Abtak Media Google News
  • અધિકારી-કર્મચારીને માર મારી આંગડિયા પેઢીનો માલિક સાહિત્ય લઇ નાસી ગયો : ફરજમાં રુકાવટ સહિતનો ગુન્હો દાખલ

રાજકોટ શહેરની પુષ્કરધામ રોડ પર આવેલી એચ.એમ. આંગડિયા પેઢીમાં તપાસ અર્થે ગયેલા રાજ્ય વેરા અધિકારી-કર્મચારી પર પેઢીના માલિકે હુમલો કરી ફરજમાં રુકાવટ કર્યાની ફરિયાદ યુનિવર્સીટી પોલીસ મથકમાં નોંધાઈ છે.

રાજકોટમાં આંગડિયા પેઢીમાં જીએસટીની તપાસમાં ગયેલા રાજ્યવેરા અધિકારી અને કર્મચારીને માર મારી ફરજમાં રુકાવટ કરી પેઢીના માલિક અને તેનો કર્મચારી સાહિત્ય સાથે ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. રાજ્યવેરા કમિશનર કચેરીના મોબાઇલ સ્ક્વોડમાં અધિકારી તરીકે ફરજ બજાવતા જૂનાગઢના સમીરભાઇ એમ.જયસ્વાલ અને કર્મચારી કેવલભાઇ ટાંક બુધવારે સવારે કચેરીના આદેશ મુજબ રાજકોટના પુષ્કરધામ મેઇન રોડ, શિવાલિક-1 કોમ્પ્લેક્સમાં આવેલી એચ.એમ.આંગડિયા પેઢીમાં તપાસમાં ગયા હતા. સવારે પોણા અગિયાર વાગ્યાના અરસામાં આંગડિયા પેઢીએ પહોંચતા ત્યાં એક શખ્સ મળી આવ્યો હતો. તે શખ્સનું નામ તેજસ સોલંકી હોવાનું અને તે નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. બાદમાં તે વ્યક્તિને રાજ્યવેરા વિભાગની કચેરીમાંથી આવ્યાનું અને તેઓ પેઢીની ધંધાકીય પ્રવૃત્તિ તેમજ વ્યવહારોની તપાસમાં આવ્યાનું જણાવ્યું હતું. જેથી તે વ્યક્તિએ એક મહિનાથી નોકરીએ જોડાયો હોય વિગતો મેળવવી હોય તો પેઢીના માલિક મયૂરસિંહ ગોહિલ ઉર્ફે મોન્ટુભાઇ આપશેની વાત કરી હતી.

પેઢીના માલિકને ફોન કરી બોલાવતા તે ઉશ્કેરાય ગયા હતા અને જોરજોરથી બૂમો પાડી તમે ક્યા અધિકારથી મારા ધંધાના સ્થળે આવ્યા છો, તમને અહીં આવવાનો અધિકાર કોણે આપ્યો તેમ કહી ગાળો ભાંડવા લાગ્યા હતા અને પોતાની અને કર્મચારી સાથે મારામારી કરવા લાગ્યા હતા. બાદમાં મયૂરસિંહે તેના કર્મચારી તેજસને સીસીટીવી બંધ કરી દે અને અંદરથી ધોકો લઇ આવ, આ લોકો બહાર જવા ન જોઇએ તેમ કહ્યાં બાદ બંને જણા તેમની પેઢીના ધંધાકીય સાહિત્ય લઇને ભાગી ગયા હતા. બનાવની ઉપરી અધિકારીને જાણ કર્યા બાદ ફરજમાં રુકાવટ કર્યાની આંગડિયા પેઢીના માલિક અને તેના કર્મચારી સામે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.