Abtak Media Google News

અમદાવાદ, સુરત, ઉધના અને ભુજ રેલવે સ્ટેશનોને ગાંધીનગર માફક વિકસિત કરાશે

રેલવે બોર્ડના અધ્યક્ષ અને સીઈઓ સુનીત શર્માએ બુધવારે જણાવ્યું હતું કે, ગાંધીનગર રેલ્વે સ્ટેશનનો વિકાસ પૂર્ણ થવાને આરે છે ત્યારે ગુજરાતના અમદાવાદ, સુરત, ઉધના અને ભુજ રેલ્વે સ્ટેશનોમાં વિકાસ કામગીરી શરૂ થવા જઈ રહી છે. શર્માએ જણાવ્યું હતું કે, ગાંધીનગર સ્ટેશનને ફાઈવ સ્ટાર દરજ્જાની હોટલથી વિકસિત કરવામાં આવી રહ્યું છે.

Advertisement

તેમણે જાહેરાત કરતા કહ્યું હતું કે, ગુજરાત વિભાગમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે અને 95% જમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. મહારાષ્ટ્રમાં જમીન અધિગ્રહણના પ્રશ્નો છે અને અંડરસીસ ટનલ માટે જમીન મેળવવાની બાકી છે તેથી પ્રોજેક્ટ પૂર્ણ થવા માટેની સમયમર્યાદા ઉપર કોઈ ટિપ્પણી કરી શકાય નહીં તેવું શર્માએ ઉમેર્યું હતું. કોરિડોર વિશે શર્માએ જણાવ્યું હતું કે, સમર્પિત ફ્રેટ કોરિડોર પર પાલનપુરથી મુન્દ્રા અને અદાણી બંદરને જોડીને રેલવે માટે સરળ અને સુદ્રઢ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવશે. અમે આશા રાખીએ કે, આવતા વર્ષ સુધીમાં પશ્ચિમ અને પૂર્વીય સમર્પિત કોરિડોરની કામગીરી પૂર્ણ થઈ જશે.

તેમણે જણાવ્યું હતું કે, આ રુટ પરની ટ્રેનો હાલમાં 46 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધે છે પરંતુ કોરિડોર તૈયાર થઈ જતા આ ઝડપ વધારી ઝડપી રેલવે બનાવવામાં આવશે. રેલ્વે પેસેન્જર સેવાઓ વિશે શર્માએ જણાવ્યું હતું કે,  ટ્રેનોમાં વેઈટીંગને ધ્યાને રાખીને વધુ વિશેષ ટ્રેનો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. અમે ટ્રેન સેવાઓ શરૂ કરવા માટે રાજ્ય સરકારની સલાહ પર આગળ વધી રહ્યા છીએ. અમે મુંબઈ અને સુરત અને રાંચી માટે ટ્રેનો વિશેષ ટ્રેનો શરૂ કરી છે. તેમણે કહ્યું કે, ખાનગી ટ્રેન ઓપરેશન બિડ જાહેર કરવામાં આવી છે અને તેમાં 10 કંપનીઓએ રસ દાખવ્યો છે. બિડ અંગેનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.