Abtak Media Google News

ગુજરાતનો ખેડૂત પણ પોતાની વાતને ધંધા સાથે જોડે છે, અહીં દરેક લોકો વ્યવસાયમાં પારંગત

ગાંધીનગર ખાતે જી20 અંતર્ગત ગુજરાતની પ્રથમ ઈવેન્ટ- બી20 ઇન્સેપ્શન મીટીંગનો પ્રારંભ : કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ, અશ્વિની વૈષ્ણવ અને સોમ પ્રકાશે આપી હાજરી

અબતક, ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારતની જી20 પ્રેસિડેન્સી સત્તાવાર રીતે તા.1 ડિસેમ્બર, 2022થી શરૂ થઈ છે.ગુજરાત પણ શ્રેણીબદ્ધ ચર્ચાઓ, વિચાર-વિમર્શ અને બેઠકોનું આયોજન કરીને તેની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. ગુજરાતમાં યોજાનારી 15 ઈવેન્ટ્સની યાદીમાં પ્રથમ- બિઝનેસ 20 ઇન્સેપ્શન મીટિંગ ગાંધીનગરમાં આવેલ મહાત્મા મંદિર ખાતે શરૂ થઈ છે.

બી 20 ઇન્સેપ્શન મીટિંગના ઓપનિંગ સેશનમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ, કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી  સોમ પ્રકાશ ઉપસ્થિત રહ્યા હતા. બી 20 ઇન્ડિયાના અધ્યક્ષ તેમજ ટાટા સન્સના ચેરમેન  એન. ચંદ્રશેખરન, જી20 માટે ભારતના શેરપા  અમિતાભ કાંત, અને ભારત સરકારના પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી અને ઇન્ટરનલ ટ્રેડ વિભાગના સેક્રેટરી અનુરાગ જૈન, બજાજ ફાઇનસર્વના ચેરમેન અને એમડી  સંજીવ બજાજ ઉપસ્થિત રહ્યા હતા.

પિયુષ ગોયલે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, “આજે ભારતના વિકાસ માટે ચાર “આઈ” મહત્વપૂર્ણ છે, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ, ઇન્ટિગ્રિટી, ઈન્ક્લુઝિવ ડેવલપમેન્ટ અને ઈન્ટરનેશનલ આઉટલુકનો સમાવેશ થાય છે.” તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત બિઝનેસ માટે શરૂઆતનું યોગ્ય સ્થળ છે. ગુજરાતનો ખેડૂત પણ પોતાની વાતને ધંધા સાથે જોડે છે. ધીરુભાઈ અંબાણી, અદાણી જેવા અનેક ઉદ્યોગપતિઓ અહી જનમ્યા છે.

કોઈપણ વ્યવસાય માટે ગુજરાત શ્રેષ્ઠ રાજ્ય છે. નાનામાં નાનો ખેડૂત હોય કે અન્ય તમામ લોકો વ્યવસાય કરવામાં નિપુણ છે.  આ ગુજરાતમાં અનેક મોટા ઉદ્યોગપતિઓ છે જે અહીથી આવ્યા છે, ધીરુભાઈ અંબાણીથી લઈને અનેક નામ છે. મહાત્મા ગાંધીએ પણ વ્યવસાય માટે અનેક વાતો કહી છે. દેશના વિકાસ માટે વ્યવસાય કેટલો અગત્યનો છે તેની પણ વાત મહાત્મા ગાંધી એ કરી છે. આપણે અનેક વિકટ પરિસ્થિતિનો સામનો કર્યો છે. અનેક આ પરિસ્થિતિમાં અમે 12 ગણો વિકાસ કર્યો છે.

છેવાડાનાં લોકો સુધી નીતિઓ પહોંચે તે દિશામાં કામ કર્યું છે. સરકાર ખૂબ ઈમાનદારીથી કામ કરી રહી છે અને તેના જ કારણે દેશની વિકાસ શક્ય છે. ટેલિકોમ ક્ષેત્રે આગામી 2 વર્ષ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યા છે. પીએમ મોદીની દીર્ઘદ્રષ્ટિ છે કે ગમે તેટલી મહામારી હોય કે અન્ય તકલીફ કોઈ પણ વ્યક્તિ દેશમાં ભૂખ થી ન મરે તે સરકારનું લક્ષ્ય હતું. અનેક લોકો વિચારતા હતા કે ભારત આનો સામનો કેવી રીતે કરશે, પરંતુ આજે સ્થિતિ જુદી છે આજે ભારતનું ઉદાહરણ આપવામાં આવી રહ્યું છે.

ભારતે 4 અભિગમથી તમામ સમસ્યાઓને મ્હાત આપી : અશ્વિની વૈષ્ણવ

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, “ભારતે તેની કેટલીક મહત્વની સમસ્યાઓના ઉકેલ માટે 4 અભિગમો અપનાવ્યા છે, જેમાં આર્થિક વ્યવસ્થાપન, ડિજિટલ અર્થતંત્ર, ડિજિટલ અર્થતંત્રમાં નિયમન અને નવી ટેક્નોલોજીનો સમાવેશ થાય છે.” તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ફોકસ્ડ કન્ઝમ્પ્શન અને ઇન્વેસ્ટમેન્ટના કમ્બાઇન્ડ એપ્રોચે (કેન્દ્રિત વપરાશ અને રોકાણના સંયુક્ત અભિગમે) ભારતમાં લાંબા ગાળાની ઉત્પાદકતાને પ્રોત્સાહન આપ્યું હતું, જેના પરિણામે મધ્યમ ફુગાવાની સાથે મજબૂત વૃદ્ધિ થઈ હતી.

ડિસેમ્બર 2022માં 1.5 ટ્રિલિયન યુએસ ડોલરનું ટ્રાંઝેક્શન થયું. કોરોનાકાળ હોય કે પછી રસીકરણ પ્રક્રિયા- તમામ કર્યો ઓનલાઇન કરવામાં આવ્યા અને તેમાં મોટી સફળતા પણ મળી. પીએમનો વિચાર હતો કે ડિજિટલ દિશામાં આગળ વધવામાં આવે અને સામાન્ય લોકોને તેનો લાભ મળી શકે

‘ગુજરાતના જી20 કનેક્ટ’ પર એક વિશેષ સત્ર યોજાયું

બિઝનેસ20 ઇન્સેપ્શન મીટિંગ’માં ‘ગુજરાતના જી20 કનેક્ટ’ પર એક વિશેષ સત્ર આયોજિત કરવામાં આવ્યું હતું. આ સત્રમાં ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી કેટલીક વિશેષ પરિવર્તનકારી પહેલો પર ચર્ચા કરવામાં આવી હતી. આ સત્ર દરમિયાન, તેમાં ભાગ લેનારા પાર્ટિસિપન્ટ્સને ગુજરાતની જીવંત કલા અને સંસ્કૃતિ તેમજ રાજ્યના સમૃદ્ધ ઇતિહાસ અને રાજ્યએ આટલા વર્ષોમાં કરેલા વિકાસને દર્શાવતી એક ફિલ્મ બતાવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.