Abtak Media Google News

ગાંધીનગરના સેક્ટર 17માં 140 કરોડના ખર્ચે નવા એમએલએ ક્વાર્ટર્સ બનાવવા સરકારની યોજના : 28 હજાર ચો.મી. જગ્યામાં 9 માળના 12 ટાવર બનાવાશે

આગામી બજેટ સત્ર દરમિયાન નવા એમએલએ ક્વાર્ટર્સનું ભૂમિપૂજન કરાશે, માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીની જાહેરાત

અબતક, ગાંધીનગર ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નવા ફ્લેટ બનાવવાની સરકારે યોજના બનાવી છે. જેમાં ગાંધીનગરના સેક્ટર 17માં નવા એમએલએ ક્વાર્ટર્સ બનાવવામાં આવશે. તેવી જાણકારી માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ આપી હતી. જે અંતર્ગત 9 માળના 12 ટાવર બનાવવામાં આવશે. અંદાજિત 140 કરોડ રૂપિયાના ખર્ચે ધારાસભ્યો માટે આ નવા ક્વાર્ટર્સ બનાવાશે.

આ કવાટર્સમાં દરેક ધારાસભ્યને ચાર બેડરૂમનો એક આલિશાન ફ્લેટ ફાળવવામાં આવશે. એમએલએ સદસ્ય નિવાસ સમિતિએ મંગળવારે તૈયાર થઈ રહેલા આ ક્વાર્ટર્સની સ્થળ મુલાકાત લીધી હતી.આ અંગે વાત કરતા મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, આગામી બજેટ સત્ર દરમિયાન આ નવા એમએલએ ક્વાર્ટર્સનું ભૂમિપૂજન કરવામાં આવશે. 140 કરોડના ખર્ચે અધ્યતન સુવિધાવાળા આ નવા ક્વાર્ટર્સ તૈયાર કરાશે. કુલ 28 હજાર ચોરસ મીટરમાં આ નવા એમએલએ ક્વાર્ટર્સ તૈયાર કરાશે.

એક ક્વાટર 210 ચો.મી બિલ્ડઅપ એરિયામાં તૈયાર કરાશે. આ ફ્લેટમાં ચાર બેડરૂમ સહિત 9 રૂમ બનાવવાનું આયોજન છે. જેમાં રીડિંગ રૂમ, હોલ, કિચન, ડ્રાઈવિંગ રૂમ, ડ્રાઈવર રૂમ સહિતની અન્ય સુવિધાઓ પણ હશે.નવા તૈયાર થઈ રહલા એમએલએ ક્વાર્ટર્સમાં આકર્ષક એમિનિટિઝ પણ ઊભી કરાશે. જેમાં બે લેન્ડ સ્કેપ ગાર્ડ, પ્લે એરિયા, એક ઓડિટોરિયમ, હેલ્થ ક્લબ, કેન્ટીન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.

તે ઉપરાતં દરેક બિલ્ડિંગમાં બે લિફ્ટની સુવિધા હશે. તે ઉપરાંત એન્ટ્રી-એક્ઝીટ માટે ચાર ગેટ હશે.ઉલ્લેખનીય છે કે, સદસ્ય નિવાસ સમિતિએ ક્વાર્ટર્સનો બિલ્ટઅપ એરિયા વધારવાની માગણી કરી હતી, જેને માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.