Abtak Media Google News

ડોલીવાળાભાઈઓ માટે ભવનાથમાં કરોડોના ખર્ચે કોમ્પ્લેક્ષનું આયોજન

જૂનાગઢને એવન કક્ષાનું પ્રવાસન ધામ બનાવવા માટે ભાજપ સરકાર કટિબદ્ધ છે અને જૂનાગઢના સર્વાંગી વિકાસ માટે સરકાર હકારાત્મક અભિગમ સાથે મોટી રકમની ગ્રાંટ ફાળવી એક પછી એક પ્રવાસનના વિકાસ માટે કાર્ય કરી રહી છે. તેમ રાજ્યના પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડાએ જણાવ્યું હતું.

જૂનાગઢ પ્રવાસન ક્ષેત્રે વિકસિત બને અને જે પ્રવાસીઓ જૂનાગઢ સહિત જિલ્લાના પ્રવાસે આવે છે તેના કરતાં વધુ પ્રવાસીઓ  આવે તથા તેમના માટે જુનાગઢનો પ્રવાસ એક મહત્વનું સંભારણું બની રહે તે માટે મારા ભૂતકાળના સપનો હતા, અને તેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગ સાથે આજે જૂનાગઢના પ્રવાસન વિકાસ માટે તમામ પ્રયત્નો હાથ ધરાયા છે.

મંત્રી ચાવડા એ વધુમાં જમાવ્યું હતું કે, જુનાગઢ એ ઐતિહાસિક, ધાર્મિક અને પૌરાણિક શહેર છે ત્યારે આ શહેર ખરા અર્થમાં પ્રવાસન ધામ તરીકે વિકસે તે માટે સરકાર કટિબદ્ધ છે અને વધુમાં વધુ પ્રવાસીઓ જિલ્લાના ભવ્ય ઇતિહાસ, સૌંદર્ય અને ધાર્મિક સ્થાનોના દર્શન કરે તથા  અલભ્ય પૌરાણિક સ્થાપત્યને પ્રવાસીઓ નિહાળી શકે સાથોસાથ દેશ વિદેશમાંથી આવતા પ્રવાસીઓની જૂનાગઢમાં પૂરતી સગવડતા સચવાય તે માટેના તમામ પ્રયત્નો સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે.

ચાવડા એ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની પ્રતિબધ્ધતાના કારણે જૂનાગઢ શહેર તથા જિલ્લાના પર્યટન સ્થળોનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરવામાં આવતા જૂનાગઢ જિલ્લામાં પ્રવાસીઓની સંખ્યા પણ વધશે અને તેના કારણે જૂનાગઢ જિલ્લામાં વેપાર ઉદ્યોગ પણ વિકસસે, તો બીજી બાજુ રાજ્ય સરકારે ગિરનાર પર વર્ષોથી પ્રવાસીઓને ડોલીમાં બેસાડી ગિરનારનો પ્રવાસ કરતા દોલીવાળા ભાઈઓની રોજગારીની ચિંતા કરી, તેમના રોજી ધંધા માટે ભવનાથ ક્ષેત્રમાં જ કરોડો રૂપિયાના ખર્ચે કોમ્પલેક્ષ બનાવવાનું પણ આયોજન કર્યું છે અને તેનું ખાતમુરત પણ તાજેતરમાં જ કરવામાં આવ્યું છે. ત્યારે ભવિષ્યના દિવસોમાં જુનાગઢ પ્રવાસન ક્ષેત્રનું એક આગવું અને આકર્ષણનું કેન્દ્ર બની જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.