Abtak Media Google News

સુરેન્દ્રનગર 44.3 ડિગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર: કેશોદ 44.1 ડિગ્રી, અમરેલી અને કંડલા 44 ડીગ્રી સાથે અગન ભઠ્ઠીમાં ફેરવાયા: આજે પણ અંગ દઝાડતી ગરમી પડશે

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ગુરુવારે તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર થઇ ગયો હતો અમુક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી  સુધી આંબી ગયો હતો હીટવેવમાં કામ સિવાય બપોરના સમયે ઘરની બહાર ન નિકળવા તાકીદ કરી છે આજે પણ સૂર્ય પ્રકોપ યથાવત રહેશે. રાજયના ચાર શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર થઇ ગયું હતું. મોડી રાત સુધી ગરમ લુ ફુંકાઇ રહી છે.

Advertisement

માવઠાનો દૌર પૂર્ણ થતાની સાથે જ ગત રવિવારથી રાજયભરમાં કાળઝાળ ગરમીએ રિતસર હાહાકાર મચાવ્યો છે. દિન-પ્રતિદિન સતત તાપમાનનો પારો ઉંચકાય રહ્યો છે મે માસના પ્રથમ પખવાડીયામાં સૂર્ય નારાયણ લાલચોળ બની ગયા છે. અને આકાશમાંથી અગન વર્ષા કરી રહ્યા છે. ગુરુવારનો દિવસ સીઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. સુરેન્દ્રનગર 44.3 ડિગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. આ ઉપરાંત કેશોદનું તાપમાન 44.1 ડિગ્રી, અમરેલીનું તાપમાન 44 ડિગ્રી, કંડલા એરપોર્ટ પરનું તાપમાન 44 ડિગ્રી, રાજકોટનું તાપમાન 43.8 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 43.05 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 42.3 ડિગ્રી, મહુવાનું તાપમાન 37.6 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 33.4 ડિગ્રી, ઓખાનું તાપમાન 34.8 ડિગ્રી, દિવનું તાપમાન 35.3 ડિગ્રી નોંધાયું હતું.

આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં અમદાવાદનું તાપમાન 43.7 ડીગ્રી, ડિસાનું તાપમાન 43.7 ડીગ્રી,  દક્ષિણ ગુજરાતમાં વડોદરાનું તાપમાન 43.8 ડિગ્રી, સુરતનું તાપમાન 42.6 ડિગ્રી, વલસાડનું તાપમાન 37.5 ડિગ્રી, દમણનું તાપમાન 35.2 ડિગ્રી, કચ્છના ભુજનું તાપમાન 43.4 ડિગ્રી, નલીયાનું તાપમાન 40.4 ડિગ્રી કંડલાનું તાપમાન 44 ડિગ્રી નોંધાયું હતું.હજી બે દિવસ ગરમીનું જોર યથાવત રહેશે. આજે અને આવતી કાલે આકાશમાંથી અગ્ની વર્ષા થશે રવિવારે ગરમીમાં થોડી રાહત રહેશે મે માસના પ્રથમ પખવાડીયામાં જ પારો 44 ડીગ્રીને પાર પહોંચી જતા આગામી દિવસોમાં ગરમી હાહાકાર મચાવે તેવું લાગી રહયું છે. ઉનાળામાં આરંભે જ અનેક શહેરોમાં પાણીની પોકાર સર્જાય છે.

સમગ્ર રાજ્યમાં હીટવેવના પગલે કચ્છના નાના રણમાં ગરમીનો પારો 45 ડીગ્રીને પાર પહોંચતા મીઠું પકવતા અગરિયા પરિવારોની હાલત દયનીય બનવા પામી છે. આખા રણમાં ક્યાંય કોઇ ઝાડ કે છાયડો ન હોવાથી ગરીબ અને પછાત અગરિયા પરિવારોને ઉપર આભ અને નીચે ધરતી તળે મીઠું પકવવાની ફરજ પડી છે.સુરેન્દ્રનગર જિલ્લાના રણ વિસ્તારમાં તાપમાન હાલ 2 ડીગ્રી વધુ છે. ત્યારે હાલ ખારાગોઢા, ઝીંઝુવાડા અને કૂડા રણનું તાપમાન 45 ડીગ્રીએ પહોંચ્યું છે. ત્યારે રણમાં કામ કરતા અગરીયા પણ હિટવેવથી બચે તેવી તંત્રએ અપીલ કરી છે. વધુમાં રણમાં ક્યાય કોઇ જગ્યાએ ઝાડ કે છાયડાની સુવિધાઓ ન હોવાથી અગરિયા સમુદાય માટે આકાશમાંથી અગનગોળા વરસાવતી કાળઝાળ ગરમીમાં મીઠું પકવવાનું કામ દિવસેને દિવસે દોઝખ બનતું હોય છે.

