Abtak Media Google News
  • 21 એપ્રિલે મણીઆર દેરાસરથી ધર્મયાત્રાનો રંગે-ચંગે થશે પ્રારંભ: વિવિધ રાજમાર્ગો પર ધર્મયાત્રાનું ભવ્ય સ્વાગત કરાશે
  • ધર્મયાત્રામાં સંગીતની સુરાવલીઓ રેલાવતા બેન્ડ, 27 ભગવાન મહાવીરના જીવનનાં સંદેશ આપતા ફ્લોટ્સ, 100થી વધુ કાર ઉપર અષ્ટમંગલનાં ચિન્હો આકર્ષણનું કેન્દ્ર બનશે
  • કાર્યક્રમની વિગત આપવા જૈન અગ્રણીઓએ ‘અબતક’ની મુલાકાત લીધી

છેલ્લા સાત સાત વર્ષથી સમસ્ત જૈન સમાજ જૈનમ્નાં સથવારે ભગવાનશ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણકની ઉજવણી કરી રહેલ છે, આ પરંપરા અનુસાર આ આઠમાં વર્ષે પણ આ મહોત્સવ ખૂબ રંગે ચંગે અનેકવિધ કાર્યક્રમોની હારમાળા સાથે યોજાવા જઈ રહ્યો છે. આ વર્ષે પણ 21 એપ્રિલે મણીઆર દેરાસરથી પ્રારંભ થઈને દર્શનિય એવી ધર્મયાત્રા પ્રસ્થાન કરશે, જે રાજમાર્ગ પર ફરીને સ્થાનકવાસી જૈન મોટા સંઘ ખાતે પૂર્ણ થઈ ધર્મસભામાં પરિવર્તિત થશે. આ યાત્રામાં બહોળી સંખ્યામાં જૈન જૈનેત્તરો જોડાવવાનાં છે. સંગીતની સુરાવલીઓ રેલાવતા બેન્ડ, 25 થી પણ વધારે ભગવાનનાં જીવનનાં અલગ-અલગ સંદેશ આપતા ફલોટ્સ, 100થી વધુ કાર જેના ઉપર અષ્ટમંગલનાં ચિન્હો લગાડવામાં આવશે,

ભાતીગણ વેશભુષામાં સજ્જ રાસમંડળ પોતાનો અનેરો રાસ રજુ કરશે. 200 થી વધુ બાઈક, કળશધારી બહેનો, નવ પદનાં નવ અલગ-અલગ સ્ટેજ જેમાં દરેક સ્ટેજ ઉપર બાર બાળકો એમ મળીને માળાનાં મણકા જેટલા 108 બાળકો આ ધર્મયાત્રાને વધાવશે. ભગવાનનાં બાળ સ્વરૂપનું વિર પ્રભુનું પારણું જેમાં ભગવાન મહાવીરનાં માતા ત્રિશલા દેવીને આવેલા 14 સ્વપ્નો તેમજ ભગવાનનું ચાંદીનું પારણું અનેકવિધ આંગી, ફૂલ અને ફળોનાં શણગારથી બનાવેલ મંડપમાં શણગારવામાં આવશે. જેમાં શ્રાવકો ભગવાનના બાળ સ્વરૂપને પારણે ઝુલાવીને અનેરો લ્હાવો લઈ શકશે.

રસ્તામાં અનેકવિધ સંસ્થાઓ, જ્ઞાતિનાં આગેવાનો, ધાર્મિક સંસ્થાઓ, રાજકીય પક્ષ, એન.જી.ઓ. દ્વારા ઠેર-ઠેર આ ધર્મયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. ભગવાનશ્રી મહાવીર સ્વામી આખા ચાંદીનાં બનેલા રથમાં બિરાજમાન થશે, આ રથને પુજાની જોડમાં સજ્જ શ્રાવકો દ્વારા વહન કરવામાં આવશે. અને આ યાત્રામાં ઠેર-ઠેર પ્રભુ મહાવીરનાં અક્ષતથી વધામણાં કરવામાં આવશે. ધર્મયાત્રાનાં રૂટ ઉપર ઠેર-ઠેર ઠંડા પાણી, સરબત, લીંબુ પાણી સહીતની સેવા પણ આપવામાં આવશે. આ ધર્મયાત્રામાં વંદનીય સાધુ-સાધ્વીજી ભગવંતો, શ્રાવક-શ્રાવિકાઓ, મહિલાઓ, યુવાનો, બાળકો સહિતનાં જૈન- જૈનેત્તરો જોડાશે. સ્પર્ધા દ્વારા નાના ભુલકાઓ ભગવાન મહાવીરનાં જીવનને લગતા પ્રસંગોને અનુરૂપ વેશભુષા ધારણ કરી લોકોનું ધ્યાન આકર્ષિત કરશે.

આ ઉજવણી અંતર્ગત ભગવાન મહાવીરનાં જીવન ઉપર આધારીત ખાસ બાળકો ઉપરાંત મોટેરાઓને પણ જોવી ગમે તેવી એનીમેશન ફિલ્મ પણ બતાવવામાં આવશે. આ ઉપરાંત સ્પર્ધાનાં માધ્યમથી સુંદર રંગોળીઓ પણ રચવામાં આવશે. નાના બાળકો ભગવાન મહાવીરનાં પ્રસંગોને ચિત્ર સ્પર્ધાનાં સ્વરૂપમાં કાગળ ઉપર તાદ્રશ્ય કરશે. એક અનુકંપા રથ જેમાંથી આ રૂટ ઉપર ધર્મયાત્રા નિહાળવા આવેલા ભાવિકોને સંઘ શેષનું વિતરણ કરવામાં આવશે. સમગ્ર ધર્મયાત્રાનાં રૂટ ઉપર આકર્ષક રંગોળીઓ રચવામાં આવશે. ધર્મયાત્રા પૂર્ણ થયે ધર્મસભા યોજાશે.

જેમાં પૂ.સાધુ-સાધ્વીજી ભગવંતો પ્રેરક આર્શિવચન પાઠવશે. આ ધર્મસભામાં વેશભુષા સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, લક્કી ડ્રોનાં વિજેતાઓને ઈનામોથી નવાઝવામાં આવશે. ધર્મસભા પૂર્ણ થયા બાદ જૈન જૈનેત્તરો ગૌતમ પ્રસાદનો અનેરો લ્હાવો માણશે. આમ અનેકવિધ કાર્યક્રમોથી સભર ભગવાનશ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ યાદગાર, શાનદાર, જાનદાર બનવા જઈ રહ્યો છે ત્યારે સમસ્ત રાજકોટનાં જૈન સમાજનાં આ પ્રસંગે જોડાવવા રાજકોટનાં જૈન સંઘ, દેરાસર, ગ્રુપ, સંસ્થા, મંડળ તેમજ જૈનમ્ પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. કાર્યક્રમની વિગત આપવા નિલેશભાઇ ભલાણી (ભીમભાઇ), જીતુભાઇ લાખાણી, ઉદયભાઇ ગાંધી, જીતુભાઇ મારવાડી, ડો.પારસ ડી.શાહ, બ્રિજેશભાઇ મહેતા, ભાવિનભાઇ ઉદાણી, અતુલભાઇ મહેતા, નિલેશભાઇ શાહ, નિલેશભાઇ કામદાર, અનિશભાઇ વાધરએ ‘અબતક’ મિડીયા હાઉસની મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.