Abtak Media Google News

પાસ આડુ ફાટતા કોંગ્રેસે જૂનાગઢ, ભરૂચ, કામળેજ અને વરાછા રોડ બેઠકના ઉમેદવારો બદલ્યા: રાજકોટમાં ભાજપની જેમ કોંગ્રેસે પણ ૪ બેઠકો માટે બે પાટીદારોને ટિકિટ આપી

ગુજરાતમાં ૨૨ વર્ષના લાંબા અંતરાળ બાદ સતાના સપના નિહાળતી કોંગ્રેસ માટે વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવે છે તેમ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિનું નિર્માણ સર્જાય રહ્યું છે. રવિવારે મોડી સાંજે કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી ઉમેદવારીનો નામની પ્રથમ યાદી બાદ પાસ આડુ ફાટતા કોંગ્રેસે ગઈકાલે ૪ બેઠકો માટે ઉમેદવારો બદલવાની ફરજ પડી હતી. રાજકોટ શહેરની ૪ બેઠકો ભાજપે બે પાટીદારોને ટિકિટ આપી છે. કોંગ્રેસ પણ ભાજપની આ ફોર્મ્યુલાને અનુસર્યુ છે. કોંગ્રેસે પણ રાજકોટ પૂર્વ બેઠક માટે પાટીદાર સમાજમાંથી આવતા મિતુલ દોંગા અને રાજકોટ દક્ષિણ બેઠક માટે ડો.દિનેશ ચોવટીયાને ટિકિટ આપી છે. આજે ઉમેદવારોને ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે છતાં અમુક બેઠકો માટે કોંગ્રેસે પોતાના નામ જાહેર કર્યા નથી.

પાસની ચીમકી અને સ્થાનિક વિરોધના પગલે સોમવારે રાત્રે કોંગ્રેસે જાહેર કરેલી યાદીમાં ચાર બેઠક જૂનાગઢ, ભરૂચ, કામરેજ અને વરાછા રોડ પરના અગાઉ જાહેર કરેલા ઉમેદવારોને બદલી નાખવાની ફરજ પડી હતી. બીજી તરફ કરંજ અને મોરબી, બોટાદમાં સ્થાનિક વિરોધને કારણે આ બેઠકના ઉમેદવારોને ફોર્મ ભરતા પહેલાં રૂક જાવનો આદેશ આપવામાં આવ્યો છે પરંતુ બીજી યાદીમાં આ બેઠકો અંગે કોઈ જાહેરાત ન થતાં હજુ પણ સસ્પેન્સ યથાવત્ રહ્યું છે.

જૂનાગઢથી પાસના નેતા અમિત ઠુમ્મરને આપેલી ટિકિટ કાપી નાખી હતી. તેમના બદલે કોંગ્રેસના જ પૂર્વ ધારાસભ્ય ભીખાભાઇ જોશીને ટિકિટ આપી દીધી હતી. અંદરની વાત મુજબ પાસ દ્વારા કોંગ્રેસ પાસે ૩૦ જેટલી ટિકિટ માગવામાં આવી હતી પરંતુ બે જ ટિકિટ આપતા બાંભણિયાએ વિરોધ કર્યો હતો. સરવાળે પાસને બે ટિકિટ મળી હતી તેમાંથી પણ એક કપાઇ જવા પામી હતી.

સુરતના પાટીદાર બહુમતીવાળા કામરેજ વિસ્તારમાં નિલેશ કુંભાણીનો વિરોધ કરાયો હતો તેમને બદલીને અશોક જીરાવાલાને ટિકિટ અપાઇ હતી. વરાછા રોડ પર જેમને ટિકિટ મળી હતી તે પ્રફુલ્લ તોગડિયાના કાર્યાલય પર પાસના કાર્યકરોએ તોડફોડ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો પરંતુ તેમાં પણ પાસના નેતાના બદલે ભાજપના પૂર્વ ધારાસભ્ય ધીરૂ ગજેરાને કોંગ્રેસે ટિકિટ આપી હતી. જ્યારે ભરૂચની બેઠક પરથી જાહેર કરાયેલા કિરણ ઠાકોરે સ્વેચ્છાએ ચૂંટણી લડવા ઈનકાર કરતાં તેમના સ્થાને જયેશ પટેલને ટિકિટ અપાઈ છે.

