Abtak Media Google News

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઈજનેરી – ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાનારી ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફેરફાર કર્યો છે. તાજેતરમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ-10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. આ કાર્યક્રમ અનુસાર 2 એપ્રિલના રોજ ધોરણ-12ની છેલ્લી પરીક્ષા છે અને તે જ દિવસે શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટનું આયોજન કરાયું હોવાથી સીબીએસઇના વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહી શકે તેમ ન હોવાના પગલે પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે. જેના પગલે હવે રાજ્યમાં ગુજકેટની પરીક્ષા 31 માર્ચ, 2024ના રોજ લેવાનું નક્કી કરાયું છે.

31 માર્ચના રોજ રવિવાર હોવાથી સીબીએસઈના વિદ્યાર્થીઓ પણ પરીક્ષામાં ઉપસ્થિત રહી શકશે. પ્રાપ્ત માહિતી અનુસાર, ધોરણ-12 સાયન્સ પછીના ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે વર્ષ 2017થી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજિયાત કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવેલી છે. જેના પગલે વર્ષ 2024 માટે રાજ્યમાં ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે સાયન્સના ગ્રૂપ- A, ગ્રૂપ- B અને ગ્રૂપ- ABના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા 2 એપ્રિલ, 2024 મંગળવારના રોજ શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનાર હોવાની જાહેરાત કરવામાં આવી હતી.

2023માં ગુજકેટ 3 એપ્રિલના રોજ લેવામાં આવી હતી. જેમાં સમગ્ર રાજ્યના 1.30 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આમ, શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ પરીક્ષાની સારી રીતે તૈયારી કરી શકે તે માટે ખૂબ જ વહેલા પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી હતી પરંતુ તાજેતરમાં સીબીએસઈ બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષા માટેનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. જેમાં ધોરણ-10 અને 12ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવનાર છે અને આ પરીક્ષા 2 એપ્રિલના રોજ પૂર્ણ થશે.

2 એપ્રિલના રોજ ધોરણ-12માં ઈન્ફોર્મેટિક્સ પ્રેક્ટિસિસ, કમ્પ્યુટર સાયન્સ અને ઈન્ફર્મેશન ટેક્નોલોજી વિષયની પરીક્ષા લેવામાં આવનાર છે. જેથી આ દિવસે ગુજકેટની પરીક્ષા લેવામાં આવે તો સીબીએસઈ બોર્ડના અનેક વિદ્યાર્થીઓ ગુજકેટ પરીક્ષા આપી શકે તેમ ન હોવાનું જણાતા શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની તારીખમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.