઘડીથી માર મારેલો. આ સમગ્ર બનાવ નાટક કરી રહેલ અનિરૂદ્ધસિંહ જાડેજાએ પોતે નજરે નજર જોયેલ. ત્યારબાદ પાંચેય આરોપીઓએ બેભાન નરેન્દ્રસિંહ જાડેજાને તેઓની વાડીએ લઈ જઈ નરેન્દ્રસિંહની હત્યાને અંજામ આપેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.