Abtak Media Google News

આપણા દેશમાં લોકશાહીની એક મોટી ખોટ એ છે કે કર્મચારીઓમાં કામચોરીના અનેક પ્રકારો છે

મનમંથન

Advertisement

પોલીસ પ્રત્યે નારાજગીનું એક કારણ

આ દેશની જનતાના મગજમાંથી હજુ સુધી પોલીસની અંગ્રેજ શાસન સમયની છાપ દૂર થઈ નથી. પીઆઈ જયદેવ આ માટે એવું વિચારતો કે કોઈ પણ ફરિયાદ થાય તેની તપાસ થાય તે કાર્યવાહીમાં એક પક્ષતો પોલીસથી નારાજ થવાનો જ અને તે નારાજગીનું કારણ પોલીસ બને છે. કેમકે કાયદેસરની કાર્યવાહી (દવા આપવાનું) કામ તો પોલીસ દળ જ કરતું હોય છે. ખરેખર તો કાયદેસરની કાર્યવાહીતો અન્ય પક્ષે કરી કે કરાવી હોય છે તેના પ્રત્યે નારાજગી હોવી જોઈએ તેને બદલે અનુભવે જણાયું છે કે દરેક સાચા કે ખોટા કિસ્સામાં પોલીસ દળ જ નીશાન બનતું હોય છે. એવો એક બનાવ જુઓ.

તે સમયે પોલીસ દળમાં મહિલાઓની ભરતી ૩૩% થતી ન હતી, મર્યાદિત સંખ્યામાં મહિલા કોન્સ્ટેબલો રહેતા તેમાં પણ કચ્છ જેવા જીલ્લામાં કે જયાં ભૂજથી ખૂબજ દૂર રણમાં પાકિસ્તાન સરહદે આવેલા પોલીસ સ્ટેશનોમાં કોઈ પૂરતી સુવિધાઓ ન હતી કે જે તે ગામે રહેવાના સારા આવાસ કે પાણી પણ ન હતા તેવા પોલીસ સ્ટેશનોમાં કોઈ મહિલા કોન્સ્ટેબલો જવા પણ ઈચ્છતા નહિ. જયારે આવા પોલીસ સ્ટેશનોમાં મહિલા આરોપી પકડાવાના હોય કે અન્ય તેવી કામગીરી માટે મહિલા જવાનની જરૂરત પડે તો શું? આથી કચ્છ પોલીસ વડાએ એવો રસ્તો કાઢેલો કે આવા બોર્ડર પોલીસ સ્ટેશનોમાં જયારે મહિલા જવાનની જરૂરત પડે ત્યારે મહિલા જવાન ભૂજ શહેર પોલીસ સ્ટેશનમાંથી મોકલવાના આથી તે વખતે ભૂજ શહેર થાણામાં દસ મહિલા કોન્સ્ટેબલો હતા.

દરેક બાબતમાં અમેરિકા-જાપાન સાથે સરખામણી !

આપણા દેશમાં દરેક બાબતની અમેરિકા જાપાન વિગેરે દેશો સાથે સરખામણી કરવામાં આવે છે. પરંતુ આવી સરખામણીઓ કરનારા લોકોમાંથી પણ કામચોરીની માનસીકતા દૂર થઈ નથી તે હકિકત છે. આથી વિકાસની ગમે તેટલી યોજનાઓ કરવામાં આવે શિક્ષણ આપવામાં આવે સબસીડીઓ આપવામાં આવે પરંતુ જયાં સુધી લોકોમાંથી કામ ચોરીની માનસીકતા દૂર ન થાય ત્યાં સુધી તો સોનાનો સૂરજ ઉગવો અસંભવ છે. હા ખાનગી કંપનીઓમાં કામ કરતા લોકોમાં કાંઈક સુધારો થયો છે. પરંતુ સરકારી વિભાગોમાં તો કામ ચોરીનુ મોટુ દુષણ હજુ પણ ચાલુ છે. કર્મચારીઓ ફકત પોતાના ભાગે આવતું કાર્ય ને તે પણ ફકત આઠ કલાક કરે તો સારા પરિણામો ખૂબજ ટુંકા સમયમાં આવવા લાગે તે ગેરંટી પૂર્વકની હકિકત છે.

