Abtak Media Google News

Screenshot 4 30 સાત લાખથી વધુ હરિભકતો ઉમટયા, ગુરૂકુલનીસંખ્યા 100 સુધી પહોચે ત્યારે ફરી ભવ્ય મહોત્સવ યોજાશે

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા તારીખ 22 થી 26 ડિસેમ્બર સુધી મવડી-કણકોટ રોડ પર સહજાનંદ નગરમાં ભવ્ય અમૃત મહોત્સવ ઉજવાયેલ. મહોત્સવ સ્થળે 15 દિવસ સુધી પ્રેરણારૂપ સાંસ્કૃતિક પ્રદર્શન યોજાયું હતું.  પ્રદર્શનમાં 42300 જેટલા સ્કૂલના વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. પ્રદર્શન અને મહોત્સવમાં મળી કુલ સાત લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. અનેક હરિભક્તો એકથી વધુ વખત સહજાનંદ નગરમાં આવ્યા હતા. રાજકોટના સ્થાનિક ઉપરાંત દેશ-વિદેશના હજારો હરિભક્તોની હાજરીથી અને સંતોના રૂડા આશીર્વાદથી મહોત્સવ શોભી ઉઠ્યો હતો. ભક્તિ , શક્તિ અને સેવાના સમન્વય સમાન આ ઉત્સવ લાખો લોકોને રાજી કરવા ઉપરાંત આત્મીયતા વધારવામાં ઉપયોગી બનેલ. તેની ફળશ્રુતિ અનેરી રહી છે.

ગુરુકુલના  પ્રભુ સ્વામીના જણાવ્યા મુજબ ગુરુકુલની સ્થાપનાને 75 વર્ષ પૂર્ણ થતા છેલ્લા એક વર્ષથી વધુ સમયથી અમૃત મહોત્સવની તૈયારી ચાલતી હતી. શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ રોપેલ ગુરુકુલનું બીજ આજે 51 શાખાઓ સાથે વટવૃક્ષ બની ગયું છે. આવતા પાંચ વર્ષમાં શાખાઓની સંખ્યા 100 સુધી પહોંચાડવાનો શુભ સંકલ્પ છે. મહિલા ગુરુકુલ સ્થાપવાની ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. સુરત અને રાજકોટમાં થવાના મહિલા ગુરુકુલની શિલાપૂજન મહોત્સવ વખતે સંતો તથા દાતાઓના હસ્તે કરવામાં આવેલ.

ગુરુવર્ય  દેવકૃષ્ણદાસજી સ્વામી, મહંત સ્વામી   દેવપ્રસાદદાસજી સ્વામીના અસીમ આશીર્વાદ અને સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી સોનાવર્ણી સફળતા મળી છે. અમૃત મહોત્સવ નિમિત્તે  2100 કરોડ મંત્ર જાપ અને 24.60 કરોડ ઉપરાંત મંત્ર લેખન થયેલ. 1.44 કરોડ દંડવત પ્રણામ અને 38,894 વચનામૃત પાઠનો ઇતિહાસ રચાયેલ. સંતોએ મહોત્સવના પ્રચાર અને સત્સંગના હેતુથી 15442 ઘરમાં પધરામણી કરેલ, 50 અમૃત સંમેલનનો , 134 શાકોત્સવ અને 525 વ્યાખ્યાન માળા યોજાયેલ. મંત્ર યાગમાં 12 કરોડ  આહુતિ આપવામાં આવી હતી.

અમૃત મહોત્સવના દિવસોમાં સ્થળ પર 450 થી વધુ રસોયા સાથે રસોડું સતત ધમધમતું હતું. દરરોજ અલગ અલગ મીઠાઈ ફરસાણ સાથે બંને સમયના મળી પાંચ લાખ જેટલા ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. ગુરુકુલ પરિવારના 275 સહિત અન્ય મંદિરો તથા ગુરુકુલોના મળી 700થી વધુ સંતોએ સહજાનંદ નગરની ભૂમિ પાવન કરેલ.

વિદ્વાન સંતોના દર્શન , આશીર્વાદ અને મંગલ વાણીનો દેશ-વિદેશના હરિભક્તોને લાભ મળેલો.

મહોત્સવ સ્થળે ત્રણ દિવસ રક્તદાન શિબિર અને સર્વરોગ નિદાન કેમ્પ યોજાયેલ. 87 સંતોએ રક્તદાન કરી શિબિરનો પ્રારંભ કરાવેલ. કુલ 750 જેટલી બોટલ રક્ત એકત્ર થયું હતું. નિ:શુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પનો 7300 દર્દીઓએ લાભ લીધેલ. નિષ્ણાત ડોક્ટરોએ નિ:સ્વાર્થ ભાવે ફરજ બજાવી હતી. મોતિયાના 75 ઓપરેશન નિ:શુલ્ક  કરાયા. પવિત્ર ભૂદેવોના રાજકોટમાં 82 અને સુરતમાં 75 મળી 157 બટુકોને જનોઈ આપવામાં આવી. સમૂહ લગ્નમાં 51 નવદંપત્તિઓ જોડાયા હતા.

ગુરુકુળ પર તેમજ મહોત્સવ સ્થળે, સભામંડપ, રસોડું, પ્રદર્શન, પાર્કિંગ, ઉતારા, યજ્ઞશાળા, અખંડ ધૂન, ગુરુકુળ મૈયા પૂજન, ગુરુકુળ વિડીયો દર્શન, સિક્યુરિટી, સેવારથ વગેરેમાં 12,500 સ્વયંસેવક ભાઈઓ – . બહેનોએ સેવા આપેલ. ઉદ્ઘાટનના દિવસે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય  દેવવ્રતજી, મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ વગેરે મહાનુભાવોએ હાજરી આપેલ. મહોત્સવના ત્રીજા દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ઓનલાઈન સંબોધન કરી ગુરુકુળની શિક્ષણ સાથે સંસ્કારની પ્રવૃત્તિની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી., પ્રદર્શન અને મહોત્સવના દિવસોમાં રાજકીય, સામાજિક ધાર્મિક, શિક્ષણ વગેરે ક્ષેત્રના મહાન ભરાવો મહાનુભાવો, ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, દાનવીરો વગેરે જે હાજરી આપી હરિભક્તોનો ઉત્સાહ વધાર્યો હતો.

ગુરુકુલની સંખ્યા આવતા પાંચ વર્ષમાં 100 સુધી પહોંચે ત્યારે ફરી અમૃત મહોત્સવ જેવો ભવ્ય  મહોત્સવ યોજવાનું જાહેર કરી ગુરુવર્ય શ્રી દેવ કૃષ્ણદાસજી સ્વામીના હસ્તે તે મહોત્સવના લોગા (ઓળખ ચિન્હો )નું  વિમોચન કરવામાં આવ્યું હતું. સમગ્ર મહોત્સવ સમાજના ઉત્કર્ષના સંદેશ સાથે અનેક સંભારણા છોડી નિર્વિઘ્ન પૂર્ણ થયો છે. મહોત્સવમાં સહયોગી બનેલા સર્વ પ્રત્યે ગુરુકુલ પરિવારે પ્રસન્નતા વ્યક્ત કરી આભાર માનેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.