Abtak Media Google News

બીજી લહેરમાં એક પણ કેસ નહીં નોંધાવાની સાથે અદ્ભુત જાગૃતિનું પ્રમાણ: રિપોર્ટ વિના ગામમાં પ્રવેશ નહીં: કલેકટર રેમ્યા મોહન તથા જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયાએ અભિનંદન પાઠવ્યા

રાજકોટ તાલુકાનું ગુંદાળા ‘ગામ મારૂ ગામ, કોરોના મુક્ત ગામ’ અભિયાનમાં અન્ય ગામો માટે પથદર્શક બન્યું છે. કોરોનાની પહેલી લહેરમાં ગુંદાળા ગામમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો. કોરોનાની બીજી લહેરમાં ગામે ગામ કોરોનાનુ સંક્રમણ વધ્યું છે ત્યારે ગુંદાળા ગામ કોરોના સામે અદભુત જાગૃતિ દાખવી પ્રેરણાનું ઝરણું બન્યું છે.

Advertisement

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ‘મારૂ ગામ, કોરોના મુક્ત ગામ’ના અભિયાનને સાર્થક કરી ગુંદાળા ગામમાં સરપંચ જીલુભાઈ ગમારાના માર્ગદર્શન હેઠળ ગામની પ્રાથમિક શાળામાં આગોતરા આયોજનના ભાગરૂપે કોવીડ કેર સેન્ટર બનાવવામાં આવ્યું છે.કોવિડ કેર સેન્ટરમાં તકેદારીના ભાગરૂપે દર્દીઓ માટે બેડ તેમજ જરૂર પડે તેમને ભોજન, જ્યુસ, લીંબુ પાણી અને દવાઓ મળી રહે તે માટે આરોગ્ય ખાતાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાથે સંકલન કરીને તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ગુંદાળા, જીવાપરા અને નવા ગામની સંયુક્ત ગ્રામ પંચાયત આવેલી છે. ત્રણેય ગામની કુલ વસ્તી અંદાજિત પાંચ હજાર જેટલી છે. સરપંચ જીલુભાઈ ગમારા એ મારુ ગામ કોરોના મુક્ત ગામની સફળતા જણાવતા કહ્યું કે અમારું ગામ પહેલેથી જ જાગૃતગામ છે.

Gundala Corona
ગામના બધા જ લોકોને સંદેશો આપવામાં આવ્યો છે કે કામ સિવાય બહાર નીકળવું નહીં. કરિયાણાની દુકાન હોય કે બીજી કોઇપણ દુકાને એકઠા થવું નહીં. ગામના મજૂરોને સરપંચના સહયોગથી શાકભાજી અને અનાજ અને અન્ય જરૂરિયાત હોય તેવી ચીજવસ્તુઓ આપવામાં આવે છે.ગુંદાળા આસપાસ ઈન્ડસ્ટ્રીઝ એરીયા છે અને ઇન્ડસ્ટ્રીઝના સંચાલકો પણ સેવાભાવથી મજૂરોને હાલની આંશિક લોકડાઉનની સ્થિતિમાં 50% મજૂરી પણ આપે છે.

ગુંદાળા ગામમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા સર્વે પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગામમાં ગ્રામ પંચાયતના સંકલનથી સેનેટાઈઝેશન પણ કરવામાં આવે છે.બહારના લોકોને રિપોર્ટ વગર ગામમાંનો-એન્ટ્રી છે. સરપંચ દ્વારા જો ગ્રામજનોને હોસ્પિટલમાં લઈ જવાના થાય તેવા સંજોગોમાં વાહનની વ્યવસ્થા સાથે હોસ્પિટલ સાથે સંકલન કરવામાં આવ્યું છે.

Gundala
ગામમાં કોઈને શરદી, ઉધરસ કે તાવ હોય તો તેની તાત્કાલિક તપાસ કરવામાં આવે છે. હજુ સુધી ગામમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. ગામના સરપંચને ગામજનો દ્વારા પણ સહયોગ મળે છે અને ગામલોકોની જાગૃતિને કારણે આ દિન સુધી ગુંદાળા કોરોના મુક્ત રહ્યું છે. રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન તેમજ જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા,જિલ્લા તંત્ર દ્વારા ગુંદાળા સહિતના જાગૃત ગામોના સરપંચોને અભિનંદન આપીને આવી જ કામગીરી અન્ય ગામોના સરપંચો અને ગ્રામજનો કરે તે માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ગુંદાળાની સમગ્ર ટીમને વહીવટીતંત્ર દ્વારા તેમની કામગીરીને આવકારવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.