સહજ છે કે દૂરના બોર્ડર ઉપર પોલીસ સ્ટેશનોમાં જવું અગવડભર્યું જ રહેવાનું અને તેમાં પણ મહિલાઓ માટે બે ચાર દિવસ કુટુંબથી, બાળકોથી દૂર જવું ઘણું જ કપરૂ હોય છે. આથી આવી વ્યવસ્થા કરવામાં આવેલી કે દસે દસ મહિલા જવાનોની યાદી બનાવી વારાફરતી દરેકને મોકલવા અને કોઈ એક ને જ વારંવાર આવી જગ્યાએ જવું ન પડે તેવું આયોજન કરેલું જેનો વારો હોય તે આવી બહારજવાની વર્ધી આવે ત્યારે જાય. પરંતુ કામ ચોરીની માનસીકતા દરેક કહેવાતી અગવડનો કુબુધ્ધીપૂર્વક રસ્તો શોધી જ લેતી હોય છે. જયારે પણ આવો બહારગામ જવાનો બંદોબસ્ત કે ફરજ આવે એટલે નોકરીની વહેંચણી કરતા હાજરી માસ્તર પાસે દલીલો અને રજૂઆતો એવી આક્રમકતાથી થતી કે આ મામલો હાજરી માસ્તરથી ઉકલે જ નહિ અને મહિલા પો. કોન્સ. મોકલવાનું ગુંચવાયેલું કોકડુ જયદેવ પાસેજ આવતું. જેનો વારો હોય તેના કારણો હોય તેના પછીના પણ કારણો બહાના કાઢે કે હું તો હજી જઈને જ આવી છું વિગેરે એવી દલીલો સાચી ખોટી આક્રમક તેમજ કરૂણાસભર થતી કે કોને મોકલવા તે મોટો યક્ષ પ્રશ્ર્ન બની જતો, મહિલાને બદલે પુરૂષને તો મોકલાય નહિ પરંતુ તેમ છતાં જયદેવ વચગાળાનો કાંઈક રસ્તો કાઢતો અને આમ ને આમ ગાડુ ગબડયે જતું હતુ.

એક વખત ખાવડા પોલીસ સ્ટેશને એક મહિલા કોન્સ્ટેબલને મોકલવાની વર્ધી આવી. પરંતુ આ વધી આવી તે પહેલા એક કામ ચોરીનું નાટક થઈ ગયું વર્ધી આવી તે પહેલા એક મહિલા કોન્સ્ટેબલ પોતાના કુટુંબના સભ્ય બીમાર હોવાનું કારણ કે બહાનું કાઢીને જયદેવ પાસેથી બે દિવસની રજા લઈ જતા રહેલા. બાબત એવી છે કે જો હવે બંદોબસ્તની વર્ધી આવે તો આ બહેનને જ બોર્ડર ઉપર જવું પડે કારણ કે જાવાનો તેમનો વારો હતો. પરંતુ આ બાબતથી જયદેવ અજાણ્યો હતો. પરંતુ પાછળથી જયદેવને જાણવા મળેલુ કે ખરેખર તો આ બહેનને ભૂજના જીલ્લા પોલીસ કંટ્રોલ રૂમમાં સંપર્ક હતો. જેથી ખાવડાથી ભૂજ કંટ્રોલ રૂમમાં મેસેજ આવતા કંટ્રોલરૂમનાં સંપર્ક વાળા જવાને આ બહેનને ખાનગીમાં ફોનથી બંદોબસ્તનાં મેસેજની જાણ કરી દીધેલી તેથી તેમણે કહેલ કે પહેલા હું રજા મંજુર કરાવી નીકળી જાવ પછી કંટ્રોલ રૂમમાંથી ભૂજ સીટી પોલીસ સ્ટેશનમાં મેસેજ પસાર કરજો. આ એક પ્રકારની કુટીલ કામચોરી હતી જે બીજા નિયમિત ફરજ બજાવતા ને અન્યાય રૂપ હતુ. હવે જોગાનું જોગ આ બહેન રજા ઉપર જતા રહેતા હવે પછી યાદી મુજબ બંદોબસ્તમાં જવાનો વારો વાયરલેસ સેટ ઉપર હાલ ઓપરેટર તરીકે કાર્યકરી રહેલા બહેનનો હતો ! આ ઓપરેટર બહેને જેમનો બહારગામ જવાનો વારો હતો તેને રજા મંજૂર કરાવી ને જતા નજરે જોયેલા અને તે પછી આ ખાવડા બોર્ડર ઉપર જવાનો મેસેજ આવતા તેમણે જ નોંધેલો આથી તેમને ધ્રાસ્કો પડયો કે હવે હું તો નોકરી ઉપર અહી હાજર છું તેથી કોઈ બહાનું કે કારણ મળે તેમ નથી વળી તેમને થયું કે પીઆઈ જયદેવ કાયદેસરની ફરજ બાબતમાં કાંઈ બાંધ છોડ કરતો નહિ આ ઓપરેટર બહેન બરાબર મુંઝાયા, તેમને કાંઈક અ ન્ય કારણો પણ હશે પણ તેમણે પોતાની વ્યથા અન્ય કોઈ ને જણાવી નહિ હાજરી માસ્તરે રાબેતા મુજબ તેમને વર્ધી આપી દીધી. જયદેવે પોતાની ચેમ્બરમાં કામ કર્યે જતો હતો.

