Abtak Media Google News

 સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને રાખીને કલેકટર-કમિશનર સ્વતંત્ર નિર્ણય લઈ શકે: નીતિન પટેલ

રાજ્યમાં ફરી એકવાર કોરોના સંક્રમણનો આંકડો ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે. જેના કારણે પ્રજાની સાથોસાથ સરકારમાં પણ ચિંતાનઉ મોજુ ફરી વળ્યું છે. તેવા સમયે યોગ્ય નિર્ણય કરીને ચેપને ફેલાતો અટકાવવા ઘટતું કરવા તંત્ર તેમજ રાજ્ય સરકાર અનેક વિવિધ પગલા લઇ રહી છે. તેવા સમયે રાજ્યના આઠેય મહાનગરોમાં કોરોનાને ફેલાતો અટકાવવા જે કંઈ કરવું પડે તેના માટે સ્વતંત્ર નિર્ણય લેવા મહાનગરોના કમિશનર અને કલેકટરને સ્વતંત્ર સત્તા આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના આરોગ્ય પ્રધાન નીતિનભાઇ પટેલે મીડિયા સાથે વાત કરતા આ નિવેદન આપ્યું છે.

ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર સહિતના આઠેય મહાનગરોમાં કોરોનાના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે મીડિયા સમક્ષ કહ્યું હતું કે, વાયરસનો ફેલાવો રોકવા અને ચેપ ગ્રસ્તોને ઝડપથી સારવાર ઉપલબ્ધ થાય તે ઉદ્દેશ્યથી મ્યુનિસિપલ કમિશનર-કલેક્ટર સ્થાનિક અનુકૂળતા અને પરિસ્થિતિને ધ્યાને રાખીને સ્વતંત્ર નિર્ણય લઈ શકે તેના માટે વધુ સત્તાઓ સોંપી દેવામાં આવી છે.

કોરોનાના ચેપનો ફેલાવો રોકવા અગાઉ પણ સ્થાનિક વહીવટી તંત્રને અધિકારો અપાયા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વધુમાં કહ્યું હતું કે, કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સ્થાનિક કક્ષાએ બદલાતી સ્થિતિ અનુસાર સ્વયં નિર્ણય લઈ શકે છે. નાના ગામોમાં પણ ફરજિયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરતા તેમણે સચિવાલયમાં પણ વ્યાપ વધ્યાંનું સ્વીકારતા ઉમેર્યું હતું કે, બને ત્યાં સુધી નાગરિકોએ રૂબરૂ આવવાનું ટાળવું જોઈએ, ફોન અને ઈ-મેલથી કામ ચલાવવું જોઇએ.

ડોક્ટરોના રાજીનામા સંદર્ભે તેમણે કહ્યું હતું કે, નિવૃત્તિનો સમય થયો હોય તેમણે રાજીનામા આપ્યા છે પણ હજી સુધી તેનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ જેવા મહાનગરો સહિત રાજ્યમાં મહેસાણા, સુરત, ભાવનગર, આણંદ અને ખેડા એમ કુલ 8 જિલ્લાઓમાં કોવિડ-19 ના વાયરસના ફેલાવાની ગતિને અટકાવવા પગલાં લેવાજ રહ્યા છે.

ગુજરાતમાં કોરોના સંક્રમણ ગતિને ડામવા પીએમઓએ ગંભીર નોંધ લીધી છે. રસીકરણની ગતિ વધારવા માટે સીએમઓમાં મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથને મોરચો સંભાળ્યો છે. 45 વર્ષથી ઉપરના તમામને બે સપ્તાહમાં વેકસીન આપવાના લક્ષ્યાંકને સિદ્ધ કરવા દરેક જિલ્લામાં કલેકટર, ડીડીઓ, મ્યુનિસિપલ કમિશનર, ચીફ ઓફિસરથી લઈને સમગ્ર તંત્રને દોડતું કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.