Abtak Media Google News

મન હોય તો માળવે જવાય! આ આપણી ગુજરાતી ભાષાની 19 મી સદીની કહેવત માનીએ..! પણ હવે 21 મી સદીમાં નવી કહેવત આપી શકાય કે ગુગલ હોય તો ગમે ત્યાં જવાય! જી હા, ગુગલ મેપ શરૂ થયા બાદ  હવે આપણે એક વાર એડ્રેસ આવી ગયા પછી, ગલી ના નાકે પાનવાળાને કે ચોકના ખુણે ચા વાળાને એડ્રેસ પુછતા બંધ થઇ ગયા છીએ. આજે ગુગલ માનવજાતનું એવું અભિન્ન અંગ છે કે તેના વિનાનું જીવન અશક્ય વર્તાય છે, કમ સે કમ ન્યુ જનરેશન માટે તો આ ભિંતે લખેલુ સત્ય છે. પર્રતુ હવે સ્વદેશી લોકલ મેપિંગ સેવા શરૂ કરવાની જાહેરાત કરીને સરકારી કંપની ઇસરોએ ગુગલ સામે ગુગલી ફેંક્યો છે..!

હાલમાં ઓસ્ટ્રેલિયામાં ગુગલ સામે નવો વિવાદ શરૂ થયો છૈ , તો ભારતમાં નવી હરિફાઇ શરૂ થવાની છે. ઓસ્ટ્રેલિયાએ ગુગલનાં પ્લેટફોર્મ ઉપર પ્રસારિત થતા ઓસ્ટ્રેલિયન પ્રકાશકોનાં સમાચાર પ્રસારિત કરવા બદલ આ પ્રકાશકોને વળતર ચુકવવું જોઇએ એવી માગણી કરતા મામલો બિચક્યો છે. ગુગલ આવી કોઇ ચુકવણી કરવા તૈયાર નથી. મૂળ મુદ્દો તો એ છે કે જો ઓસ્ટ્રેલિયામાં ચુકવણી ચાલુ થાય તો વિશ્વના તમામ દેશો આવી શરતો મુકે જેના કારણે ગુગલને તાળાં મારવા પડે. હવે ગુગલે ઓસ્ટ્રેલિયામાં ઓપરેશન બંધ કરવાની ધમકી આપી છે જો આવું થાય તો 95 ટકા ઓસ્ટ્રેલિયા પાંગળું બની શકે છે, કમ સે કમ નવો વિકલ્પ ન આવે ત્યાં સુધી.

ભારત સરકારે હાલમાં જ ઓસ્ટ્રેલિયા કરતા વધારે ચતુરાઇ દેખાડી છે. હાલમાં જ મેપમાયઇન્ડિયા અને ઇસરો વચ્ચે એક એગ્રિમેન્ટ થયો છે જે અંતર્ગત મેપમાયઇન્ડિયા ભારતમાં મેપિંગ તથા લોકેશન આધારિત સેવાઓ શરૂ કરશે અને એમાં ઇસરોની સેટેલાઇટ સેવાનો સમન્વય થશે. આ બન્ને કંપનીઓ મળીને ઍપ, વેબસાઇટ તથા સોફ્ટવેયર તૈયાર કરશે. આ સેવા ગુગલ મેપ અને તેના જેવી ગુગલની બીજી અમુક સેવાનો વિક્લ્પ બનશે. આને કહેવાય આત્મનિર્ભર ભારત બનાવવાની દિશામા સફળ પ્રયાસ.

