Abtak Media Google News

જીવનમાં કોઈપણ કષ્ટ પડે એક વખત કષ્ટભંજન દેવને સાદ કરજો

હનુમાન ચાલીસા સિધ્ધ અને શુધ્ધ છે: સ્વામી હરિપ્રકાસદાસ

રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ચાલી રહેલી હનુમાન ચાલીસા યુવા કથાના છઠ્ઠા અને આખરી દિવસે અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટી પડયો હતો. કથાના છેલ્લા દિવસે હનુમાન ચાલીસાનું મહાત્મ્ય સમજાવતા પ. પૂ. સ્વામી હરિપ્રકાસદાસજીએ જણાવ્યું હતું કે, જીવનમાં ગમે તેટલી વિકટ પરિસ્થિતિ આવે અને ગમે તેટલા કષ્ટ  આવી પડે જ્યારે કોઈપણ રસ્તો દેખાતો ન હોય ત્યારે હનુમાન ચાલીસાના પાઠ કરજો અને જરૂર લાગે તો એકવાર સાળંગપુર દાદા ના શરણે આવજો તમારા તમામ કષ્ટો હનુમાન દાદા દૂર કરશે.

આજે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. આજે રાજકોટનાં પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓએ હાજર રહીને આરતીનો લાભ મેળવ્યો હતો ત્યારબાદ કથામાં બહોળી સંખ્યામાં હાજર રહેલા લોકોને સ્વામીજીએ વ્યસન, કુરીવાજો છોડવા માટે અપીલ કરી હતી. રેસકોર્ષ મેદાનમાં ઉપસ્થિત લોકોએ મોબાઈલની ફલેસ લાઈટને દીપમાળા બનાવી હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો અને અદભૂત નજારો સર્જાયો હતો.

સ્વામીજીએ કથાના અંતમાં જણાવ્યું હતું કે, આ રાજકોટની કથા તેમની બધી કથાઓમાં સૌથી યાદગાર બની છે કારણ કે, આ રંગીલુ રાજકોટ આટલી ઠંડીમાં પણ ઉમટી પડયું હતું. કથામાં ઉજવાયેલા દરેક મહોત્સવમાં અદભૂતપૂર્વ મેદની હાજર રહી હતી. આ કથા ગઈ મોરબીની કથા કરતા પણ વિશિષ્ટ રહી છે અને આટલી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હોય તેવું પણ પહેલી વખત થયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ પ્રસંગ મંડપ સામીયાણાથી નહીં પરંતુ હાજર જનમેદનીથી દીપી ઉઠે છે. આપ બધા હાડ થીજવતી ઠંડીમાં પણ અહિં ઉપસ્થિત છો એ હનુમાનજીની સાક્ષાત કૃપા છે.

આજે અંતમાં સ્વામીજીએ હનુમાન ચાલીસા યુવા કથાના આયોજનને પણ બિરદાવ્યું હતું. નાના સ્વયંસેવકથી લઈ દરેક યજમાનને આશિર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, હનુમાન દાદા તમારી પૂર્ણરૂપે રક્ષા કરે અને આપને યશ કિર્તી આપે. આ ઉપરાંત કથાનું કવરેજ મીડિયાકર્મીઓએ બહુ સરસ રીતે લીધું હતું જેને માટે આભાર વ્યકત કરાયો હતો. આજે કથામાં ઉમિયાધામ સિદસરના જયરામભાઈ વાસજાળીયા, ભાજપના કમલેશ મિરાણી, જય શાહ ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.