હીટવેવ પ્રકોપમાં 108માં પણ ફોન કોલ્સ વધ્યા

રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને અમદાવાદમાં પણ આગ ઓંકતી ગરમી પડી રહી છે. ત્યારે બુધવારે અમદાવાદમાં 108માં ગરમી સંબંધિત કેટલાંક કોલ આવ્યા હતા. દર છ મિનિટમાં એવરેજ એક કોલના હિસાબે 108 સેવામાં દર કલાકે 11 કોલ નોંધાયા હતા. માત્ર અમદાવાદમાં જ નહીં આખા ગુજરાતમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. ગુજરાતમાં પણ દરેક 1.4 મિનિટે આવા કોલ નોંધાયા હતા. અમદાવાદમાં ગુરુવારે મહત્તમ તાપમાન 43.7 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચતા તાપમાનમાં એક ડિગ્રીનો વધારો થયો છે. સમગ્ર રાજ્યમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 44.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ત્યારબાદ કેશોદમાં 44.1 ડિગ્રી, અમરેલી અને કંડલામાં 44 ડિગ્રી અને વડોદરા તથા રાજકોટમાં 43.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

8 મેના રોજ સૌથી વધુ કેસ નોંધાયા

ગુજરાત અને અમદાવાદમાં આ મહિને 8 મેના રોજ ગર્મી સંબધિત મામલામાં સૌથી વધારો જોવા મળ્યો હતો. મે મહિનામાં રાજ્યમાં રોજના સરેરાશ 690 કેસની સરખામણીએ 8 મેના રોજ 813 કેસ અથવા 18 ટકાનો વધારો જોવા મળ્યો હતો. અમદાવાદમાં 215 કેસ નોંધાયા હોવાથી આ વધારો 31 ટકા હતો. જે દરરોજ સરેરાશ 164 કેસ છે. ગુજરાત અને અમદાવાદ બંને માટે બીજા નંબરના સૌથી વધુ કેસ 10મેના રોજ નોંધાયા હત,ગરમી સંબંધિત ઈમરજન્સીનું વિશ્લેષણ સૂચવે છે કે, પેટમાં દુ:ખાવો એ સૌથી સામાન્ય ફરિયાદ હતી. ત્યારબાદ બેભાન થવું, ઉલટી અને ઝાડા, ખૂબ તાવ અને માથાનો દુ:ખાવો. ગુજરાતમાં મે મહિનામાં અત્યાર સુધઈમાં હીટસ્ટ્રોકના 12 કેસ નોંધાયા છે. જેમાંથી એક કેસ અમદાવાદમાં નોંધાયો હતો.

બપોરે 1 થી 5 બિનજરૂરી બહાર ન નીકળવા સૂચના

રાજકોટમાં કાળઝાળ ગરમીને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. મનપાના આરોગ્ય વિભાગે નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. બપોરે 11 થી 2 વાગ્યા સુધી ભીષણ તાપ અને સૂર્યનાં સીધા કિરણોથી ખતરો ઉભો થાય છે.  બપોરે 2 થી 5 વાગ્યા સુધી લુ લાગી શકવાની સંભાવના વધુ છે. કામ વગર બિનજરૂરી ઘરની બહાર ન નીકળવું. બહાર નીકળો તો માથે ટોપી, ચશ્મા પહેરવા મોઢે કપડું બાંધવું. પાણી સાથે રાખવું. હિટ સ્ટ્રોક અથવા ગરમી લાગવાનાં કિસ્સામાં નજીકનાં આરોગ્ય કેન્દ્રનો તુરંત સંપર્ક કરવો. મેડિકલ ઓફિસરને આરોગ્ય કેન્દ્રોમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. આગામી પાંચ દિવસ સુધી તાપમાનનો પારો 40 થી 43 ડિગ્રી રહેવાની શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.