Abtak Media Google News

ઈશ્વરનગર ગામના સરપંચને અંતે પોલીસે ઝડપી કાયદાનું ભાન કરાવતા રાજકીય આલમમાં ચકચાર

સરપંચ પદની ગરીમાંને લજાવનાર હળવદના ઈશ્વરનગર ગામના સરપંચને અંતે પોલીસે દારૂના ગુન્હામાં ઝડપી લઈ કાયદાનું ભાન કરાવતા રાજકીય આલમમાં ચકચાર મચી જવા પામી છે.

ટોચના રાજકારણી ના જોરે હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામના સરપંચે પોતાની વાડીએ ખેતી કરવાની જગ્યાએ દારૂનો વેપલો ચાલુ કર્યો હોવાથી તારીખ ૫ -૧૨ ના રોજ પોલીસે દારૂ અંગેની કરેલ રેડમાં બે ઈસમોને ઝડપી લીધા હતા જ્યારે સરપંચ પાછલા સતર દિવસથી પોલીસને હાથતાળી આપી અહીં તહીં નાસતો ફરતો હતો અને ધરપકડથી બચવા નામદાર અદાલત સમક્ષ આગોતરા જામીન અરજી પણ કરી હતી પરંતુ અદાલતે આગોતરા જામીન અરજી ફગાવી દેતા ઈશ્વરનગરના સરપંચને આખરે પોલીસે ગત મોડી રાત્રીના તેના જ ઘરેથી દબોચી લીધો હતો

હળવદ પોલીસના જણાવ્યા મુજબ ગત તા. ૫ ડિસેમ્બરના રોજ તાલુકાના ઈશ્વરનગર ગામે દારૂ અંગેની રેડ કરતા બે આરોપીઓને રૂ ૫૩,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા અને દારૂ ક્યાંથી લાવ્યા અને કોનો છે તે દિશામાં તપાસ હાથ ધરતા તપાસમાં ચોકાવનારો ખુલાસો થવા પામ્યો હતો જેમાં આ વિદેશી દારૂ ઈશ્વરનગરના સરપંચ અશ્વિનભાઈ પટેલનો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસ દ્વારા આરોપીની શોધખોળ આદરી હોય પરંતુ આરોપી પોલીસથી બચવા નાસતો ફરતો હોય તેવામાં ગત મોડી રાત્રીના પોલીસ દ્વારા આરોપી સરપંચ અશ્વિન પટેલને તેના ઘરેથી જ દબોચી લેવામાં આવ્યો હતો.

બીજી તરફ હવે હળવદ પોલીસે આ અંગ્રેજી દારૂનો જથ્થો સરપંચ ક્યાંથી લાવતો અને કેટલા સમયથી આ ધંધો ચાલુ કર્યો હતો તે સહિતની બાબતોને લઈ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવતા હળવદના રાજકારણમાં ચકચાર જાગી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.