Abtak Media Google News

સ્ટેટ જીએસટીની ટીમોએ બે માસ પૂર્વે ૪૬ સ્થળો પર પાડેલા દરોડા બાદ ખાદ્યતેલ અને અખાદ્ય તેલના ઓથા હેઠળ રૂ.૯૦ કરોડની કરચોરી થતી હોવાનું ખુલ્યું: તમામને સાબરમતી જેલમાં મોકલાયા.

સ્ટેટ જીએસટીએ રૂ.૧ હજાર કરોડના જીએસટીના બોગસ બિલિંગના કૌભાંડને ખુલ્લુ પાડીને ગોંડલના ૩ સહિત ૬ વેપારીઓની ધરપકડ કરી છે. સ્ટેટ જીએસટીની ટીમોએ ૪૬ સ્થળો પર દરોડા પાડી ખાદ્યતેલ અને અખાદ્ય તેલના ઓથા હેઠળ થતી રૂ.૯૦ કરોડની કરચોરી પકડીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. કરચોરી રૂ.૫ કરોડથી વધુની હોવાથી તમામ આરોપીઓને સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યા છે.

સ્ટેટ જીએસટીએ રાજયમાં પ્રથમવાર રૂ.૯૦ કરોડની કરચોરી કરનાર ૬ વેપારીઓની ધરપકડ કરી છે. સ્ટેટ જીએસટીના અધિકારીઓની ટીમે શસ્ત્રધારી જવાનો સાથે મેટ્રો પોલીટન કોર્ટમાં ૬ વેપારીઓને રજુ કર્યા હતા. વેપારીઓ સામે ૫ કરોડથી વધુની કરચોરી હોવાથી એડીશ્નલ ચીફ મેટ્રો પોલીટન મેજીસ્ટ્રેટે વેપારીઓને સાબરમતી જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો. ૬ વેપારીઓ એકાદ દિવસમાં જામીન મેળવવા માટે અરજી કરે તેવી પણ શકયતાઓ દર્શાઈ રહી છે. આ ૬ વેપારીઓમાં ગોંડલના રવિકુમાર જયંતીલાલ વાજા, અનિલકુમાર જયંતીલાલ ભુત, વિમલભાઈ જયંતીલાલ ભુત, ઉંઝાના મયુર હસમુખલાલ ઠકકર, અમિત હસમુખલાલ ઠકકર, ડિસાના મેહુલ દલપતરામ ઠકકરનો સમાવેશ થાય છે.

બોગસ બિલિંગની મોડર્સ ઓપરેન્ડી ખાદ્યતેલ અને અખાદ્ય તેલના બિલ વિના થયેલ વેચાણો સામે બિલો મેળવી તેની સામે વેપારીઓની જરૂરીયાત મુજબ બીલો ઈસ્યુ કરવામાં આવ્યા હતા. જે વેપારીને ખરેખર વેચાણ કરવામાં આવ્યું હોય તેને બિલ મેળવેલ ન હોય અને તે અન્વયેનું બિલ બિલિંગ ઓપરેટરો એટલે કે બોગસ પેઢીઓને વહેંચી દેવામાં આવતું હતું. ઉપરાંત રાઈસ બ્રાન્ડ ઓઈલની ગુજરાત બહારથી ખરીદી કરી તેને બિલ વિના વહેંચી જીએસટીની ઈનપુટ ક્રેડીટ લઈ તેની સામે ઈનવોઈસ ઈસ્યુ કરવામાં આવતું હોવાનું ખુલ્યું હતું.

સ્ટેટ જીએસટીના અધિકારીઓએ બે માસ પૂર્વે ખાદ્ય તેલના ઉત્પાદકો અને ઓઈલ સીડના બ્રોકરોને ત્યાં દરોડા પાડી ૧ હજાર કરોડ રૂપિયાથી વધુના બોગસ બિલિંગો મેળવ્યા હતા. સ્ટેટ જીએસટીની ટીમોએ ગોંડલમાં ૨૬, ડિસા, ઉંઝા અને પાટણના ૧૫ મળી કુલ ૪૬ સ્થળોએ દરોડા પાડીને મોટી માત્રામાં વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા હતા આમ કુલ ૯૦ કરોડની કરચોરી સામે આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.