Abtak Media Google News

આંતર માળખાકિય યોજનાઓ અને અર્થતંત્રમાં પ્રાણ પુરવા સરકારે કમરકસી: જરૂરીયાતવાળી તમામ ચીજ-વસ્તુઓમાં જીએસટી દર ઘટાડાશે

હાલ ભારત દેશ અત્યંત આર્થિક મંદીનો સામનો કરી રહ્યો છે ત્યારે ભારતનાં વિકાસ દરની ઘટતી જતી ઝડપને વધુ તેજ બનાવવા સરકારે આંતર માળખાકિય યોજનાઓ અને અર્થતંત્રમાં પ્રાણ પુરવા માટે ૧૦ મહત્વપૂર્ણ પ્રોજેકટોમાં ૧૦૦ લાખ કરોડનું રોકાણ કરવા માટે કમરકસી છે જે આગામી ૧૫મી ડિસેમ્બરથી અમલી બનાવાશે. કેન્દ્ર સરકાર દ્વારા જે ૫ ટ્રિલીયન ડોલરનું સ્વપ્ન આગામી વર્ષોમાં પૂર્ણ કરવા માટેનું જે લક્ષ્ય રાખવામાં આવ્યું છે તે વ્યવસ્થાને પહોંચી વળવા માટે શનિવારનાં રોજ નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. નાણામંત્રી નિર્મલા સીતારામને જુલાઈ-સપ્ટેમ્બરનાં વિકાસદરનાં ૪.૫ ટકા જેટલા નબળા પરીણામ અંગે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી સરકાર દેશનાં આર્થિક સુધારાઓ માટે કમરકસી રહી છે અને અનેક યોજનાઓ પ્રક્રિયામાં આગળ વધી રહી છે. એક વખત આ પ્રકારનાં પ્રોજેકટને જો લીલીઝંડી મળી જશે તો દેશમાં આર્થિક સુધારાઓનો નવો યુગ શરૂ થશે. આગામી ૧૫મી ડિસેમ્બરનાં રોજ ઓછામાં ઓછી ૧૦ જેટલા વધુ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટોને અમલી બનાવવાનું પણ તેઓએ જણાવ્યું હતું.

7537D2F3

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જયારથી દેશનું સુકાન સંભાળ્યું હતું ત્યારે તેઓએ અર્થતંત્રને ઉજાગર કરવા માટેનાં વચનો આપી ભારતમાં વિદેશી મુડીરોકાણને પ્રોત્સાહન આપ્યું હતું ત્યારે દેશનાં વિકાસ અને અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે આંતર માળખાકિય સુધારાઓ સતત તેમનાં દ્વારા કરવામાં આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બીજી ટર્મમાં પણ અર્થતંત્રને વધુ મજબુત કરવા સરકારે લીધેલા પગલાઓમાં કોર્પોરેટ ટેકસમાં વધારો, સરકારી સાહસોનાં ખાનગીકરણ જેવા પ્રયોગો ચાલી રહ્યા છે પરંતુ કેટલાક પરીબળોનાં કારણે ઘરેલુ રીતે અર્થતંત્રમાં પરિવર્તિત મંદી હજુ બે વર્ષ સુધી રહે તેવી પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર અર્થતંત્રમાં પ્રાણ ફુંકવા માટે ૧૦૦ લાખ કરોડ રૂપિયાનું ભંડોળ આંતર માળખાકિય સુવિધાઓ માટે રોકાણ કરવાનું વિચાર્યું છે. દેશની અર્થવ્યવસ્થાને વધુ મજબુત બનાવવા માટે ઈન્ફ્રાસ્ટ્રકચરની સાથોસાથ અન્ય તમામ ક્ષેત્રોને બેઠા કરવા માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. મેન્યુફેકચરીંગ ક્ષેત્ર હોય, કૃષિ ક્ષેત્ર હોય, નાણાકીય ક્ષેત્ર હોય કે અન્ય કોઈ ક્ષેત્ર કે જે સીધી કે આડકતરી રીતે દેશનાં અર્થતંત્રને મજબુત બનાવવા માટે કાર્યરત હોય તે તમામ ક્ષેત્રને બેઠુ કરવા માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

સરકાર દ્વારા રેવન્યુ કલેકશન પેટે જે કોર્પોરેટ ટેકસમાં વધારો કર્યો છે તેવી જ રીતે નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, જીએસટીમાં પણ સરકાર દ્વારા અનેકવિધ પ્રકારે ફેરબદલ કરવામાં આવશે અને જે કોઈ જીવન જરૂરીયાત ચીજ-વસ્તુઓ હોય તેનાં પરનો જીએસટી દર પણ ઘટાડવામાં આવશે જેથી લોકોની તમામ જીવન જરૂરીયાત ચીજ-વસ્તુઓ અને તેમની આશા સંતોષાય જાય અને આગળનાં સમયમાં તેઓને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ન પડે ત્યારે બીજી તરફ કંપનીઓ માટે જે જીએસટી કાયદો અમલી બનાવવામાં આવ્યો છે તેમાં યથાવત દર રાખી જીએસટી અમલી બનાવાશે તેમ નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું ત્યારે દેશની ખરાબ અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે સરકાર દ્વારા ૧૦૦ લાખ કરોડ રૂપિયાનો બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે ત્યારે જોવાનું એ રહ્યું કે આ સહાય દેશની અર્થવ્યવસ્થાને કેવી રીતે સુધારી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.