Abtak Media Google News

દરેડની સરકારી જમીનમાં ગેરકાયદે દબાણો હટાવવા તંત્ર સજ્જ થતા અને દબાણકારોને સાત દિવસની મહેતલ આપી દબાણો હટાવી જગ્યા ખુલ્લી કરવા નોટિસ ફટકારતા આ જગ્યા પરના ૮૬  દબાણકારોએ હાઈકોર્ટના દ્વાર ખટખટાવતા આગામી સમયમાં કાનૂની જંગ જામવાની શકયતા છે.

જામનગર નજીક દરેડ ની સરકારી સર્વે નંબર ૧૩૧ અને ૧૩૨માં ગેરકાયદે દબાણો થયા હોવાનું તંત્રે જાહેર કરી જગ્યા ખાલી કરવવા માટેની કવાયત હાથ ધરી હતી અને ૧,૨૦૦ જેટલા મકાનો એક ખાનગી શાળા અને ૨૦ દુકાનો પર એક્શન લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને તમામ આસામીઓને સાત દિવસમાં જગ્યા ખાલી કરી લેવા માટેનું અલ્ટીમેટમ અપાયું છે.

ત્યારે સ્થાનિક રહેવાસીઓ- ધંધાર્થીઓ વગેરે ફુલ ૮૬ દબાણકારોએ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે અને સ્પેશિયલ પિટિશન દાખલ કરી છે. જેથી હવે આવનારા દિવસોમાં દરેડની જમીન માટે કાનૂની જંગના મંડાણ થશે તેમ મનાય છે. જામનગરના જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા સહિતની ટીમ દ્વારા દરેડ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો બાબતે સ્થળ મુલાકાત કરી સર્વે કરવામાં આવ્યું હતું, અને અંદાજે ૧,૨૦૦ જેટલા કાચા પાકા મકાનો, ૨૦ જેટલી દુકાનો, એક ખાનગી શાળા અને ગૌશાળા સહિતના આસામીઓને સરકારી સર્વે નંબર ૧૩૧અને ૧૩૨ વાળી જગ્યા ખાલી કરી દેવા માટેની સાત દિવસની મહેતલ અપાઈ છે. જો જગ્યા ખાલી કરી દબાણ દૂર કરવામાં નહીં આવે તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે, તેવી વહીવટીતંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે.

જેને લઇને દરેડ વિસ્તારના અનેક રહેવાસીઓ તથા ધંધાર્થીઓમાં ભારે દોડધામ મચી ગઇ છે. જય મામલો આખરે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ લઇ જવામાં આવ્યો છે. દરેડ વિસ્તાર ના કુલ ૮૬ આસામીઓ દ્વારા મંગળવારે ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે અને વચગાળાના સ્ટેની માંગ કરવામાં આવી છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા સ્પેશિયલ કેસ તરીકે આ પિટિશનને દાખલ કરી દીધી છે. નજીકના દિવસોમાં જ આ બાબતે કાનૂની પ્રક્રિયા શરૂ થઇ જશે. જેથી હવે દરેડની જમીન ખાલી કરાવવા મામલે કાનૂની જંગના મંડાણ થશે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ જગ્યા ખાલી કરાવવા માટેની પ્રક્રિયા હાથ ધરાશે તો અનેક લોકો પ્રભાવિત થશે અને તેઓને રહેવા માટે તેમજ રોજીરોટીનો પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.