Abtak Media Google News

જેતપુર ખાતે  એકેડમીના વાર્ષિક મહોત્સવને  મંત્રી મુળુભાઈ બેરાએ ખુલ્લો મુક્યો: ધારાસભ્ય જયેશભાઇ રાદડિયા સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત

રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને પર્યાવરણ ક્લાયમેટ ચેન્જ વિભાગના મંત્રી  મૂળુભાઈ  બેરાના અધ્યક્ષસ્થાને, સંસદસભ્ય રમેશભાઈ ધડુક અને ધારાસભ્ય જયેશભાઈ  રાદડિયાની  વિશેષ ઉપસ્થિતિમાં જેતપુર એકેડમીના વાર્ષિક  મહોત્સવની ઉજવણી અંતર્ગત આયોજિત વિદ્યાર્થીઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો

આ વાર્ષિક મહોત્સવનો દીપપ્રાગટ્ય કરી મંત્રી મુળુભાઇ બેરાએ શુભારંભ કરાવ્યો હતો. અને સંસ્થાના ચેરમેન તથા યુવા અગ્રણી પ્રશાંતભાઈ કોરાટે સર્વનું શાલ ઓઢાડી સન્માન કરી આવકાર્યા હતા. આ પ્રસંગે મંત્રી  મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે અંતરિયાળ ગામોમાં પણ  શિક્ષણની સુવિધાઓ પહોંચાડી સરકારે શિક્ષણ માટેના સંનિષ્ઠ પ્રયાસો કર્યા છે. શાળાઓ અપગ્રેટ થઈ રહી છે. અંતરિયાળ ગામોની શાળાઓમાં શિક્ષકોની ભરતી કરી શિક્ષણનું  સ્તર ઊંચું લાવવા માટે પણ ખૂબ જ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે આ સરકારી શાળાઓમાં પણ ખૂબ સારું શિક્ષણ અપાઇ રહ્યું છે.

પી. પી. પી. ના ધોરણે વિદ્યાર્થી દીઠ નિયત રકમ ફાળવી  ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના બાળકોના અભ્યાસ માટેનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યુ છે.

મંત્રી મુળુભાઈ બેરાએ વધુમાં જણાવ્યું હતું કે સંસ્કાર અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી યુવાનો રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બને, એ માટે રાજ્ય સરકાર શિક્ષણ ઉપર પૂરતા પ્રમાણમાં ધ્યાન આપી રહી છે ,

આ પ્રસંગે  ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે જેતપુરમાં સારું શિક્ષણ આપવા આ સંસ્થા દ્વારા સંનિષ્ઠ પ્રયાસ થાય અને લોકોને જેતપુરના ઘર આંગણે સારું શિક્ષણ મળે તે માટે જેતપુર એકેડેમી  બાળકોના શિક્ષણ કાર્યમાં ખૂબ જ મદદરૂપ થશે તેવી આશા વ્યક્ત કરી હતી.

પૂર્વ મંત્રી જશુબેન કોરાટએ જણાવ્યું હતું કે માત્ર પુસ્તકનું જ્ઞાન નહીં, પરંતુ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તેવા પ્રયાસો આ સંસ્થા દ્વારા કરવામાં આવશે.

આ પ્રસંગે અગ્રણી શ્રી મનસુખભાઈ ખાચરિયા તેમજ શિક્ષણ તજજ્ઞોએ પ્રાશંગિક વક્તવ્યો આપ્યા હતા.

આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા વિવિધ સંકૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા અને ઉદ્યોગપતિ રાજુભાઈ હીરપરા,  દિનકર ગુંદરિયા,  રમેશ જોગી,  પી. જી. ક્યાડા,  ભૂપત સોલંકી,  ભાવિક વૈષ્ણવ,  જેન્તી રામોલિયા,  સહિત આગેવાનો, વાલીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.