Abtak Media Google News

લગ્ન સહાય રૂ. ર0 હજારથી વધારી રૂ. 1.50 લાખ કરાય: કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાની જાહેરાત

ગુજરાત સરકાર દ્વારા આશ્રિત બહેનોને લગ્ન માટે અપાતી સહાયમાં ચાર ગણો તોતીંગ વધારો કરવામાં આવ્યો છે. બજેટમાં કરવામાં આવેલી જાહેરાતનો નાણાકીય વર્ષના આરંભે બીજા જ મહિનામાં અમલ શરુ કરી દેવામાં આવ્યો છે.

આ અંગેમહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા એ જણાવ્યું છે કે, નારી સંરક્ષણ ગૃહો/કેન્દ્રો તથા ગ્રાંટેડ પ્રિવેન્ટીવ રેસ્ક્યુ સેન્ટર ખાતે આશ્રીત બહેનોના પુન:જીવન માટે રાજ્ય સરકારે તેમને મળતી લગ્ન સહાય રૂ. 20,000/- થી વધારી રૂ. 1,50,000/- નો નોંધપાત્ર વધારો કરવાની અંદાજપત્રમાં જાહેરાત કરી હતી. અંદાજપત્રમાં કરાયેલ જાહેરાતનો ત્વરિત અમલ કરી ભાવનગરના નારી સંરક્ષણ ગૃહની દિકરીને  ઓનલાઈન સહાય ચૂકવવામાં આવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસ અને આર્થિક ઉત્થાન માટે અનેકવિધ નિર્ણયો કરાયા છે અને બજેટમાં કરાયેલ નવી જાહેરાતનો પણ સત્વરે આજથી અમલ શરૂ થઈ ગયો છે. જે અતર્ગત રાજ્ય સરકાર દ્વારા સંચાલિત નારી સંરક્ષણ ગૃહો/કેન્દ્રો તથા ગ્રાંટેડ પ્રિવેન્ટીવ રેસ્ક્યુ સેન્ટર ખાતે આશ્રિત મહિલાઓ સન્માનપુર્વક જીવન જીવી શકે માટે લગ્ન સહાય તરીકે રૂા. 20,000/-ની સહાય ચુકવવામાં આવતી હતી તેમા ચાલુ વર્ષ 2023-24ના બજેટમાં મુખ્ય મંત્રી દ્વારા મહિલા કલ્યાણલક્ષી ઉદાર નીતિ થકી વધુ એક નિર્ણય કરીને આશ્રિત દીકરીના લગ્ન સહાયની રકમ રૂા. 20,000/- થી વધારી રૂ. 1,50,000/- કરવાનો નિર્યણ કરવામાં આવ્યો છે. જેમા રૂ. 50,000/- દીકરીનાં બેંક ખાતામાં સીધા DBT થી અને રૂ. 50,000/-  નેશનલ સેવીંગ સર્ટિફિકેટ (NSC) તેમજ રૂ. 50,000/- લગ્ન માટે આનુષાંગિક ખર્ચ માટે ચૂકવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગરના નારી સંરક્ષણ ગૃહની 29 વર્ષીય દીકરી નીના શ્યામજી વાઘરી, જેણે ધો. 6 સુધી અભ્યાસ કરેલ છે અને નાનપણથી અલગ અલગ સંસ્થાઓમાં ઉછરેલ છે અને તા. 11/08/2011ના રોજ સુરત નારી સંરક્ષણ ગૃહમાંથી નિયમોનુસાર ભાવનગર નારી સંરક્ષણ કેન્દ્રમાં તબદીલ થયેલી છે. નીનાબેન છેલ્લા 12 વર્ષથી નારી સંરક્ષણ કેન્દ્ર, પાલીતાણા ખાતે રહે છે અને તેમને સરકાર દ્વારા લગ્ન સહાય ચૂકવાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.