બીજી તરફ પાસના નેતા લલિત વસોયાએ પાસના દિનેશ બાંભણિયાની ધમકીને અવગણીને સોમવારે ધોરાજીથી ફોર્મ ભરી દીધુ હતું. કોંગ્રેસે નવી યાદીમાં વસોયાના બદલે કોઇનું નામ જાહેર કર્યું ન હતું. વસોયાએ બાંભણિયાની ધમકી અંગે કહ્યું હતું કે તેમણે મારી ટિકિટનો વિરોધ કર્યો છે તે તે તેમની અંગત બાબત છે. પાસની કોર કમિટીનો તે નિર્ણય નથી. હાર્દિક સાથે વાત કરીને મેં ફોર્મ ભર્યું છે.

બોટાદની બેઠક પરથી એક સમયે કોંગ્રેસ છોડીને ગઈઙમાં ગયેલાં અને ફરીથી ગઈઙમાંથી કોંગ્રેસમાં પ્રવેશ મેળવનારા મનહરભાઈ વસાણી(પટેલ)નું નામ જાહેર કરાયું હતું. આ બેઠક પરથી ભાજપે પૂર્વ નાણાપ્રધાન સૌરભ પટેલને મેદાનમાં ઉતારતા કોંગ્રેસે વસાણીને સ્થાને અન્ય, એવી જ રીતે જૂનાગઢના ઉમેદવાર અમિત ઠુમ્મર અને વિનુ અમીપરાએ જ્યારે રાજકોટ(ગ્રામ્ય)ની બેઠક પરથી વશરામ સાગઠિયા અને સુરેશ બથવારે ઉમેદવારી નોંધાવતાં આ બેઠક પર વિવાદ વકરવાની પૂરી શક્યતા છે.

કોંગ્રેસની યાદીમાં પાસના અગ્રણી હાર્દિક પટેલને વિશ્વાસમાં લીધા વિના આ નામની જાહેરાત કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે પાસના અગ્રણી દિનેશ બાંભણિયાએ રવિવારે રાત્રે જ ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે ચર્ચા કરવા બાંભણિયા સહિતની ટીમ મોડી રાત્રે એસ.જી.હાઈ-વે સ્થિત ભરતસિંહ સોલંકીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. જો કે, સોલંકી તેમના ઘરે હાજર ન હોવાનું જણાવતાં પાસના અગ્રણીઓનો ગુસ્સો ભડકી ઊઠ્યો હતો

કોંગ્રેસે સોમવારે મોડી રાત્રે જાહેર કરેલી યાદીમાં કચ્છની ત્રણ બેઠકમાં ક્ષત્રિય, લઘુમતી અને ઓબીસી સમાજને પ્રતિનિધિત્વ આપવાના ભાગરૂપે અબડાસાની બેઠક પરથી પ્રદ્યુમ્નસિંહ જાડેજા, ભૂજમાંથી આદમ ચાકી અને રાપરમાંથી સંતોકબેન અરેઠીયાને ટિકિટ આપવામાં આવી છે. રાજકોટ પૂર્વમાંથી મિતુલ દોંગા, રાજકોટ-દક્ષિણમાંથી દિનેશ ચોવટિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જામનગર-દક્ષિણમાંથી કોંગ્રેસ સાથે દાયકાઓથી જોડાયેલાં લાલ પરિવારના અશોક લાલને જ્યારે જામનગર-ઉત્તરમાંથી જીવણભાઈ કુંભારવાડિયા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.