વધુ એક અટાટની આફત !

થોડીવારમાં પીએસઓ સાથે ઓફીસ હાજરની ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ ભગીબેન દોડતા જયદેવ પાસે આવ્યા અને ઉતાવળે ઉતાવળે કહ્યું કે સાહેબ આ ઓપરેટરડી ઝેરી ટીકડા ખાઈ ગઈ છે કેમકે પેલી ખોટાડી રજા લઈને ગઈ તેને ખરેખર બંદોબસ્તમાં જવાનુ હતું પરંતુ તેના બદલે હવે વારો આ ઓપરેટર બેનનો હતો અને તેને જવાનો હુકમ થતા તેમને લાગી આવતા ટીકડા ખાઈ ગઈ છે. જયદેવે તુર્ત જ સરકારી જીપમાં આ ભગીબેન જોડે જ ઓપરેટર બેન તથા અન્ય પોલીસ સ્ટાફ સાથે સીવીલ હોસ્પિટલમાં સારવારમાં રવાના કર્યા

જયદેવે બનેલ બનાવની ઉચ્ચ અધિકારીઓને વિધીવત જાણ કરી દીધી આમ તો બધુ બરાબર ચાલ્યે જતું હતુ પરંતુ હોસ્પિટલમાં ઓપરેટર બહેનને ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરી સારવાર ચાલુ થયા બાદ એકાદ કલાક પછી હોસ્પિટલમાંથી કોન્સ્ટેબલ ભગીબેનનો ફોન જયદેવ ઉપર આવ્યો કે સાહેબ અહીંતો બીજી ત્રીજી વાતો ચાલે છે કે અધિકારીઓના ત્રાસથી ટીકડા ખાધા છે. અને ફરજ પરનાં ડોકટર પણ ગમે તે કારણોસર આડુ અવળુ બકબક કરે છે. તમે તાત્કાલીક અહી આવો આ સાંભળીને વળી જયદેવને ધ્રાસ્કો પડયો કે હજુ તાતૂનકાતુ પ્રકરણ પૂરૂ થયું નથી ત્યાં વળીઆ બીજી અટાટની આફત આવી કે શું? અનુભવી જયદેવ બધુ જાણતો હતો કે હવે ખોટી તો ખોટી આફત આવી જ છે. તો સામનો તો કરવો જ પડશે, મેદાન મૂકવાથી તો કાંઈ થવાનું નથી આથી તેણે મામલતદારને લેખીત રીપોર્ટ ડીડી (ડાઈંગ ડીકલેરેશન) માટેતો મોકલ્યો જ હતો. પણ ટેલીફોન કરીને કહ્યું કે પોતે જ જીપ લઈને મામલતદાર કચેરીએ આવે છે. આથીએક એકજીકયુટીવ મેજીસ્ટ્રેટ તૈયાર રાખવા અને આમ તે એક એકજીકયુટીવ મેજીસ્ટ્રેટને સાથે લઈ સીવીલ હોસ્પિટલ પહોચી ગયો.

