Abtak Media Google News

દશેરા રેલી યોજવા મુદ્દે ઉદ્ધવ અને શિંદે જૂથ બન્ને વચ્ચે વિવાદ થતા બીએમસીએ હાથ ઊંચા કરી દીધા હતા, મામલો હાઇકોર્ટમાં પહોંચતા ઉદ્ધવ જૂથને મળી રાહત

ઉદ્ધવ જૂથને મોટી રાહત આપતા બોમ્બે હાઈકોર્ટે શિવાજી પાર્કમાં દશેરા રેલી યોજવાની મંજૂરી આપી દીધી છે.  આ સાથે શિંદે જૂથને પરવાનગી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે.  તેમને બીજે ક્યાંક રેલી કરવી પડશે.

બોમ્બે હાઈકોર્ટે શિવસેનાને આદેશ આપ્યો છે કે તેઓ આ આદેશ અંગે બીએમસીના વોર્ડ ઓફિસરનો સંપર્ક કરે અને રેલી યોજવાની પરવાનગી મેળવે.  કોર્ટે કહ્યું છે કે સરકાર દ્વારા જારી કરાયેલા 2016ના આદેશ અનુસાર આ પરવાનગી આપવામાં આવશે.  એટલું જ નહીં સમગ્ર ઘટનાની વિડિયોગ્રાફી કરવામાં આવશે અને જો કોઈ ક્ષતિ જણાશે કે કાયદો અને વ્યવસ્થાની સમસ્યા સર્જાશે તો ભવિષ્યમાં પરવાનગી આપવા અંગે વિચારણા કરવામાં આવશે.શિવસેના આ પાર્કમાં 5 દાયકાથી વધુ સમયથી રેલી કરી રહી છે.  આવી સ્થિતિમાં બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ તે પોતાની પરંપરા જાળવી શકશે.  બીએમસીએ એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે બંનેને પાર્ક આપવાનો ઈન્કાર કરી દીધો હતો, ત્યારબાદ બંને હાઈકોર્ટ પહોંચ્યા હતા. જ્યાં સુનાવણી દરમિયાન, કોર્ટે પહેલા શિવાજી પાર્કમાં એકનાથ શિંદે જૂથને રેલી કરવાનો ઇનકાર કર્યો હતો અને પછી ઉદ્ધવની સેનાને મંજૂરી આપી હતી.

શિવસેના કોની છે ? તે અલગ મુદ્દો છે, આ મુદ્દો માત્ર રેલીની પરવાનગીનો જ : હાઇકોર્ટ

બોમ્બે હાઈકોર્ટે શિંદે જૂથના વિધાનસભ્ય સદા સરવણકરની અરજીને ફગાવી દેતા કહ્યું કે તેને દશેરા મેળા સાથે કોઈ લેવાદેવા નથી.  કોર્ટે અરજીને ફગાવી દેતાં એમ પણ કહ્યું હતું કે અમે અરજી પર ઠાકરે જૂથે કરેલી દલીલો સાથે સહમત છીએ.  અમે શિવસેના કોની છે તે મુદા ઉપર નથી જઈ રહ્યા.  તે વિવાદ સુપ્રીમ કોર્ટ અને કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ પેન્ડિંગ છે.  અત્યારનો મુદ્દો માત્ર દશેરા રેલીનો છે. જેમાં ઉદ્ધવ ઠાકરે જૂથને પરવાનગી આપવામાં આવી છે.

રેલીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહેશે તેવી ઉદ્ધવ ઠાકરેએ આપી ખાતરી

આ અરજી પર શુક્રવારે હાઇકોર્ટમાં લગભગ સાડા ત્રણ કલાક સુધી ચર્ચા ચાલી હતી.  ઉદ્ધવ જૂથ, બીએમસી અને શિંદે જૂથના વકીલોએ તેમનો પક્ષ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.  તમામની દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે કહ્યું કે બીએમસીનો નિર્ણય યોગ્ય નથી.  આ દરમિયાન, કોર્ટની શરત પર, ઠાકરેના વકીલોએ ઠાકરે તરફથી ખાતરી આપી હતી કે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં આવશે.  બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાનું વિડિયો રેકોર્ડિંગ ફરજિયાત રહેશે અને જો અરજદારો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે જવાબદાર જણાય તો ભવિષ્યમાં તેમની પરવાનગીને અસર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.