Abtak Media Google News

વડોદરા જિલ્લામાં આરોગ્ય સર્વેક્ષણના વધુ એક રાઉન્ડ યોજવા જિલ્લા કલેકટરે સુચના આપી છે.

જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે તાલુકા તંત્રો સાથે તા.૯મી જુલાઇ-૨૦૨૦ને ગુરૂવારના રોજ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કરીને ચોમાસા વિષયક અને કોવિડ વિષયક સુસજ્જતા ની સમીક્ષા કરવાની સાથે જિલ્લામાં તકેદારીના ભાગરૂપે તબક્કાવાર અને વધુ એક વાર આરોગ્ય સર્વેક્ષણ યોજવાની સૂચના આપી હતી. તેમણે જિલ્લાના ૮ તાલુકાઓમાં જે ધન્વંતરી આરોગ્ય રથો ફાળવવામાં આવ્યાં છે તેમની કામગીરીનું મોનીટરીંગ કરવાની સાથે લોકો તેની આરોગ્ય સેવાઓનો બહોળો લાભ લે તેની કાળજી લેવા ખાસ તાકીદ કરી હતી.

હોમિયોપેથીક અને આયુર્વેદિક દવાઓ અને ઉકાળાના વિતરણ અને એચ.સી.ક્યુ.ના ડોઝના સેવનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.તથા ચોમાસાં માટેની સૂચિત શેલટર હોમની વ્યવસ્થા માટે પૂરતી સજ્જતા અને પૂર્વ તૈયારીઓ રાખવાની સાથે કોવિડ કેર સેન્ટરમાં સારવાર હેઠળના લોકોને સમુચિત સુવિધાઓ ઉપલબ્ધ રહે તેનું ધ્યાન રાખવા ભલામણ કરી હતી. તેમણે પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને તાલુકા આરોગ્ય અધિકારીઓ સાથે કોવિડ ના વાતાવરણમાં પુર અને ભારે વરસાદના સંજોગોમાં સુરક્ષિત બચાવ અને રાહત આયોજનની વ્યૂહ રચનાઓ નો પરામર્શ કર્યો હતો. આ ઉપરાંત પાણીજન્ય અને પોરાજન્ય રોગો સામે સાવચેતી, વડીલ જનો, બાળકો, સગર્ભાઓ અને કો-મોરબિડીટી ધરાવતા લોકોના આરોગ્યની ખાસ કાળજી લેવા સૂચના આપી હતી.

આ સંવાદમાં કોવિડ અને નોન કોવિડ માટે અલગ અલગ આશ્રય સ્થાનોની વ્યવસ્થા, એન. ડી.આર.એફ.સહિતના બચાવ દળો ચેપમુક્ત રહી બચાવ અને રાહતનું કામ કરી શકે એ માટે ખાસ કીટ આપવી,બોટ સહિતની સાધન સામગ્રીનું સેનેટાઇઝેશન, નિયંત્રણ કક્ષ સતત ચાલુ રાખવા, કોઈ પણ ઘટનાની વિલંબ કર્યા વગર તત્કાળ જિલ્લા તંત્રને જાણ કરવાની તકેદારી જેવી બાબતોની ચર્ચા કરીને જરૂરી સૂચનાઓ આપી હતી.તેની સાથે વિવિધ તબક્કામાં વધુ એકવાર જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં સઘન આરોગ્ય સર્વેક્ષણ હાથ ધરવા જણાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એ તાલુકા તંત્રોને માર્ગદર્શન આપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.