Abtak Media Google News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, પ્રગતિ અને પર્યાવરણ બેયને સાથે રાખીને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ દ્વારા સિટીઝ ઓફ ટુમોરો આજના સમયની માંગ છે.

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2024ના પૂર્વાર્ધ રૂપે પ્રિ-વાઇબ્રન્ટ સેમીનાર અન્વયે શહેરી વિકાસ વિભાગ આયોજિત ’લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો’ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી   સંબોધન કરી રહ્યા હતા.

શહેરી વિકાસ ક્ષેત્રે  ગવર્નન્સની આગવી પહેલ ‘ઈ-પોર્ટલ ફાયર કોપનું લોન્ચીંગ’

શહેરી બાબતો અને આવાસ નિર્માણના કેન્દ્રીય રાજ્યમંત્રી  કૌશલ કિશોર, અર્બન ડેવલપમેન્ટ ક્ષેત્રોના તજજ્ઞો, મહાનગરોના મેયર્સ, કમિશનર અને પદાધિકારીઓ આ સેમિનારમાં સહભાગી થયા હતા. રાજયમાં ઉંચા બિલ્ડીંગો બાંધવા  4038 કરોડના  સાત એમઓયું થયા હતા.

મુખ્યમંત્રી   ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, શહેરોમાં વધતી વસ્તી સાથે ક્લાયમેટ ચેન્જ અને સંસાધનોની અછત જેવી પ્રાકૃતિક બાબતો, વૈશ્વિક ઘટનાઓની અસર, સામાજિક-આર્થિક સ્થિતિ જેવા પડકારો સામે સસ્ટેઇનેબલ એન્ડ લિવેબલ સિટીઝના ફ્યુચરિસ્ટિક વિઝનથી વડાપ્રધાનના માર્ગદર્શનમાં શહેરોમાં ઇઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિ થઈ છે.

સિટિઝન સેન્ટ્રીક ઓનલાઈન સેવાઓ, સ્માર્ટ પાર્કિંગ થી સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ, સ્માર્ટ ડ્રેનેજ થી સ્માર્ટ વોટર મેનેજમેન્ટ, સ્માર્ટ ચાર્જિંગ થી સ્માર્ટ ઈ-મોબિલિટી જેવા આયામો શહેરી જનજીવનમાં સકારાત્મક બદલાવ લાવનારા બન્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે 2047 સુધીમાં વિકસિત ભારતની વડાપ્રધાનની નેમ પાર પાડવામાં સસ્ટેઇનેબલ અને લિવેબલ સિટીઝની ભૂમિકા મહત્વની બનશે તેમ જણાવતાં આ પ્રિ-વાઇબ્રન્ટ કોન્ફરન્સનો નિષ્કર્ષ શહેરોને લિવેબલ અને લવેબલ બનાવવામાં ઉપયુક્ત નીવડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

ગાંધીનગર-મહાત્મા મંદિર ખાતે આ પ્રિ-વાઇબ્રન્ટ સેમીનારનો કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી શ્રી કૌશલ કિશોરે શુભારંભ કરાવ્યો હતો.

કેન્દ્રીય રાજ્ય મંત્રી   કૌશલ કિશોરે ગુજરાતને વિકાસનું આદર્શ મોડલ ગણાવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે ગુજરાતના વિકાસ મોડલ થકી દેશના અન્ય રાજ્યોને દિશા આપી હતી. ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને સુરત જેવા શહેરો આદર્શ શહેરની પરિભાષાને સાચા અર્થમાં ચરિતાર્થ કરે છે.

કેન્દ્રીય રાજ્ય મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, શહેરોને આદર્શ અને લીવેબલ બનાવવા માટે પાણી, આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા અને કચરાના યોગ્ય નિકાલની સુવિધા સહિત પ્રદુષણને ઘટાડવા વધુમાં વધુ વૃક્ષો હોવા ખુબ જ આવશ્યક છે. માત્ર શહેર જ નહિ, સમગ્ર દેશને સ્વચ્છ બનાવવા વડાપ્રધાનશ્રીએ પદભાર સંભાળતાની સાથે જ સ્વચ્છ ભારત મીશનની શરૂઆત કરાવી હતી, અને પોતે પણ આ અભિયાનમાં જોડાઈને સૌને પ્રેરિત કર્યા હતા. સાથે જ પ્રદુષણને ઘટાડવા માટે પણ તેમણે રીન્યુએબલ એનર્જીના સ્ત્રોત અને ઇલેક્ટ્રિક વાહનોને વધારે પ્રોત્સાહન આપ્યું છે.

મુખ્ય સચિવ  રાજકુમારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં શહેરોના આયોજનબદ્ધ વિકાસ માટે મ્યુનિસિપલ બોન્ડ, ટેક્સનું યોગ્ય માળખું તેમજ પીપીપી આધારે માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે.  ગુજરાતની પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદ, ફાઇનાન્સ ટેક સિટી-જીઆઈએફટી તેમજ રાજધાની ગાંધીનગર એ આયોજન પૂર્વકના શહેરીકરણનો ઉત્તમ સમન્વય છે. આ સિવાય ગુજરાતમાં ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી સુરત, એસઆઈઆર- ધોલેરા જેવા આધુનિક શહેરો આગવી ઓળખ ધરાવે છે. આગામી સમયમાં અમદાવાદ સહિત ગુજરાતના મોટા શહેરો નેટ ઝીરોનું લક્ષ્યાંક સિદ્ધ કરે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

મુખ્ય સચિવએ આ પ્રસંગે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના ’વિકસિત ભારત -2047’ ના સંકલ્પને સાકાર કરવાના ધ્યેય સાથે આગામી સમયમાં યોજાનાર 10મી ’વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ -2024’માં જોડાવા સૌ ડેલિગેટસને રાજ્ય સરકાર વતી આમંત્રણ આપ્યું હતું.

સૌને આ કાર્યક્રમમાં આવકારતા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમારે જણાવ્યું હતું કે, ગુજરાત સહિત દેશભરમાં શહેરીકરણ ખૂબ તેજ ગતિથી વધી રહ્યું છે. દર વર્ષે અનેક લોકો રોજગારી સહિતના કારણોસર શહેરોમાં વસવાટ કરતા થયા છે. શહેરોમાં વસ્તી વધારો થતાં ત્યાં તેમની જરૂરિયાત મુજબનું ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવી શહેરોને ‘લિવેબલ‘ બનાવવા ખૂબ જ જરૂરી છે.

આ પ્રસંગે જર્મનીની ગ્લોબલ સોલ્યુશન ઇન્સટિટ્યૂટના ફેલો શ્રી નિકોલસ બૌચડે ભારતની અધ્યક્ષતામાં યોજાયેલ જી-20 દરમિયાન શહેરી વિકાસ સંદર્ભે થયેલી વિવિધ ચર્ચાઓ અંગે વાત કરી હતી. સાથે જ તેમણે શહેરી વિકાસના વિવિધ પ્રશ્નો અને પાસાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

એક દિવસીય સમિટમાં તજજ્ઞોની ઉપસ્થિતિમાં ડિઝાઇનિંગ લિવેબલ સિટિઝ, ઇમ્પ્લીમેન્ટિંગ લિવેબલ સિટિઝ તેમજ લિવેબિલિટી ઈનિશેટિવ્સ ઈન ગુજરાત વિષયક વિવિધ ટેકનિકલ સત્રો યોજાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.