Abtak Media Google News
  • માનવતા મરી પરવારી: જર્મનીમાં જૈન પરિવારની માસૂમ બાળકીને ઇજા થતાં તંત્રએ કસ્ટડી બીજાને સોંપી દીધી!!
  • માત્ર 15 મહિનાની અરિહા શાહ હાલ માતા-પિતા, દાદા-દાદી હોવા છતાં તેનાથી દૂર એક જર્મન દંપતીને ત્યાં રહે છે: સાંભળતા જ કાળજું કંપી જાય તેવી ઘટના
  • ભારતીય સંસ્કૃતિમાં રહેલા માતૃત્વનું મહત્વ ન સમજતા નફ્ફટ જર્મન તંત્રએ ખરેખર માણસાઈની છેલ્લી હદ વટાવવામાં કોઈ કસર ન છોડી

માનવતા મરી પરવારી છે… જર્મનીમાં રહેતા એક ગુજરાતી જૈન પરિવાર સાથે એવી ઘટના બની છે કે માત્ર સાંભળીને જ કાળજું કંપી જાય. માત્ર 15 માસની અરીહા શાહ કે જેને ઇજા પહોંચતા જર્મન તંત્રએ કાયદાની આંટીઘુટીથી પેરેન્ટલ કસ્ટડી ખેંચી લઈ બાળકીને જૈન પરિવાર પાસેથી છીનવી લીધી હતી. બાદમાં તેની કસ્ટડી જર્મન દંપતિને સોંપી દીધી છે. ભારતીય સંસ્કૃતિમાં રહેલું માતૃત્વનું મહત્વ ન સમજતા નફ્ફટ જર્મન તંત્રએ ખરેખર માણસાઈની છેલ્લી હદ વટાવવામાં કોઈ કસર ન છોડી હોય, ઠેર-ઠેરથી ફટકારી વરસી રહ્યો છે.

Img 20220517 Wa0016

વાત જાણે એમ છે કે જર્મનીના બર્લિનમાં રહેતા એક જૈન યુવક જે 2018થી ત્યાં સોફ્ટવેર એન્જીનીયર તરીકે કામ કરે છે. તેઓ પોતાની પત્ની સાથે ત્યાં સ્થાયી છે. તેઓના માતા પિતા પણ ટુરિસ્ટ વિઝા ઉપર ત્યાં રહેવા આવ્યા હતા. પરિવાર રાજીખુશીથી જર્મનીમાં રહેતો હતો. પણ વર્ષ 2021માં એક અચાનક એવી ઘટના બની કે પરિવાર હજુ સુધી શોકમાં છે. આ પરિવારની 15 માસની બાળકી જેમનું નામ છે અરીહા શાહ. આ બાળકી ઘરમાં હતી ત્યારે તેને સામાન્ય કારણોસર ઇજા પહોંચી હતી.

ઇજા પહોંચતા જ પરિવાર બાળકીને લઈને હોસ્પિટલે પહોંચ્યો હતો. પણ તબીબે તુરંત તંત્રને જાણ કરી હતી. બાદમાં  જર્મન બાળ સંરક્ષણ સત્તાવાળાઓએ પરિવારની બેદરકારી જણાવીને બાળકીને પેરેન્ટલ કસ્ટડીમાંથી કાઢી નાખી અને બાળકીને કાયમી માટે બર્લિનમાં જ વસતા જર્મન દંપતિને સોંપી દીધી છે.

15 માસની અરીહા શાહ ભારતીય નાગરિક છે. તેની પાસે ભારતનો પાસપોર્ટ પણ છે. અરિહાનો પરિવાર ખૂબ મોટો છે. જે ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક વસે છે. હવે માતા પિતા જર્મન સરકારને કહે છે કે માની લઈએ તેમનો તથા દાદા-દાદીનો વાંક હશે. પણ ભારતમાં વસતા તેમના બીજા કોઈ કુટુંબીજનો તો તેમાં સામેલ નથી. માટે અજાણ્યા દંપતિને બાળકીનો કબજો સોંપવાને બદલે તેમના કુટુંબીજનોને કબજો સોંપી દેવામાં આવે.

અરીહાના માતા પિતાએ અરીહાને ન્યાય અપાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ગુજરાત સ્ટેટ કમિશન ફોર પ્રોટેકશન ઓફ ચાઈલ્ડ રાઇટ્સ સહિતના અનેક નેતાઓ અને વિભાગોને રજુઆત કરી છે. તેમનું કહેવું છે કે અરીહા ભારતીય છે. તેમને ભારતીય સંસ્કૃતિથી અલિપ્ત રાખવીએ તેના અધિકાર ઉપર તરાપ છે. ભલે ત્યાંની કોર્ટ માતા-પિતા કે દાદા -દાદી સાથે અરિહાને રાખવાની છૂટ ન આપી શકે પણ અરીહાને ભારત મોકલીને કુટુંબીજનોને તો સોંપી શકે. આ માટે તેઓએ ભારત સરકાર સમક્ષ મદદ માટે હાથ લંબાવ્યો છે.

