Abtak Media Google News

કુલ ૬૭૬૦૯ એકમોને રૂા.૮,૮૮,૬૦૭ લાખની લોન મંજૂર

રાજ્યમાં કુલ ૧૬.૪૫ લાખ એકમોને રૂા.૪૬૦ કરોડની વીજ બીલમાં રાહત

૨૭ જૂન પહેલા વીજ બીલ આવ્યા છે તેઓને હવે પછીના બીલમાં રાહત આપવામાં આવશે

ઊર્જા પ્રધાન સૌરભ પટેલ અને આઈ.કે.જાડેજાએ રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી હતી. ત્યારે સૌરભ પટેલે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, એમ.એસ.એમ.ઈ. સેકટરમાં લોન મંજૂર કરવા બાબતે સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાત આત્મનિર્ભર પેકેજ અંતર્ગત એમ.એસ.એમ.ઈ. એકમો માટે અત્યાર સુધીમાં કુલ ૧,૬૩,૦૩૦ અરજીઓ આવી છે. જેમાં ૧,૬૨,૨૪૫ અરજીઓ મંજૂર થઈ ગઈ છે. તેમજ અત્યાર સુધીમાં કુલ ૬૭૬૦૯ એકમોને રૂા.૮,૮૮,૬૦૭ લાખની લોન મંજૂર કરી આપવામાં આવી છે. જે પૈકી ૫,૨૫,૮૬૮ લાખની લોન દેવાઈ ગઈ છે અને આ ઉદ્યોગ ગૃહોમાં પ્રોડકશન પણ શરૂ થઈ ગયું છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, લોન મંજૂર કરવા બાબતે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે તેમજ લોન વિતરણ કરવાની બાબતમાં ત્રીજો ક્રમ ધરાવે છે. આત્મનિર્ભર નીતિનો લાભ ગુજરાતના ૮ લાખથી વધુ ઔદ્યોગીક એકમોને મળશે. આ ઉપરાંત ગૃહ, કુટીર ઉદ્યોગો અને સેવાકીય એકમોનો સમાવેશ કરતા ૩૦ લાખથી વધુ એકમો લાભવંતા બનતા  આ ક્ષેત્રે મોટાપાયે રોજગારી પણ ઉભી થશે.

ઉલ્લેખનીય છે કે, ૧૨ મે ૨૦૨૦ના રોજ આત્મનિર્ભર યોજના વડાપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવી હતી. જે એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગોને ગતિ પૂરી પાડવા તેમજ કેશ ફલો, રોજગારી અને કામગીરી અવિરતપણે જાળવી રાખવા માટે બજારમાં વિવિધ પ્રત્યેક અને પરોક્ષ નાણાકીય નિવેષના રૂપમાં ટેકો આપવા માટે છે. આ ઉપરાંત હાલની લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાને લઈ મુખ્યમંત્રી દ્વારા અનેક સહાય પૂરી પાડવામાં આવી છે. જે પૈકી નાના અને મધ્યમ વર્ગના ઉદ્યોગકારોને લોકોને મદદરૂપ થવા વીજ બીલમાં સહાય અપાય છે જે અન્વયે ૧૬.૨૯ લાખ નાના ઉદ્યોગકારોને રૂા.૧૧૦ કરોડની સહાય તેમજ મોટા વીજ કનેકશન ધરાવતા ૧૬૨૭૧ એકમોને રૂા.૩૫૦ કરોડની આર્થિક મદદ મળી હોવાનું અને કુલ ૧૬.૪૫ લાખ એકમોને રૂા.૪૬૦ કરોડની વીજ બીલમાં રાહત આપી હોવાનું ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું. તેમજ આત્મનિર્ભર પેકેજમાં પ્રોપર્ટી ટેકસમાં વાણીજય એકમોને ૨૦ ટકાની રાહત, રહેણાંક મિલકતોના પ્રોપર્ટી ટેકસમાં ૧૦ ટકાની રાહત, માસીક ૨૦૦ યુનિટ કરતા ઓછો વીજ વપરાશના બીલમાં ૧૦૦ યુનિટની માફી વીજ કરમાં ઘટાડો સહિત અનેક સહાયો મંજૂર કરવામાં આવી છે.

આ ઉપરાંત જે લોકોને ૨૭ જૂન પહેલા વીજ બીલ આવ્યા છે તેઓને હવે પછીના બીલમાં રાહત આપવામાં આવશે તેમજ ઉદ્યોગ વ્યવસાયો માટે વિવિધ સબસીડી રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી હોવાનું ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું.

મોરબી બેઠકમાં કાર્યકરોની સાથે કાંતિલાલની પણ લાગણી છે કે મેરજાને ટિકિટ મળે : આઈ.કે. જાડેજા

મોરબી-માળીયા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટને લઈને સર્જાયેલા આંતરિક અસંતોષને આજે આઈ.કે.જાડેજાએ ઠંડો પાડી દેતું નિવેદન આપ્યું છે. જાડેજાએ ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે કાર્યકરો અને કાંતિલાલ અમૃતીયાની પણ લાગણી  બ્રિજેશ મેરજાને જ ટિકિટ ફાળવાય એવી છે. આથી મોરબી-માળીયાની પેટા ચૂંટણી બીજેપી તરફથી બ્રિજેશ મેરજા જ લડશે. પાર્ટીમાં કોઈ આંતરિક અસંતોષ ન હોવાનો દાવો કરતા આઈ. કે. જાડેજાએ જણાવ્યું હતું કે વિધાનસભાની પેટા ચૂંટણીની તમામ બેઠકો ભાજપ જ જીતશે. ઉલ્લેખનીય છે મેં મોરબીમાં ભાજપના જુના જોગી ગણાતા કાંતિલાલ અમૃતિયા પણ પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા હતા. સામે પક્ષપલટો કરનાર બ્રિજેશ મેરજા હતા. આ બન્ને ઉમેદવાર વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.