Abtak Media Google News

ભાજપને મંદિર મુદ્દો તારશે કે ડુબાડશે?

જરૂર પડશે તો રામ મંદિર મુદ્દે આંદોલન કરતા ખચકાશુ નહીં: સંઘના જનરલ સેક્રેટરી ભૈયાજી

રામ મંદિરનો મુદ્દો લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને કેટલો ફાયદો કરાવશે તે મુદ્દે દલીલો ચાલી રહી છે. ત્યારે વડી અદાલતમાં રામ મંદિર મામલે સુનાવણી ચાલુ હોય સરકારને ચુકાદા પહેલા કાયદો બનાવી રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો કરવાનું દબાણ હિન્દુ સંગઠનો કરી રહ્યાં છે.

Advertisement

તાજેતરમાં જ વિશ્વ હિન્દુ પરિષદ, આર.એસ.એસ. સહિતના હિન્દુવાદી સંગઠનોના નેતાઓએ મોદી સરકારને સંસદમાં કાયદો ઘડી અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો કરવા માટે આહવાન કર્યું હતું. જેમ જેમ સુનાવણી નજીક આવતી ગઈ તેમ તેમ સરકાર ઉપર કાયદો ઘડવાનું દબાણ વધતુ ગયું છે. હાલ વડી અદાલતે સુનાવણી ત્રણ મહિના સુધી ટાળી છે પરંતુ હવે સંગઠનો રામ મંદિર નિર્માણ માટે વધુ રાહ જોવા તૈયાર નથી.

મહારાષ્ટ્ર ખાતે ત્રિદિવસીય કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના જનરલ સેક્રેટરી ભૈયાજી જોશીએ કહ્યું હતું કે, રામ મંદિર માટે આંદોલન શરૂ કરતા અમે અચકાશું નહીં. જો કે, વડી અદાલતમાં મામલો હોવાથી કેટલીક મર્યાદા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, અમે કાયદા અને સંવિધાનનું માન કરીએ છીએ, અમે સુપ્રીમ કોર્ટને અપીલ કરીએ છીએ કે હિન્દુઓની લાગણીને ધ્યાનમાં રાખવામાં આવે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, રામ મંદિર નિર્માણ માટે તમામ વિકલ્પો વિચાર્યા બાદ સરકારે કાયદો ઘડી રસ્તો સાફ કરવો જોઈએ. અમે સરકાર ઉપર દબાણ નથી કરતા પણ અમે સર્વ સંમતિ-લોકમત મેળવવાનો પ્રયાસ કરીશું. ગઈકાલે આ મંચ પરથી જણાવાયું હતું કે, રામ મંદિરને પ્રાયોરીટી ન આપવાનું સુપ્રીમ કોર્ટનું અવલોકન હિન્દુઓના અપમાન સમાન છે.

બીજી તરફ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ ચેલમેશ્વરે કહ્યું છે કે, રામ મંદિર બનાવવા સરકાર કાયદો લઈ આવે તેવુ શકય છે. જો આવુ થશે તો આ નિર્ણય ઐતિહાસિક બની જશે. વડી અદાલતના નિવૃત જજના આ પ્રકારના નિવેદન બાદ અયોધ્યામાં રામ મંદિર મુદ્દે સરકાર પર ખરડો લાવવા દબાણ થશે તેવી શકયતા છે.

અહીં ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી હવે નજીકના ભવિષ્યમાં છે. દર વખતની જેમ આ વખતે પણ રામ મંદિરનો મુદ્દો કેન્દ્ર સ્થાને રહેવાનો છે. વડી અદાલતમાં સુનાવણી ત્રણ મહિના સુધી ટાળવામાં આવી છે. ઘણા સમયથી મોદી સરકાર પર ખરડો લઈ આવી રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો કરવા અડકતરુ દબાણ લાવવામાં આવી રહ્યું છે. ત્યારે લોકસભામાં ભાજપને મંદિરનો મુદ્દો કેટલો ફાયદો કરાવશે તે જોવાનું રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.