Abtak Media Google News

બે દિવસ ગરમીનો પ્રકોપ રહેશે: 26મીથી ફરી કમોસમી વરસાદની આગાહી

 

સૌરાષ્ટ્રમાં રવિવારે સુર્યનારાયણ થોડા આકરા પાણીએ જોવા મળ્યા હતા. હિટવેવનો પ્રકોપ વર્તાયો હતો. અમરેલી 41 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે રાજકોટ પણ 40.5 ડિગ્રી સાથે કાળઝાળ ગરમીમાં શેકાયું હતું. હજી બે દિવસ હિટવેવની અસર વર્તાશે. દરમિયાન 26મીથી ફરી કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. હિટવેવ સાથે વાતાવરણ ભેજનું પ્રમાણ પણ વધુ રહેતું હોવાના કારણે દિવસ દરમિયાન લોકો તાપ સાથે બફારામાં પણ પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે. ચાલુ સાલ ઉનાળામાં સતત વાતાવરણમાં ઉતાર-ચડાવ આવી રહ્યા છે. ચૈત્રી દનૈયા બરાબર તપ્યા બાદ ફરી વાતાવરણ પલટાયું હતું. શુક્રવારે ભાવનગર અને રાજકોટ જિલ્લાના કેટલાક ગામોમાં વરસાદ પડ્યો હતો. રવિવારથી તાપમાનનો પારો ફરી ઉંચકાયો છે.

સૌરાષ્ટ્ર-કચ્છના ચાર શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને ઓળંગી ગયો હતો. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસર તળે આગામી 26મીએ એપ્રિલથી ફરી વાતાવરણમાં પલટો આવશે. બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં 40 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે અને હળવો વરસાદ વરસી શકે છે.

રવિવારે સૌરાષ્ટ્રના અમરેલીનું તાપમાન 41 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 36.9 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 30.4 ડિગ્રી, ઓખાનું તાપમાન 32.4 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 33.4 ડિગ્રી, રાજકોટનું તાપમાન 40.5 ડિગ્રી, વેરાવળનું તાપમાન 31.2 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 40.3 ડિગ્રી, મહુવાનું તાપમાન 34.4 ડિગ્રી, કેશોદનું તાપમાન 37.4 ડિગ્રી, અમદાવાદનું તાપમાન 39.8 ડિગ્રી, ડિસાનું તાપમાન 39.3 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 38.3 ડિગ્રી, વડોદરાનું તાપમાન 38.8 ડિગ્રી, સુરતનું તાપમાન 34.8 ડિગ્રી, વલસાડનું તાપમાન 37 ડિગ્રી, ભુજનું તાપમાન 40.3 ડિગ્રી અને કંડલાનું તાપમાન 39.1 ડિગ્રી નોંધાયુ હતું. હજી બે દિવસ હિટવેવનો પ્રકોપ જોવા મળશે. ત્યારબાદ તાપમાનમાં થોડો ઘટાડો આવશે અને બે દિવસ માવઠાની આગાહી આપવામાં આવી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.