અગાઉ ભારત સરકાર આવા કિસ્સાઓમાં મદદરૂપ થઇ છે, અરીહાને પણ ન્યાય અપાવે તેવી માંગણી

ભારતીય નાગરિક તરીકે, અરિહા ભારત સરકાર દ્વારા તેના અધિકારોના રક્ષણ માટે હકદાર છે.  ભારત સરકાર પહેલાથી જ વિદેશમાં કામ કરી રહેલા તેના નાગરિકો વતી સક્રિય રીતે હસ્તક્ષેપ કરે છે.  તે વિદેશી સત્તાવાળાઓ સાથે સ્થળાંતર કરનારાઓના અધિકારોના ઉલ્લંઘન સાથે વ્યવહાર કરે છે. ભૂતકાળમાં, વિદેશમાં પાલક સંભાળમાં રહેલા ભારતીય બાળકોને ભારત સરકારના હસ્તક્ષેપ પર ભારતમાં તેમના વિસ્તૃત પરિવારોને પરત મોકલવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે.  ઉદાહરણ તરીકે, નોર્વેમાં ભટ્ટાચાર્ય બાળકોના કિસ્સામાં અને યુનાઇટેડ સ્ટેટ્સમાં સાહાના કિસ્સામાં.  અગાઉના કિસ્સામાં, લોકસભામાં તત્કાલિન વિપક્ષના નેતા સ્વર્ગીય શ્રીમતી સુષ્મા સ્વરાજે તેમને ભારત પરત ફરવાની માંગ કરતું નિવેદન આપ્યું હતું.  નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સે પણ આવા ઘણા બાળકોને ભારતમાં પરત લાવવા માટે સક્રિયપણે મદદ કરી હતી.  અરિહા આ અગાઉના કેસોમાં બાળકોની જેમ જ પ્રત્યાવર્તન માટે હકદાર છે.

અરીહાની ઉંમર હાલ નાની, મોટી થઈને પોતાની સંસ્કૃતિથી સંપૂર્ણ વિલુપ્ત રહેશે

માતાપિતા જર્મન કોર્ટમાં કેસ લડી રહ્યા છે, જો કે, અરિહા, પોતાની કોઈ ભૂલ વિના, જર્મનીમાં અજાણ્યા લોકો સાથે રહીને તેના વિશાળ પરિવાર અને ભારતીય વારસાથી વંચિત રહી છે. પાલક સંભાળ રાખનાર વંશીય રીતે જર્મન છે અને તેને અરિહાની ભાષા, ધર્મ, સંસ્કૃતિ કે ઓળખ સાથે કોઈ લેવાદેવા નથી.  અરિહાને ભારતમાં તેના વિશાળ પરિવાર સાથે કોઈ સંપર્ક કરવાની મંજૂરી નથી.જર્મન જુજેન્ડમની સ્થિતિ એ છે કે તેઓ અરિહાની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખને જાળવવા માટે બંધાયેલા નથી.  તેઓએ ત્યાં સુધી કહ્યું કે આ ઓળખ અરિહાની નહીં પણ એકલા માતા-પિતાની છે.

જૈનોએ અભિયાન છેડી સરકાર સુધી અરીહાને ન્યાય  આપવાની ગુહાર પહોંચાડવાની જરૂર

માત્ર 15 માસની બાળકી જેનો જન્મ જૈન સમાજમાં થયો છે. પણ કમનસીબે જ્યારે તે સમજણી થશે ત્યારે જૈન સંપ્રદાય શુ છે ? તેની પણ તેને જાણ નહિ હોય, આ બાળકી હાલ જર્મન દંપતિ સાથે છે. તેના માતા- પિતા કહે છે કે બાળકીનો આમાં શુ વાંક છે ? તે નિર્દોષ છે. તેને ગુજરાત અને મહારાષ્ટ્રમાં વસતા તેના પરિવારને સોંપવામાં આવે. માટે હવે જૈનોએ અરીહાને ન્યાય અપાવવા સોશિયલ મીડિયામાં અભિયાન છેડવાની જરૂર છે. જેથી આ મુદ્દો કેન્દ્ર સરકાર સુધી પહોંચે અને કદાચ જો સરકાર કંઈક કરે તો અરીહા અને તેના પરિવારને ન્યાય મળી શકે.

નિર્દોષ જૈન બાળકીને જર્મન દંપતીએ માંસાહાર ખવડાવવાનું શરૂ કર્યું, કોર્ટે પણ તેનો જ પક્ષ લીધો

અરીહા હજુ 15 માસની જ છે. તેની ઉંમર ઘણી નાની હોય સંપૂર્ણ નિર્દોષ છે. જૈન સંપ્રદાયએ હિંસા વિરોધી છે. ત્યારે જર્મન દંપતી આ માસૂમ બાળકીને માંસાહાર ખવડાવે છે. આ વાત ધ્યાને આવતા જૈન પરિવારની હાલત શુ થઈ હશે તેની કલ્પના પણ થઈ ન શકે. તેઓએ કોર્ટમાં આ મુદ્દે મદદ માંગી. પણ જૈનીઝમ અંગે જ્ઞાન ન ધરાવતી કોર્ટે જર્મન દંપતિનો પક્ષ લઈને એવું કહ્યું કે માંસાહાર તો બાળક માટે સારું ગણાય. તેમાં કોઈ વાંધો નથી.

તહેવારમાં અરીહાને મંદિરે લઈ જવાની પણ કોર્ટની મનાઈ

કોર્ટ દ્વારા અરીહા અને તેમના પરિવાર સાથે હળાહળ અન્યાય કરવામાં આવ્યો છે. જૈન પરિવારે પોતાની લાડકવાયી દીકરીને તહેવારના દિવસોમાં નજીકના મંદિરમાં લઈ જવાની અને ભારતીય પરિવારોના બાળકો સાથે રમવાની વિનંતીઓ કરી હતી. પણ ત્યાંની નફ્ફટ કોર્ટ કે જેમને પરિવાર શુ છે ? સંસ્કૃતિ શુ છે ? તે અંગે કોઈ ખ્યાલ ન હોય, તેને આ વિનંતીને ગ્રાહ્ય ન રાખી આવું કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.