Abtak Media Google News

જાન્યુઆરી અને એપ્રિલ માસના પ્રોડકશનનો વજન બરાબર નીકળ્યો, ફેબ્રુઆરીનો લોટ પરત મંગાવાયો: તમામ ડેપો મેનેજરને સ્ટોકનો જથ્થો ચેક કરવાનો આદેશ: ખેતી વિભાગે હરકતમાં આવીને શરૂ કરી સ્થળ તપાસ

તમામ ડેપોમાં વજન કાંટાની વ્યવસ્થા કરવાનો નિર્ણય, ખેડૂતો ખાતરની થેલીનો વજન સ્થળ પર જ કરી શકશે

સૌરાષ્ટ્રભરમાં ખાતર કૌભાંડ ગાજયુ છે ત્યારે ખેતી વિભાગે આ મામલે તપાસ હાથ ધરતા જીએસએફસીએ ફેબ્રુઆરી માસમાં ઉત્પાદન કરેલા ખાતરના વજનમાં ગોટાળા હોવાનું સામે આવ્યું છે. જો કે જાન્યુઆરી અને એપ્રિલના પ્રોડકશનનો વજન બરાબર નિકળ્યો છે. હાલ માર્ચ મહિનામાં થયેલ પ્રોડકટનનો વજન ચેક કરવામાં આવી રહ્યો છે. તમામ ડેપો મેનેજરને પણ સ્ટોકનો વજન ચેક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત ખેતી વિભાગે આજે સ્થળ તપાસ આદરી હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

રાજકોટ, જેતપુર અને વિસાવદરફસહિતના સેન્ટરો ઉપર થતાં ખાતરના વેંચાણમાં કૌભાંડ સામે આવતા ખેડૂતો રોષે ભરાયા છે. મગફળી અને તુવેર બાદ સામે આવેલા ખાતર કૌભાંડે ખળભળાટ મચાવી દીધો છે. આ કૌભાંડમાં સામે આવ્યું હતું કે, જીએસએફસીની ખાતરની થેલીઓમાં પોણા કિલો જેટલું વજન ઓછુ આપવામાં આવતું હતું.

ત્યારે આ મામલે ઉપરી કક્ષાએથી તપાસના આદેશ આવતા ખેતી વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા. આ મામલે તપાસ કરતા સામે આવ્યું હતું કે, જીએસએફસીએ ફેબ્રુઆરી માસમાં ઉત્પાદીત કરેલી ખાતરની થેલીઓમાં જ વજન ઘટયો છે. જયારે જાન્યુઆરી અને એપ્રીલ માસમાં જે પ્રોડકશન થયું હતું જેમાં વજન બરાબર છે. ઉપરાંત અધિકારીઓ દ્વારા હાલ માર્ચ માસમાં ઉત્પાદિત થયેલા ખાતરના વજનની ચકાસણી કરવામાં આવી રહી છે.

ત્યારે બીજીબાજુ જીએસએફસીએ પણ ફેબ્રુઆરી માસના લોટને પરત મંગાવવાની તૈયારી દર્શાવી છે. ખેતી વિભાગે જીએસએફસીના તમામ ડેપો મેનેજરને પોતાના ડેપોમાં રહેલા ખાતરના જથ્થાની થેલીઓનો વજન ચેક કરવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત ખેતી વિભાગના અધિકારીઓ આજે સ્થળ તપાસ પણ કરવાના છે. આ સ્થળ તપાસમાં તેઓ હાલ માર્કેટમાં રહેલો તમામ મહિનાના જથ્થાનો વજન ચેક કરશે.

આ મામલે જીએસએફસીના વાઈસ પ્રેસીડેન્ટે જાહેર કર્યું કે, સીકકા ખાતે ઓટોમેટીક પ્લાન્ટમાં ૨૫૦૦થી વધુ ખાતરની થેલીઓનું ઉત્પાદન થાય છે. મશીનની ખામીને કારણે થેલીઓમાં વજન ઓછો આવ્યો છે. આ થેલીઓનું ક્રોસ ચેકિંગ કરી તમામ થેલીઓને રીપ્લેસ કરી આપવામાં આવશે. તમામ ડેપોમાં વજન કાંટા ગોઠવવામાં આવશે અને ખેડૂતો ક્રોસ ચેકિંગ કરી થેલી લઈ જઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.