Abtak Media Google News

૪૪૧૩૭ ઉમેદવારોએ પરીક્ષા ફી ભરી દીધી, ૧૨મી સુધી પરીક્ષા ફી સ્વીકારાશે

રોજગારી આપવામાં ગુજરાત નં.૧ છે તેવા ગાણા સરકાર ચોક્કસ ગાઈ રહી છે પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હોય તેવું લાગી રહ્યું છે. સરકારી નોકરી મેળવવા માટે યુવાનોમાં જબરી ઘેલછા જોવા મળી રહી હોય તેવું પણ બની શકે કારણ કે, મહાપાલિકાની અલગ અલગ શાખાઓમાં ખાલી પડેલી જુનીયર કલાર્કની ૧૨૨ જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. જેની ઓનલાઈન અરજીની મુદત ગઈકાલે પૂર્ણ થવા પામી છે. ૧૨૨ અરજીઓ માટે રેકોર્ડબ્રેક ૫૯૫૧૭ લોકોએ અરજી કરી છે. આગામી ૧૨મી સુધી ઉમેદવારો પરીક્ષા ફી ભરપાઈ કરી શકશે.

મહાપાલિકામાં અલગ અલગ શાખામાં ખાલી પડેલી જુનીયર કલાર્કની ૧૨૨ જગ્યાઓ ભરવા માટે પખવાડિયા પૂર્વે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં કક્ષાવાર જગ્યાઓ પર નજર કરવામાં આવે તો ૪૨ જગ્યાઓ બિનઅનામત, ૨૩ જગ્યાઓ આર્થિક અને શૈક્ષણિક વર્ગ માટે અનામત, ૮ જગ્યા અનુસુચિત માટે અનામત જ્યારે ૨૭ જગ્યા અનુસુચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવી હતી અને ૨૨ જગ્યા આર્થિક રીતે નબળા વર્ગ માટે અનામત હતી. જ્યારે મહિલા કેટેગરીમાં ૧૪ જગ્યાઓ બિનઅનામત, ૭ જગ્યા આર્થિક રીતે નબળા વર્ગ માટે અનામત, ૭ ઓબીસી માટે ૨ જગ્યા એસસી માટે અને ૯ જગ્યા એસટી માટે જ્યારે ૩ જગ્યા શારીરિક અશક્ત વ્યક્તિ માટે અનામત રાખવામાં આવી હતી. આ જુનિયર કલાર્કની જગ્યા માટે માન્ય યુનિવર્સિટીમાં સનાતક થયેલો કોઈપણ ઉમેદવાર અરજી કરવા માટે લાયક હતો જેને ૫ વર્ષ સુધી ફિક્સ રૂા.૧૯૯૫૦ પગાર આપવામાં આવશે જ્યારે પાંચ વર્ષ બાદ તેમની કામગીરી સંતોષકારક જણાશે તો ૭માં પગારપંચ મુજબ પગાર ચૂકવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૨૨ જગ્યાઓ માટે ગઈકાલે ઓનલાઈન અરજી સ્વીકારવાની મુદત પૂર્ણ થવા પામી છે. જેના માટે કુલ ૫૯૫૧૭ અરજીઓ આવી છે. જે પૈકી ૪૪૧૩૭ ઉમેદવારોએ પરીક્ષા ફી ભરપાઈ કરી દીધી છે. આગામી ૧૨મી સુધી અરજી કરનાર ઉમેદવારો પરીક્ષા ફી ભરી શકશે. જેમાં સામાન્ય કેટેગરીમાં આવતા  ઉમેદવારની પરીક્ષા ફી રૂા.૫૦૦ અને અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારોની ફી રૂા.૨૫૦ નિયત કરવામાં આવી છે. જો કે, હાલ મહાપાલિકાની ચૂંટણીની આચારસંહિતા અમલમાં હોય મોટાભાગનો સ્ટાફ ચૂંટણીમાં રોકાયેલો છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ ઉમેદવારોની પરીક્ષાની તારીખોનું એલાન કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.