ભારત સરકારે આત્મનિર્ભર ભારતનો નારો ભલે લોકડાઉનના સમયે આપ્યો પણ તેની શરૂઆતતો જાણે એકાદ વર્ષ પહેલા થઇ ગઇ હોય એવા સંકેત મળે છે.  સરકારે એક વર્ષ પહેલા જ ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર ( આઇ. એન.એસ. પી. એ. સીઇ.) ની સ્થાપના કરી છે. આ સંસ્થા સ્પેસ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા ઇચ્છતી ખાનગી કંપનીઓને મદદ કરશે.   હવે ખાનગી કંપનીઓ ઇસરોની સેવા લઇને પોતાના રોકેટ પણ લોન્ચ કરી શકશે. હાલમાં 28 જેટલી ભારતીય કંપની સરકાર તથા ઇસરો સાથે આ દિશામાં આગળ વધીને સેટેલાઇટ તથા રોકેટ બનાવી રહી છે. આગામી દિવસોમાં વેધર, પોલ્યુશન, કૄષિ ઉત્પાદન, જમીનમાં થતા ફેરફારો, જળપ્રકોપ કે ભૂસ્ખલન જેવી આફતોની પણ સચોટ જાણકારી મેળવી શકાશે.   હવે જો ભારત પોતાની રીતે સુવિધાઓ આપવા માંડે તો ગુગલ નું શું થાય? ગુગલ હાલમાં તેની મોટા ભાગની સુવિધા યુઝરોને ફ્રી માં આપે છે ખાલી ડેટા યુઝ થાય તેમાં તેની સીધી કમાણી હોય, પરંતુ ગુગલની જાહેરાતની આવકો બહુ મોટી છે. પેરેન્ટ કંપની આલ્ફાબેટ ગ્રુપના બેનર હેઠળ ચાલતી ગુગલની મુખ્ય આવક ગુગલ મેપ, યુ ટ્યુબ, ગુગલ બુક, જી-મેલ તથા ગુગલ ક્લાઉડ મારફતે સર્ચ એન્જીન ઉપર આવતી જાહેરાત દ્વારા થાય છે. 2019 ની સાલમાં   ગુગલની 40.3 અબજ ડોલરની આવકમાંથી 70 ટકા જેટલી આવક આ પાંચ કંપનીઓની જાહેરાતની હતી. ગુગલની બેલેન્શીટ બોલે છે કે  2018 ની આવકની સરખામણી એ 2019 માં એટલે કે એક વર્ષમાં ગુગલની આવકમાં 6.5 અબજ ડોલરનો વધારો થયો હતો. મતલબ કે હવેનો સમય ગુગલને તેની આવકમાં વધારો કરવા માટેનો શ્રેષ્ઠ સમય છૈ. બરાબર મોકાના સમયે જ જો ઓસ્ટ્રેલિયાનું ઓપરેશન બંધ થાય તો ઓસ્ટેલિયાની સાથે ગુગલને પણ નુકસાન થાય. જ્યારે ભારત નવો વિકલ્પ આપે અને ભારતનું ક્રાઉડ ગુગલ મેપ છોડીને સ્વદેશી અપનાવે તો શું થાય? ઓસ્ટ્રેલિયાની કુલ 2.55 કરોડની વસ્તી કરતા તો આપણા ગુજરાતની વસ્તી બમણા કરતા વધારે છૈ. તેથી આમાં ગુગલને વધારે  ભોગવવું પડે. જે કંપનીની આવક જાહેરાત આધારિત હોય તે કંપનીનો જ્યારે માર્કેટ કનેક્ટ બેઝ કે સબસ્ક્રાઇબર બેઝ ઘટે ત્યારે એ કંપનીનો બિઝનેસ અચાનક ઘટવા માંડે છે. એટલે 130 કરોડની વસ્તી વાળા ભારતને અવગણવું ગુગલને પાલવે તેમ નથી. ઉલટાનું છ મહિના પહેલા ગુગલે વધુ છ ભારતીય ભાષામાં સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી. એટલે ભારતનું ગુગલનો વિકલ્પ આપવાનું કદમ ગુગલને મરણતોલ ફટકો મારી શકે છે.    યાદ કરો,  ટેકનોલોજી એક એવું સેક્ટર છે જેમાં કોઇ એક વ્યક્તિ કે કંપની વિશેષનું આધિપત્ય સદાકાળ રહેતું નથી. નજર હટી દુર્ઘટના ઘટી જેવા ચંચળ એવા આ સેક્ટર ના યાહુ, નોકિયા, સેમસંગ, જેવા ઘણા સુર્યાસ્ત આપણે જોઇ ચુક્યા છીએ. છેલ્લા બે દાયકામાં ગુગલે સારું કાઠું કાઢ્યું છે એ વાત સાચી, પણ સમયની સાથે ગુગલને પણ બદલાવું પડશે. નહીતર અન્યોની જેમ કિનારે બેસી જવા તૈયાર રહેવું પડશે..!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.