Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતની પંચાયતીરાજના સૌથી સર્વોચ્ચ સંસદ ગૃહને લોકતંત્રનું મંદિર ગણવામાં આવે છે. આ મહાપંચાયતમાં ભારતની કિસ્મત નક્કી થાય છે. કાયદાની રચનાથી દેશના ભવિષ્યનું આયોજન અને લોકતંત્રને સુદ્રઢ બનાવવાની પ્રક્રિયા જ્યા થતી હોય તે અતિ પવિત્ર મંદિર જેવા સંસદનું એક આગવું ગરીમાપૂર્વકનું મહત્વ રહ્યું છે.

ત્યારે દિલ્હીમાં શેરી ગલીઓમાં શરાબના હાટડાની સમાજ માટે ઘાતક પરિસ્થિતિ અંગે વારંવાર સ્થાનિક કક્ષાએ રજુઆતો છતાં કોઈ પરિણામ ન આવતા જન પ્રતિનિધિ એવા સાંસદને દિલ્હીની આ હાલતનું સાચું ચિત્ર સરકાર સમક્ષ રજૂ કરવા માટે સૌથી મોટા લોકતંત્રના મંદિર એવા સંસદમાં શરાબની બોટલ લઇ જવી પડે એ લોકતંત્રની બલિહારી ગણવી કે કમનસીબી?

ગુનાહિત પ્રવૃત્તિને અટકાવવા માટે સ્થાનિક પોલીસ અને સુરક્ષા વ્યવસ્થા સંગીન રીતે કામ કરી રહી છે. ત્યારે સાંસદ દરજ્જાના જનપ્રતિનિધિને શરાબની બદી રોકવા માટે સરકારને અસરકારક રજૂઆત કરવા માટે શરાબની બોટલ સંસદમાં લઇ જવી પડે એ ખરેખર દુઃખની બાબત ગણાય. રાજ્ય સરકાર પોતાના રાજ્યની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવામાં સમર્થ જ હોય, જો અસમર્થ રાજ્ય સરકારની ફરિયાદ કેન્દ્ર સુધી પહોંચવાની પરિસ્થિતિ ઊભી થતી હોય તો તે રાજકારણની નહીં પરંતુ લોકતંત્રની તંદુરસ્તી માટે જોખમી ગણાય, સંસદ ગૃહમાં જનપ્રતિનિધિઓની ફરિયાદોની અસરકારક રજૂઆત માટે જો દારૂની બોટલ લઇ જવી પડતી હોય તો તે કમનસીબીથી જરા પણ ઓછું નથી  લોકતંત્ર ત્યારે જ સુદ્રઢ બને જ્યારે તેનું સંપૂર્ણપણે ગરીમાપૂર્વકનું જતન જળવાતું હોય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.