Abtak Media Google News

મુદ્દલ કરતા વ્યાજ વધુ વ્હાલું!! : સુપ્રીમે પણ સ્વીકાર્યું!!

અબતક, નવી દિલ્લી

કોરોનાની બીજી લહેર દરમિયાન પાંચ વર્ષના બાળકના માતાપિતાનું અવસાન થતાં તેની કસ્ટડી ગુજરાત હાઈકોર્ટે તેનાં માસીને સોંપી હતી. જે બાદ બાળકના દાદા-દાદીએ આ આદેશનો વિરોધ કરતાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે દાદા-દાદીની તરફેણમાં ચુકાદો આપતાં બાળકની કસ્ટડી તેમને સોંપી છે. બાળકના દાદા-દાદી અમદાવાદમાં રહેતા હોવાથી સારું શિક્ષણ અપાવી શકશે તેમ સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે.

સુપ્રીમ કોર્ટે ગુરુવારે ગુજરાત હાઈકોર્ટના આદેશને ફગાવતાં બાળકની કસ્ટડી તેના દાદા-દાદીને સોંપી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, કોઈપણ સગાસંબંધી કરતાં દાદા-દાદી બાળકનું ધ્યાન વધારે સારી રીતે રાખી શકે છે. ગુજરાત હાઈકોર્ટે બાળકની કસ્ટડી તેના માસીને સોંપી હતી. કોરોનાની બીજી લહેર દરમિયાન બાળકના માતાપિતાનું અવસાન થયું હતું. જસ્ટીસ એમ.આર. શાહ અને અનિરુદ્ધ બોઝની વેકેશન બેન્ચે જણાવ્યું કે, દાદા-દાદી ભાવનાત્મક રીતે પોતાના પૌત્ર કે પૌત્રી સાથે વધુ જોડાયેલા હોય છે અને તેઓ વયોવૃદ્ધ હોવા છતાં તેનું વધારે સારી રીતે ધ્યાન રાખી શકે છે.

ગુજરાત હાઈકોર્ટે પાંચ વર્ષના બાળકની કસ્ટડી તેની માસીને આપી હતી અને દાદા-દાદીની કસ્ટડી માટેની અરજી ફગાવી હતી. કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન બાળકે પોતાના માતાપિતાને ગુમાવ્યા હતા. દાદા-દાદીની ઉંમર 71 અને 63 વર્ષ હોવાથી માસી બાળકનું ધ્યાન વધુ સારી રીતે રાખી શકશે તેવી ધારણા બાંધીને ગુજરાત હાઈકોર્ટે બાળકની કસ્ટડી માસીને સોંપી હતી. ઉપરાંત માસીની આવક સારી છે અને સંયુક્ત પરિવારમાં રહેતી હોવાથી બાળકનો ઉછેર સારી રીતે થશે તેમ વિચારીને કસ્ટડી સોંપાઈ હતી.

જોકે, ગુજરાત હાઈકોર્ટના આદેશ સાથે અસહમત સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાઈકોર્ટે કરેલું અનુમાન બરાબર હોઈ શકે છે પરંતુ સુસંગત નથી. માસી અપરિણીત અને સ્વતંત્ર આવક ધરાવે છે, દાદા-દાદીની સાપેક્ષમાં તેની ઉંમર ઓછી છે અને મોટો પરિવાર હોવાથી બાળકનું ધ્યાન વધારે સારી રીતે રાખી શકે છે આ ધારણાઓને આધારે કસ્ટડી ના આપી શકાય.

સુપ્રીમ કોર્ટે કહ્યું, “આપણા સમાજમાં દાદા-દાદી હંમેશા પૌત્રનું ધ્યાન વધુ સારી રીતે રાખે છે. દાદા-દાદીની પોતાના પૌત્રને સાચવવાની ક્ષમતા પર કોઈએ શંકા ના કરવી જોઈએ. કહેવાય છે કે, દાદા-દાદીને મૂડી કરતાં વ્યાજ વધારે વહાલું હોય છે. ભાવનાત્મક દ્રષ્ટિએ પણ દાદા-દાદી પૌત્રનું વધુ ધ્યાન રાખે છે.”

સુપ્રીમ કોર્ટે એ પણ નોંધ્યું કે, દાદા-દાદી અમદાવાદમાં રહે છે અને અહીં બાળકને સારું શિક્ષણ પણ મળી રહેશે. જ્યારે તેનાં માસી દાહોદ જેવા આદિવાસી જિલ્લામાં રહે છે. સુપ્રીમ કોર્ટે એ પણ ધ્યાને લીધું કે, દાદા-દાદી નિવૃત્ત હોવાથી તેમના પૌત્ર માટે વધુ સમય ફાળવી શકશે. બાળકના માસી સરકારી કર્મચારી છે.

“પૌત્રની કસ્ટડી તેના દાદા-દાદીને ના સોંપવા માટે આવક અને/અથવા ઉંમર અને/અથવા મોટો પરિવાર એકમાત્ર માપદંડ ના હોઈ શકે. બાળકની વચગાળાની કસ્ટડી દરમિયાન તેના દાદા-દાદીએ તેનું યોગ્ય ધ્યાન ના રાખ્યું અથવા તેના હિતને નુકસાન થાય તેવું કોઈ કામ કર્યું એવું કંઈ જ હાઈકોર્ટે નોંધ્યું નથી, તે આ પુન:અરજીમાં ધ્યાનમાં આવ્યું છે”, તેમ સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.