ઈમરજન્સી વોર્ડમાં ઓપરેટર બહેનની સારવાર ચાલુ હતી બહાર ઉભેલા લોકો જયદેવને જાતે આવેલો જોઈને આડા અવળા થવા લાગ્યા સામાન્ય રીતે ખોટા અને ખટપટીયા લોકો માટી પગા જ હોય છે. જયદેવ એકજીકયુટીવ મેજીસ્ટ્રેટને સાથે લઈ ફરજ પરના ડોકટરને મળ્યો અને પેશન્ટની સ્થિતિ નિવેદન લઈ શકાય તેવી છે કે કેમ તેની પૃચ્છા કરી આથી ડોકટર પોલીસ દળ વિશે અને તેના અધિકારીઓની કાર્યશૈલીની વિશે આડુ અવળુ બોલતા જ જયદેવે ડોકટરને કહ્યું તમે અત્યારે પેશન્ટની સ્થિતિ અંગે જણાવો. તમારી આ પોલીસદળ અને તેના અધિકારીઓની કાર્યશૈલી અંગેની વ્યથા અંગે હું જ તમારૂ નિવેદન નોંધુ છું આથી ડોકટર ચમકયા અને બોલ્યા કે પેશન્ટ સંપૂર્ણ ભાનમાં છે. અને મારૂ નિવેદન શા માટે ? આપણા દેશમાં તમામને વાતો કરવી છે પણ કોઈને કાયદેસરની કાર્ય કરવી કે કરાવવી નથી, કે સાક્ષી કે ફરીયાદી બનવું નથી કારણ કે કોર્ટના ધકકા ખાવા પડે. અહી આ કિસ્સામા તો ડોકટર માટે મોટો પ્રશ્ર્ન એ હતો કે પોલીસ દળ અને તેના અધિકારીઓની કાર્યશૈલી અંગે પૂરાવા અને ઉદાહરણો પણ તેમણે જ આપવા પડે તેવી સ્થિતિ હતી આથી તેઓ કહેવા લાગ્યા કે સાહેબ તમારી વાત નથી આતો જનરલ વાત છે. આથી જયદેવે કહ્યું કે અત્યારે આ સમયે આવી જનરલ વાતો કરી અફવા ફેલાવી તમે ખોટુ વાતાવરણ ઉભુ કરવાનો પ્રયત્ન કરો છો આ સાંભળીને ડોકટર ઉભા થઈને ચાલ્યા ગયા ડોકટરને પણ ભૂતકાળનો કાંઈક પોલીસ પ્રત્યેનો સાચો ખોટો પૂર્વગ્રહ તો હશે જ.

જયદેવ અને એકજીકયુટીવ મેજીસ્ટ્રેટ ઈમરજન્સી વોર્ડમાં આવ્યા જયાં ઓપરેટર કોન્સ્ટેબલને દવાનો બાટલો ચડી રહ્યો હતો. જયદેવ ઓપરેટરને નામ જોગ બોલાવીને પૂછયું કે કેમ છો બહેન? ‘આથી તેમણે કહ્યું’ સાહેબ પેલી… ખોટુ બોલી તમારી પાસેથી રજા લઈને નાસી ગઈ અને મને ખૂબ તાવ આવતો હોય ભૂલથી તાવની ગોળીને બદલે પર્સમાં રહેલી ઘેનની ગોળીઓ ખવાઈ ગઈ છે. જયદેવે એકજીકયુટીવ મેજીસ્ટ્રેટને કહ્યું હું વોર્ડ બહાર જાવ છું આ બહેનનું નિવેદન નોંધી લ્યો. એકજીકયુટીવ મેજીસ્ટ્રેટે ઓપરેટર બહેનનું નિવેદન (ડીડી) નોંધીલીધું અને નિવેદનની એક નક્લ જયદેવને આપી દીધી.

આવા કિસ્સામાં ઘણા ખણખોદીયાઓ પાછળથી ઉટાંગપટાંગ વાતો ઉપજાવી મીડીયામાં ચમકાવતા હોય છે. અને બધુ સીધું ચાલ્યું તો ઠીક નહિ તો રાજકીય પક્ષો કહેવાતા અમુક એન.જી.ઓ. ખોતરી ખોતરીને વાતો કાઢી પોલીસ દળના અધિકારીઓને હલકા ચીતરવા પ્રયત્ન કરતા હોય છે. પણ જે સત્ય હોયતે સત્ય જ રહે છે. જયદેવે વિગતે તપાસ કરી જીલ્લા પોલીસ વડાને અહેવાલ મોકલી દીધો. જયદેવને થયું હાશ બીજી આફતમાંથી બચ્યા પરંતુ ડોકટરની આ માનસીકતા સમજાઈ નહિ કેમકે જયદેવને ડોકટરથી તો કોઈ ઓળખાણ પીછાણ જ નહતી પરંતુ પ્રકરણ પૂરૂ થયું.

