Abtak Media Google News

રાજકોટ જિલ્લામા કુદરતે બનાવેલુ જંગલ એટલે હિંગોળગઢનો એક માત્ર ડુંગરાળ અભ્યારણ્ય , કે જે પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓ માટે એક રમણીય પર્યટનસ્થળ બની ગયુ છે. દર વર્ષે વીસ હજાર જેટલા પ્રવાસીઓ આ અભ્યારણ્યની  મુલાકાત લેતાં હોય છે. પ્રતિ વર્ષ પ0 જેટલી પ્રકૃતિ શિક્ષણ શિબિર યોજાતી હોય છે. જેના દ્વારા વન્ય જીવન વિશે વિદ્યાર્થીઓ વાકેફ થાય છે. તેમ હિંગોળગઢ અભ્યારણ્યના આર.એફ.ઓ.શ્રી કે.પી. રામાણીએ જણાવ્યુ હતુ.

સૌરાષ્ટ્રના અનેક પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર છે તે જસદણ તાલુકામાં આવેલ આ અભ્યારણ્ય રાજકોટથી 78 કિ.મી. અને જસદણથી 18 કિ.મી.ના અંતરે આવેલું છે.  સૌરાષ્ટ્રના સુક્કા પ્રદેશમાં હરિયાળો વિસ્તાર એટલે હિંગોળગઢ વન્યપ્રાણી અભ્યારણ્ય જયાં  રેલવે અને સડક માર્ગ દ્વારા પહોંચી શકાય છે.

230 જાતના દેશ-વિદેશના પક્ષીઓને રંગબેરંગી પતંગિયાઓનું વૈવિધ્ય, વનસ્પતિનુ સૌદર્ય, પહાડની રમણીયતા જોવાનો આહલાદક અનુભવ વનપ્રેમીઓને કરે છે રોમાંચિત

654 હેક્ટરમાં ફેલાયેલ પ્રાકૃતિક અભ્યારણમાં સર્પ પાર્ક ઉપરાંત કેક્ટ્સ પાર્ક, બોનસાઈ પાર્ક બન્યા છે આકર્ષણના કેન્દ્ર

વન્ય પ્રાણી – પક્ષીઓનું વૈવિધ્ય, વનસ્પતિનુ સૌંદર્ય, પહાડની રમણીયતા ધરાવતા 654 હેક્ટરમાં ફેલાયેલ આ હિંગોળગઢ અભ્યારણમાં વિવિધ જાતના સાપ, 150 નીલગાય, 100  ચિંકારા, 30 શિયાળ, 8 જરફ વરૂ, લોકડી, સાબર, દીપડા, સસલા, માંકડા, શાહુડી, વગેરે વન્યપ્રાણીઓ જોવાનો લહાવો મળે છે તે અદભુત છે. વિદ્યાર્થીઓ ટ્રેકીંગ કેમ્પમાં ભાગ લઈ સવારે નવ કિ.મી. અને બપોરે ત્રણ કિ.મી.  ડુંગરાળ જંગલમાં ભમવાનો આનંદ લૂંટે છે, તેમ અભ્યારણ્યમાં 30 વર્ષથી કાર્યરત શ્રી શત્રુજ્ઞભાઇ જેબલે કહયુ હતું.

હિંગોળગઢ વન્યપ્રાણી અભ્યારણ્ય વર્ષોથી સર્પ પાર્કથી જ સુપ્રસિધ્ધ છે. સૌથી વધુ સહેલાણીઓ અને બાળકો સર્પ પાર્કથી આકર્ષિત થાય છે. સુવ્યવસ્થિત સાપ ધરો(કુવાઓ) બનાવવામાં આવ્યા છે, જેમાં 14 પ્રકારના સાપો જોવાનો લ્હાવો અનોખો છે. દેશમાં જોવા મળતા તમામ પ્રકારના ઝેરી અને બિન ઝેરી સાપ અહીં ઉપલબ્ધ છે. ગાઈડ આ  સાપો(બિન ઝેરી) હાથમાં લઈને આપણી સામે જે સાહસના કરતબો કરે છે તે રોમાંચ સાથે મનોરંજન અને માહિતી પણ  આપે છે.

વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ માટે આ અભયારણ્ય સવારે 10 થી સાંજે 6 સુધી ખુલ્લું રહે છે. આ અભ્યારણમાં આધુનિક ઓપન એર થિયેટર પણ બનાવાયું છે. જેમાં વિદ્યાર્થીઓને વિવિધ વાઈલ્ડ લાઈફની ફિલ્મો દેખાડવામાં આવે છે. અહીં ગોરડ, વિકળો, દેશી બાવળ, ગુગળ, લીમળા, પીપળા સહિતના વૃક્ષો આ અભયારણ્યને લીલુછમ્મ રાખે છે.

સો વિદ્યાર્થીઓના રહેઠાણ માટે 10 હટ (રૂમ),  આર.ઓ. પ્લાન્ટ, રસોડા, 5 બર્ડ વ્યુ પોઇન્ટ, સીટીંગ એરીયા સહિતની તમામ સગવડ સ્થળ ઉપર વિકસાવવામાં આવી છે. આ અભ્યારણ્યમાં 80 જેટલી તકતીઓ લગાવાઈ છે જેમાં વન્યપ્રાણી અને અભ્યારણ્યની વિશેષતાઓની વિગતો લોકોના અભ્યાસ માટે મુકવામાં આવી છે.

ગુજરાત રાજ્યના વન વિભાગ હસ્તક રહેલા આ વનને 1980માં વન્ય પ્રાણી અભ્યારણ તરીકે જાહેર કરવામાં આવ્યુ હતુ, જેના વ્યવસ્થાપન અને વિકાસની કામગીરી ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન અને રીસર્ચ, ગીર ફાઉન્ડેશન સંસ્થાને 1984 થી સોંપવામાં આવી છે.

આ અભ્યારણ્ય નજીકમાં હિંગોળગઢ કિલ્લો, હેરીટેજ મ્યુઝિયમ, બિલેશ્વર મહાદેવ,  ધેલા સોમનાથ મહાદેવ, સાળંગપુર જેવા પ્રખ્યાત ધાર્મિક મંદિરો પણ આવેલાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.