Abtak Media Google News

ટૂરિસ્ટ વિઝા પર આવતી થાઇલેન્ડ અને રસિયન યુવતીઓને દેહના સોદાની પડાતી ફરજ: સ્પામાં ચાલતી ગેરરીતી અટકાવવા ગૃહ વિભાગના પરિપત્રની ઐસી કી તૈસી: પોલીસ અને મીડિયાના ખરડાયેલા હાથ: ‘અબતક’ની ટીમ દ્વારા કરાયેલી છાનભીનમાં ચોકાવનારો ઘટ્ટસ્ફોટ: લોહીના વેપલામાં તંત્રના આંખ આડા કાન પાછળનો ‘બોસ’ કોણ?

શહેરમાં બિલાડીના ટોપની જેમ ફુટી નીકળેલા સ્પા-મસાજના ઓઠા તળે ચાલતા છડે ચોક કુટણખાનાથી સભ્ય સમાજનું માથુ શરમથી ઝુકી ગયું છે. સ્પામાં મસાજ કરાવવા જતા રંગીન મિજાજીનો શોખ પુરો કરવા થાઇલેન્ડ અને રસિયન યુવતીઓને દેહના સોદા કરવાની ફરજ પાડવામાં આવતી હોવાની ઉઠેલી ફરિયાદ અંગે ‘અબતક’ની ટીમ દ્વારા કરાયેલી છાનભીનમાં કેટલીક ચોકાવનારી વિગતોનો ઘટ્ટસ્ફોટ થયો છે.

શહેરના કાલાવડ રોડ પરના ક્રિસ્ટલ મોલ જેવા ભદ્ર વિસ્તારમાં સ્પા શરૂ કરી ધનાઢય અને રંગીન મિજાજી યુવાનોને મોહ ઝાળમાં ફસાવવા ચાલતા ગોરખ ધંધા અંગે અબતકના ધ્યાને આવેલી વિગતો મુજબ સ્પામાં થાઇલેન્ડ અને રસિયન યુવતીઓ પાસે ટૂરિસ્ટ વિઝા હોવા છતાં તેઓને કામ પર રાખી વિદેશી યુવતીઓ પાસે લોહીનો વેપાર કરાવવાની ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.

થાઇલેન્ડ અને રસિયન યુવતીઓને સામાન્ય રકમ આપી તેની પાસે મનમાની કરાવી કાળી કમાણી કરાવતા ‘બોસ’ને શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કેટલાક મિડીયા સાથે સારો ધરોબો હોવાથી સ્પાના ઓઠા તળે ચાલતા કુટણખાના સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.

થાઇલેન્ડની યુવતી પાસે મસાજ કરાવવાના રૂ.૨૦૦૦ થી રૂ.૨૫૦૦ અને રસિયન યુવતી પાસે મસાજ કરાવવાના રૂ.૪૦૦૦ લેવામાં આવે છે તે ખરેખર મસાજ નહી પણ ધનાઢય અને રંગીન મિજાજીનો શરીર સુખ માણવાનો ભાવ હોવાનો ઘટ્ટસ્ફોટ થયો છે.

થાઇલેન્ડ અને રસિયન યુવતીઓ પાસે લોહીનો વેપાર કરાવી સમાન્ય રકમ આપવામાં આવે છે અને સ્પાના (કુટણખાના) સંચાલક કાળી કમાણી કરતા હોવાની ઉચ્ચ કક્ષાએ થયેલી ફરિયાદના પગલે રાજયના ગૃહ વિભાગ દ્વારા સ્પાના ઓઠા તળે ચાલતી ગેરરીતી તાકીદે બંધ કરાવવા પરિપત્ર જાહેર કર્યો હતો તેમ છતાં શહેરના પોલીસ તંત્ર સ્પાના સંચાલકોનો ઘૂમ્મટો તાણીને બેસી રહ્યા છે એટલું જ નહી પણ શહેરના કેટલાક મિડીયાના કર્મચારીઓના હાથ પણ ખરડાયેલા હોવાનું સામે આવ્યું છે.

‘અબતક’ દ્વારા સ્પાના ઓઠા તળે ચાલતા કુટણખાના અંગે છાનભીન શરૂ કરતાની સાથે જ મિડીયા કર્મચારીઓની ભલામણ માટે દોડધામ શરૂ કરી દીધી હતી. અને લાજવાના બદલે બેધડક સ્પાના સંચાલકો પોતાના પરિચીત હોવાનું કહી બચાવવા રીતસર આજીજી કરી હતી.

પોલીસના કેટલાક કર્મચારીઓ આર્થિક લાભ અને મોજશોખના કારણે ખરડાયેલા હોવાથી આંખ આડા કાન કરવા પડતા હોવાની વિગતો પ્રકાશમાં આવતા સનસનાટી મચી ગઇ છે.

સ્પા શરૂ કરવા માટે દેશના કેન્દ્ર શાસિત વિસ્તારમાં જ જરૂરી મંજુરી આપવામાં આવે છે તેમ સ્પાના સંચાલકે જણાવ્યું હતું તેમ છતાં રાજકોટમાં ઠેર ઠેર સ્પા શરૂ થયા છે. સ્પામાં ચાલતા કુટણખાનાના કારણે હત્યા કે આત્મહત્યા જેવા ગંભીર ગુનો બન્યા બાદ પોલીસ તંત્રની આંખ ખુલે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે. આવો ગંભીર ગુનો બનશે ત્યારે જવાબદારી કોની? વિદેશી યુવતીની હત્યા કે આત્મહત્યા કરશે ત્યારે થાઇલેન્ડ કે રસિયાને શું વિગતો આપવામાં આવશે તે પણ એક સળગતો સવાલ છે. રસિયાની યુવતી ૧૨ માસના ટૂરિસ્ટ વિઝા પર ભારત આવ્યા બાદ શહેરના કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ નજીકના સ્પામાં કામે લાગેલી સોફિયા ઓસીપોવાએ પોતાની પાસે વર્ક પરમીશન ન હોવાનું અને બે માસથી સ્પામાં કામ કરતી હોવાનું જણાવ્યું હતું. સ્પામાં કામ કરવા માટે વર્ક પરમીટ હોવા જોઇએ તે અંગે પોતે અજાણ હોવાનું કહ્યું હતું.

જયારે થાઇલેન્ડની યુવતીઓ બિઝનેશ વિઝા પર ભારતમાં આવ્યા બાદ રાજકોટના સ્પામાં કામે લાગ્યાનું જણાવ્યું હતું. રસિયન અને થાઇલેન્ડની યુવતીઓ સ્પામાં કામે લાગ્યા બાદ સ્પા સંચાલકો સવાર ૧૧ થી રાતના આઠ વાગ્યા સુધી વર્ક કરાવ્યા બાદ તમામને ચોક્કસ જગ્યાએ છુપાવવામાં આવતી હોવાનું અને કોઇ સાથે અંગત સંબંધો ન રાખે તે અંગેનું સ્પા સંચાલકો ખાસ ધ્યાન રાખતા હોય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.