ઉપરા છાપરી આવા બનાવો બનતા જયદેવ ને મનોમંથન થયા કરતુ કે હવે આ ખાતામાંથી સહી સલામત નિવૃત્તિ થઈ જાય તો જંગ જીત્યા બરાબર જ છે. કેમકે જયદેવની નોકરી પુરી થવાને હવે ત્રણ વર્ષની જ વાર હતી જોકે અનુભવે જણાયું છે કે આવા વિચારો નીવૃતીને આરે પહોચેલાને આવતા જ હોય છે. પરંતુ જયદેવ માટે તો આ વાસ્તવિક હકિકતો બનતી હતી.

વધુ એક ઉછીની આફત !

થોડા દિવસ પછી જ સાંજના સાડા સાતેક વાગ્યે જયદેવ પોતાની કચેરીમાં વહીવટી કામ કરતો હતો દરમ્યાન વાયરલેસ ઓપરેટરે ચેમ્બરમાં આવીને કહ્યું કે કિંગ મોબાઈલે (પોલીસ વડાની) કંટ્રોલ રૂમને વર્ધી આપી છે કે શહેરમાં જે પણ પોલીસ મોબાઈલ રોડ ઉપર હોય તે ઉપરાંત જેઓ પર આ વાયુ સંદેશો સાંભળતા હોય તેમણે તાત્કાલીક પોતાનું વાહન લઈ રોડ ઉપર આવી જવું સુખપર ગામેથી ગુનેગાર કાર લઈને નાસેલ છે. જયદેવે પોતાના ડ્રાયવરને બોલાવવાની વર્ધી આપીને આવે ત્યાં સુધી વાયરલેસ સેટ ઉપર ઉભો ઉભો જે આરોપીની કારની પકડાપકડી (ચેજીંગ) ચાલુ હતી. તેના પસાર થતા સંદેશાતે સાંભળતો હતો. ગુનેગારનું વાહન સુખપર રોડથી હરીપર રોડ તરફ જતા કિંગ મોબાઈલે તે તરફ પીછો કરેલો, હજુ સુધી અન્ય કોઈ મોબાઈલ રોડ ઉપર આવી નહતી કે કોઈ એ સંદેશો સાંભળ્યો ન હતો. ડ્રાઈવર આવી જતા જયદેવ તેના રથ ઉપર પોતાના જવાનો ફીરોજ અને ધર્મેન્દ્ર સાથે સવાર થયો. દરમ્યાન કિંગ મોબાઈલે વર્ધી આપી કે ગુનેગાર કાર લઈને ભૂજ શહેરનાં મુખ્ય બસ સ્ટેન્ડ તરફ ભાગેલ છે. કિંગ મોબાઈલ ગુનેગારની કાર પાછળ બરાબર પડી હોય તેમ જણાતું હતુ આથી જયદેવે પોતાની જીપ ધીંગેશ્ર્વર મહાદેવ મંદિર પાસેના ટુંકા રસ્તેથી બસ સ્ટેન્ડ તરફ જવા રવાના થયો રસ્તામાં ગંજીવાડા ઘાંસના વાડા પાસે નજીક પહોચતા સામેથી ગુનેગારની કાર આવતી હતી તેણે જયદેવની લબક ઝબક થતી ફલડ લાઈટ વાળી જીપ આવતી જોઈને તે સમજી ગયો કે હવે ભીડવાઈ ગયા આથી તેણે કાર બંધ કરી ઉતરીને નીકળવાનો પ્રયત્ન કર્યો પરંતુ પાછળ આવતી કિંગ મોબાઈલમાંથી પોલીસ વડા જાતે દંડો લઈને ઉતર્યા અને ગુનેગારની ભરપૂર સરભરા ચાલુ થઈ. થોડીવાર જયદેવ જોઈ રહ્યો પરંતુ પછી તેને થયું કે કયાંક વરામણો મેથીપાક જમી જશે તો હવે પોતા માટે જ આફત ઉભી થશે કેમ કે આ હદ ભૂજ શહેર પોલીસ સ્ટેશનની હતી તેથી તે વચ્ચે પડયો અને પરસેવે રેબઝેબ પોલીસ વડાને કહ્યું કે હવે બાકીનું કામ હું કરીશ. પોલીસ વડા માંડ માંડ શાંત થયા ત્યારે ગુનેગાર જમીન ઉપર સુતો હતો.

ઉછીની આફત અંતે ઠેકાણે ગઈ !

