Abtak Media Google News

કોરોનાના કહેર વચ્ચે સુરક્ષા અને આર્થિક માપદંડોને ધ્યાન રાખીને જાહેર પરિવહન શરૂ કરવું સરકાર માટે મોટો પડકારરૂપ હોવાનું નીતિન ગડકરીનું મંતવ્ય

કોરોના વાયરસ એકબીજાના સંપર્કમાં આવવાથી વધારે ફેલાતો હોય તેને રોકવા માટે જે લોકો જયાં છે ત્યાં જ રોકી રાખવા જરૂરી છે. જેથી કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી લોકડાઉન જાહેર કરીને તમામ જાહેર પરિવર્તનો બંધ કરી દેવામાં આવ્યા છે. આવા સ્થળાંતરીતોને તાજેતરમાં તેમના વતન તરફ જવાની છુટ આપવામાં આવી છે. જેના કારણે પોતાના વતનમાં જવા બેબાકળા બનેલા સ્થળાંતરીતો બેફામ બન્યા છે. આવા સ્થળાંતરીતોની હિજરતના કારણે દેશભરમાં કોરોનાના કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે. જેથી સરકાર બેબાકળી બની જવા પામી છે ત્યારે બીજી તરફ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાહેર પરિવહન ચાલુ કરવાની હિમાયત કરતા નવો વિવાદ ઉભો થવા પામ્યો છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગઈકાલે જણાવ્યું હતું કે, લોકડાઉનમાં આપણે ઉધોગો, વ્યવસાયો, ટ્રાન્સપોર્ટ પરિવહન વગેરે ચાલુ કરી શકયા છીએ. હાલમાં નવા હાઈવે બનાવવાનું તથા આયાત-નિકાસ પણ કાર્યરત થઈ ગયું છે ત્યારે સ્થળાંતરીતોને તેમના વતન પહોંચાડવા માટે અમુક તકેદારીઓ સાથે જાહેર પરિવહનો શરૂ કરવાનું વિચારી રહ્યા છે. બસ અને કાર ઓપરેટર કોન્ફેડેરેશન ઓફ ઈન્ડિયાના પ્રતિનિધિઓને સંબોધતા ગડકરીએ પોતાના વિચારો રજુ કર્યા હતા. આ તકે વર્લ્ડ બેન્કના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગડકરીએ જણાવ્યું હતું કે, બસોને ઓછા મુસાફરો સાથે ચલાવવું એ આર્થિક રીતે ન પોસાય તેવી બાબત છે. જેથી કોરોનાના સુરક્ષા માપદંડો અને આર્થિક માપદંડો સાથે જાહેર પરિવહન શરૂ કરવો મોટો પડકાર સમાન છે. માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીના મત મુજબ જો જાહેર પરિવહન સેવા ફરીથી શરૂ થશે તો આગામી ૩૧ મે સુધીમાં દેશમાં ૮ લાખથી વધુ કોરોનાના દર્દી જોવા મળે તેવી ભીતિ સેવાઈ રહી છે. જાહેર પરિવહન સેવા શરૂ થવાના કારણે સોશિયલ ડિસ્ટન્સીંગનો કાયદો કોઈ પાળે નહીં તેવી શકયતા પણ છે અને વાયરસ એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી ફેલાય તેવી દહેશત છે. આ મામલે વર્તમાન સમયે હજુ સરકાર વિચારણા કરી રહી છે. સરકારને એક તરફ અર્થતંત્ર ધબકતું રહે તે પણ જોવાનું છે અને બીજી તરફ કોરોનાની મહામારી ફેલાય નહીં તે પણ નિશ્ર્ચિત કરવાનું છે. સરકાર કોરોના મુદ્દે બેબાકળી બની પગલા લઈ રહી છે અને પરિવહનના છુટની હિમાયત કરી છે. જો ઉતાવળીયો નિર્ણય લેવાશે તો દેશના અર્થતંત્રની સાથે નાગરિકોના આરોગ્યને પણ મોટુ જોખમ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.