નુકશાનીના સમયમાં હાથ ઉંચા કરી દેતી વીમા કંપનીઓ કેટલી વ્યાજબી ?

વીમા ‘કવચ’ મુશ્કેલીના સમયમાં વળતરના રૂપમાં ભાંગ્યાના ભેરૂ બની રહે તે માટે અને ભવિષ્ય સુનિશ્ર્ચિત કરવા માટે વીમાનું કવચ લેવામાં આવે છે પરંતુ વીમા કંપનીઓનો વ્યવહાર છેલ્લા કેટલાંક સમયથી બદલાઈ ગયો છે અને વીમા કંપનીઓનો મતલબ પ્રિમીયમ ભરનારને જરૂર પડે ત્યારે રાહતરૂપ બનવાના બદલે નફાખોરી અને ગણતરીપૂર્વકની પોલીસીએ વીમા કંપનીઓ પ્રત્યેનો સામાજીક વિશ્ર્વાસનું વાતાવરણ ડગમગાવી દીધુ છે. પ્રિમીયમ લીધા બાદ ચૂકવણી સમયે વળતર ન આપે તેવી વીમા પોલીસી અને વીમાને શું ધોઈ પીવાનો.

અત્યારે મહામારીના સમયમાં આરોગ્ય, જીવન વીમા પોલીસીમાં બીમારી અને ઈલાજની સાથે સાથે મૃત્યુની ઘટનામાં વળતર દેવામાં કંપનીઓના ગલ્લા-તલ્લા વધી ગયા છે. એક તો દર્દીના પરિવારજનો બિમારીથી પરેશાન હોય છે ત્યારે બીજી તરફ વીમો હોવા છતાં ઘણા સ્થળે રેમેડીસીવીરના ઈંજેકશનથી લઈ દવાની સમસ્યા નડે છે. કંપની વળતર માટે તૈયાર છે પરંતુ કેટલીક સમસ્યાઓનું પડતર છે. ડોકટરોની ઓનલાઈન સેવા લીધી હોય તેને રોકડા ચૂકવવા પડે છે. વીમા કંપનીઓ અત્યારે આવક ઓછી અને ઉપાડ જાજો જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. વીમા કંપનીઓ મતલબ લોકોની વીમાની પોલીસી મુજબ જરૂર પડે ત્યારે વળતર આપવાની ફરજ છે. વીમા કંપનીઓ વધતા જતાં ભારણને લઈ તેની ફરજ ક્યાંકને ક્યાંક ચૂકી જતી હોય તેવો માહોલ ઉભો થયો છે.

વીમા કંપનીનો હેતુ ગ્રાહકો પાસેથી વિવિધ પોલીસીનું પ્રિમીયમ લઈને વીમો પાકે તો ગ્રાહકને સમયસર વળતર આપી વિશ્ર્વસનીયતાની સાથે સાથે સહકારનો ભાવ જાળવવાનો હોય છે. અલબત છેલ્લા કેટલાંક સમયથી વીમા કંપનીઓ પોલીસી લેનાર માટે યોજનામાં જોડાવા વખતે સોયના નાકામાંથી સોંસરવી નીકળી જાય તેવી સ્થિતિ ઉભી કરે છે અને જ્યારે કોઈપણ કલેઈમનું વળતર આપવાનું થાય ત્યારે નીતનવા ટેકનીકલ ફોલ્ટ ઉભા કરીને કલેઈમ કરનારને જેમ બને તેમ ઓછુ વળતર મળે તેવી નીતિ અખત્યાર કરવાથી કોઈ કંપની બાકાત નથી. જીવન વીમા, આરોગ્ય વીમા, અકસ્માત વીમા, વાહન વીમા, આપાતકાલીન વીમા, વ્યવસાયી વીમા અને કૃષિ વીમાની દરેક પોલીસીમાં વીમો જ્યારે ઉતરાવવાનો હોય ત્યારે કંપનીના લાભના દાવાઓ વળતર ચૂકવવાના સમયે ભુલાય જાય છે. કોવિડ-19ની મહામારીમાં 57 ટકા કેસનો નિકાલ બાકી છે. ઈન્સ્યુરન્સ કંપનીએ નવા પ્રિમીયમમાં 45 ટકાનો વધારો કરી દીધો છે તેની સામે વળતર આપવામાં કેટલાંક ઠાગાઠૈયા અને ગલ્લા-તલ્લા વધી ગયા છે. કૃષિ વીમામાં દરેક ખેડૂત પાસેથી અનેકગણુ પ્રિમીયમ ઉઘરાવવામાં આવે છે જ્યારે દુકાળ કે અતિવૃષ્ટિથી ખેડૂતોનો પાક નિષ્ફળ જાય ત્યારે અનાવરણ અને સર્વેના નામે ખેડૂતો સાથે નુકશાની તો ઠીક પ્રિમીયમ ભર્યું હોય તેટલું વળતર આપવામાં પણ ગલ્લા-તલ્લા થાય છે. વીમા કંપનીઓ પણ ધંધો લેવામાં કુશળ છે પરંતુ વળતર આપવામાં વિશ્ર્વાસ જાળવી શકતી નથી. વીમાનું સમયસર વળતર ન મળે તો વીમો શું કામનો ?