Abtak Media Google News
  • ત્રિ-દિવસીય ઉજવણીમાં મહાઆરતી, અગ્નિ પૂજન નૃત્ય અને પુષ્પવર્ષાનું આયોજન: હનુમાનજી મૂર્તિ પર 5000 કિલો પુષ્પની વર્ષા કરાશે

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે    આચાર્ય   રાકેશપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદથી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા વડતાલધામ  ટેમ્પલ બોર્ડ એવં સંપ્રદાયના મૂર્ધન્ય સંતો દ્વારા તેમજ કોઠારી  વિવેકસાગરદાસજી સ્વામી ગુરુ પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા)ના માર્ગદર્શનથી    હનુમાન જયંતી મહોત્સવ એવં લોકડાયરો, દાદાને અન્નકૂટ, પુષ્પવર્ષા વિગેરે અનેકવિધ કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન  તા.21-22-23 એપ્રિલ 2024ના રોજ કરવામાં આવેલ છે.

રામદૂત હનુમાનજીના જન્મોત્સવ પહેલાં સાળંગપુરધામ મઘમઘી રહ્યું છે. સાળંગપુર હનુમાન મંદિરે હનુમાન જયંતી નિમિત્તે આગામી આગામી 21 થી 23 એપ્રિલ 2024 દરમિયાન ભવ્ય હનુમાન જન્મોત્સવનું આયોજન કરાયું છે. આ વખતે પહેલીવાર સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં 54 ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પર 5 હજાર કિલો પુષ્પની વર્ષા કરવામાં આવશે. આ ઉપરાંત ત્રણ દિવસ દરમિયાન મારુતિ યજ્ઞ, બર્થ ડે સેલિબ્રેશન, મહા અન્નક્ષેત્ર અમે મહાઆરતી સહિતના કાર્યક્રમ યોજાશે.

સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી  વિવેકસાગરદાસ સ્વામીએ વાત કરતાં જણાવ્યું કે,”શ્રીહનુમાન જયંતિ સાળંગપુર ધામના આ મહામહોત્સવમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. અહીં આવતા લાખો ભક્તો માટે અલગ-અલગ પ્રકારના પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ દર્શન માટે વિશેષ કરીને સ્વયંસેવકો ખડે પગે રહેશે. ‘મંદિરના કેમ્પસની અંદર એવમ્ બહાર પીવાના પાણીની અને સરબતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મહામહોત્સવની અંદર સરકારશ્રી વગેરે સાથે મળી અને મંદિરન 2000થી વધારે સ્વયંસેવકો ખડે પગે સમગ્ર મહોત્સવનું સંચાલન માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. સમગ્ર મહોત્સવનું   હરિપ્રકાશદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું છે.”

સાળંગપુરમાં આગામી 21 એપ્રિલ એટલે કે, રવિવારના દિવસે શ્રીકષ્ટભંજનદેવનું 555 કિલો પુષ્પ દ્વારા ભવ્ય રાજોપચાર પૂજન સાંજે 4.00 કલાકે કરાશે. રાજોપચાર માટે 5 પ્રકારના પુષ્પો વડોદરાથી મંગાવવામાં આવ્યા છે.

તો 22 એપ્રિલ એટલે કે, સોમવારના રોજ  54 ફૂટ ઊંચી હનુમાનજીની કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પર 5,000 કિલો  પુષ્પનો અભિષેક સાંજે 4.00 કલાકે કરાશે. આ માટે 3થી 4 પ્રકારના પુષ્પો વડોદરા અમદાવાદ અને ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશથી મંગાવ્યા છે. પુષ્પાભિષેક કરવા માટે 16 ટનની ક્રેન વડે 80 ફૂટ ઉપર 15ડ્ઢ25નું સ્ટેજ બનાવાયું છે. જ્યાંથી સંતો અને યજમાનો દાદાનો પુષ્પાભિષેક કરશે. આ પછી ભક્તોમાં પ્રસાદી રૂપે વિતરણ કરવામાં આવશે.

તો રાતે 9 વાગ્યાથી રાત્રી કાર્યક્રમ શરૂ થશે. કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ સમક્ષ અનેક પ્રકારની અગ્નિઓથી પૂજન એવમ્ મહાઆરતી કરવામાં આવશે. મહા આરતીમાં સંપ્રદાયના મૂર્ધન્ય સંતો, ભક્તો, યજમાનશ્રીઓ અને સ્વયંસેવકો ભાવપૂર્વક જોડાશે. આ પછી અમેરિકન ગોટ ટેલેન્ટ વિજેતા ડાન્સ ગ્રુપ દ્વારા ભવ્ય ડાન્સરજુ કરવામાં આવશે. ત્યારબાદ જાણિતા કીર્તિભાઈ સાગઠિયા દ્વારા ભક્તિ ગીતોની રમઝટ બોલાવવામાં આવશે. આ કાર્યક્રમ સંતો, યજમાનો, અને તમામ ભક્તો બગીચામાં બેસી ને સંગીત કાર્યક્રમ માણશે.

આ પછી 23 એપ્રિલ એટલે કે મંગળવારે હનુમાન જયંતીના દિવસે મંગળા આરતી સવારે 5 વાગ્યે,  શણગાર આરતી અને બર્થ-ડે સેલિબ્રેશન સવારે 7 વાગ્યે કરાશે. આ દરમિયાન સમૂહ મારુતિ યજ્ઞ યોજાશે જેમાં 500થી વધુ લોકો ભાગ લેશે.

હનુમાન જયંતીના દિવસે 5 હજાર કિલો ફૂલથી સમગ્ર મંદિર શણગારવામાં આવશે. આ માટે વડોદરા, અમદાવાદ, સુરેન્દ્રનગર, મધ્યપ્રદેશ અને કલકત્તાથી ખાસ મોગરા ફૂલ મંગાવવામાં આવ્યા છે. આ ફૂલના શણગારમાં 15 સંતો-પાર્ષદો અને 100 જેટલા હરિભક્તો આ સેવામાં જોડાશે. તો 250 કિલોની કેક બનાવવામાં આવી છે.

આ ઉપરાંત હનુમાન જયંતીના દિવસે લાખો ભક્તો દાદાનો પ્રસાદ લઈ શકે એ માટે મહા અન્નક્ષેત્રનું આયોજન કરાયું છે. જેમાં એક સાથે એક સમયે 20 હજાર ભક્તો બેસીને જમી શકે એવી વ્યવસ્થા કરાઈ છે. દાદાના ભક્તોને દાળ, ભાત, શાક, રોટલી અને મીઠાઈ ભોજન મહા અન્નક્ષેત્રમાં પીરસવામાં આવશે. મહત્ત્વનું છે કે, ટોટલ 1.5 થી 2 લાખ માણસો જમી શકે તેટલો પ્રસાદ મહા અન્નક્ષેત્રમાં બનાવવામાં આવશે.

તો હનુમાન જયંતીના દિવસે સાંજે 7 વાગ્યે મહાસંધ્યા આરતીનું આયોજન કરાયું છે. જેમાં દાદાને સંતો અને ભક્તો દ્વારા સમૂહ મહાઆરતી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.