Abtak Media Google News

પ્રાકૃતિક ખેતીના અભિયાનને જનઆંદોલનમાં પરિવર્તિત કરીએ: રાજ્યપાલનું ખેડૂતોને આહ્વાન

 

જુનાગઢ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આજે ગુજરાતના લગભગ દરેક ગામડામાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે. લોકોના આરોગ્ય, જમીનની ફળદ્રુપતા અને પર્યાવરણને બચાવવા માટે પ્રાકૃતિક ખેતીના આ અભિયાનને આગામી દિવસોમાં એક જનઆંદોલનમાં પરિવર્તિત કરવામાં આવશે. પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં રોલ મોડલ બની ઉભરશે.  જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ હોલ ખાતે નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા  પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષક શોધ કાર્યશાળા યોજાઈ હતી. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોને સંબોધન કરતાં રાજ્યપાલએ જણાવ્યું કે, દરેક તાલુકામાં 10-10 ગામોનું એક ક્લસ્ટર-સમૂહ બનાવવામાં આવશે. જેમાં સંપૂર્ણપણે પ્રાકૃતિક ઢબે ખેતી કરતા ખેડૂતોને કે, જેણે પ્રાકૃતિક ખેતીમાં એક મોડલ પ્રસ્થાપિત કર્યું છે અને પ્રાકૃતિક ખેતીના પોતાના અનુભવો અને ફાયદાઓ અન્ય ખેડૂત સુધી પહોંચાડી શકે એમ છે તેને એક ટ્રેનર તરીકે તૈયાર કરવામાં આવશે. આ ખેડૂત-ટ્રેનર ક્લસ્ટરના અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે તાલીમ આપશે. આમ, આયોજનબદ્ધ રીતે સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને આગળ વધારવામાં આવશે.  રાજ્યપાલએ ચિંતા સાથે જણાવ્યું હતું કે, 1960 ના દાયકામાં હરિત ક્રાંતિની શરૂઆત થઈ ત્યારે જમીનનો 2 થી 2.5 ટકા ઓર્ગેનિક કાર્બન હતો.

જ્યારે આજે યુરિયા, ડીએપીના અંધાધૂધ ઉપયોગથી ધરતીનું ઓર્ગેનિક કાર્બન 0.3 થી 0.5  ટકા સુધી આવી ગયો છે. જો ધરતી પર આવી જ રીતે રાસાયણિક ખાતરથી ખેતી થશે તો આગામી 40-50 વર્ષમાં આખી દુનિયાની જમીન બીન ઉપજાઉ બની જશે. રાજ્યપાલ એ નીતિ આયોગના અહેવાલને ટાંકતા કહ્યું કે,  હાલ દેશ-દુનિયામાં સૌથી મોટો પડકાર ગ્લોબલ વોર્મિંગનો છે. આજે રાસાયણિક અને જૈવિક ખેતી 24 ટકા જેટલું ગ્લોબલ વોર્મિંગ વધારવામાં ભાગ ભજવી રહી છે. આજે પૂર, ભૂકંપ, નદી સુકાઈ જવી જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પાછળ પ્રકૃતિથી વિપરીત વ્યવહારો અને પ્રકૃતિ સાથે છેડછાડનું પરિણામ છે. આજે પક્ષીઓની કેટલીક  પ્રજાતિઓ લુપ્ત થઈ ગઈ છે. ત્યારે દેશ-દુનિયાને બચાવવાની જવાબદારી પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો નિભાવી રહ્યા છે. રાજ્યપાલ એ ધર્મ – શાસ્ત્ર અને વેદનું પરમ સત્ય જણાવતા કહ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ જે ખેડૂતો કરી રહ્યા છે તે ભગવાનની આજ્ઞાનું પાલન કરવાની સાથે ઈશ્વરીય વ્યવસ્થામાં સહયોગરૂપ થઈ રહ્યા છે. છેલ્લાં ઘણાં વર્ષોથી પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો જમીન, પાણી, હવા બચાવી  લોકોને તંદુરસ્ત સ્વાસ્થ્ય બક્ષી રહ્યા છે. આ પ્રસંગે રાજ્યપાલ એ જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને જનમાનસ સુધી પહોંચાડવા સંત કૃષિ ઋષિ પદયાત્રાની પહેલને બીરદાવી અને તેના આયોજકોને પ્રાકૃતિક કૃષિને જન-જન સુધી પહોંચાડવા માટે અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.