બનેલુ એવું કે સુખપર ગામે (ભૂજ તાલુકા પો.સ્ટે) બે પૈસા પાત્ર કુટુંબો વચ્ચે કાંઈક જૂની તકરાર હશે જ, પરંતુ એક કુટુંબને ત્યાં કોઈ એન.આર.આઈ. મહેમાન આવેલા તો બીજા કુટુંબના એક માથા ફરેલા દારૂડીયા ઈસમે દારૂપીને ખેલ ચાલુ કરેલ આથી પહેલા પક્ષકારે સીધો જ ફોન પોલીસ વડાને કર્યો કે અમે ઘર બહાર નીકળતા જ સામે વાળા એ અમારી ઉપર તેની કાર ચડાવવી દેવા પ્રયત્ન કર્યો અમે માંડ માંડ બચ્યા છીએ પરંતુ પરિસ્થિતિ ખૂબ તંગ છે. આથી કાંઈક લાગણી કે ઉતાવળા સ્વભાવના કારણે પોલીસ વડા જાતે પોતાના ઘેરથી સરકારી કારમાં બહાર નીકળતા હતા અને રોડ ઉપર આવતા જ આ ગુનેગારની કાર સામે મળતા તેમણે તે કાર રોકવા પ્રયત્ન કરતા ગુનેગારે સરકારી કારને ભયંકર રીતે કાવુ મારીને નાસેલો. આથી પોલીસ વડાએ પીછો (ચેજ) ચાલુ કરેલો. જયદેવે જોયું કે ગુનેગાર ચીકકાર પીધેલો તો છે પરંતુ આધેડ વયનો હોય મેથીપાક વધુ જમી ગયો હોઈ પચાવી શકે તેવી હાલતમાં નથી બે હાલ છે. પહેલો પક્ષ ફરિયાદ કરવા માટે પણ આવી ગયો. પોલીસ વડાએ કહ્યું કાયદેસરની કાર્યવાહી કરી નાખો. જયદેવ અને તેની ટીમે ગુનેગારને સરકારી જીપમા ટીંગાટોળી કરી સુવાડયો અને ફરિયાદી તેમની કારમાં પાછળ પાછળ પોલીસ સ્ટેશને આવ્યા. જયદેવે શરૂઆતથી મળેલ વાયરલેસ સંદેશા મુજબની તથા ગંજીવાડા પાસે ગુનેગાર કાર સાથે મળી આવ્યો તે સહિતની નોંધો સ્ટેશન ડાયરીમાં કરાવી ભૂજ તાલુકા પોલીસ ઈન્સ્પેકટરને વર્ધી આપતા, તેણે જણાવ્યું કે, બાપુને કહો પોતે ખૂબ દૂર ગામડામાં છે અને ભૂજ આવતા ઘણો સમય લાગશે જેથી હવે જયદેવે જાતે જ કાર્યવાહી કરવી પડે તેવી સ્થિતિ હતી કેમકે ગુનેગારને મેથી પાક સદયો નહિ હોય તેથી રંગીન ઝાડા થઈ ગયા હતા, વળી ઉંમર જોતા તાત્કાલીક સારવારમાં મોકલવાની જરૂરત હતી, પરંતુ જો સીધો જ તેને હોસ્પિટલમાં મોકલવામાં આવે તો ત્યાં સુધીમાં રાજકારણ ભળી જાય અને વાતનું વતેસર થાય તેમ હોય જયદેવે જાતે જ ફરિયાદીની ઉપર કાર ચડાવી મારી નાખવાની કોશિષની ફરિયાદ લીધી તેમજ આરોપીની ક્રોસ એફઆઈઆર તેને સામાવાળાએ મુઢમાર લાકડી ધોકાથી માર્યાની લખાવતા બંને ફરિયાદો ઝીરો નંબરથી દાખલ કરાવી ભૂજ તાલુકા પોલીસ સ્ટેશને મોકલી અને આરોપીને રીપોર્ટ સાથે સરકારી દવાખાને સારવારમાં મોકલ્યો. આ પ્રકરણે પણ જયદેવનું ટેન્સન બે ત્રણ દિવસ વધારી દીધેલું પરંતુ સારવારને અંતે આરોપી બે દિવસમાં ઘોડાવાળ તો થઈ ગયેલો !

ટુંકમાં જયદેવની હાલત પેલા પ્રખ્યાત શેર પ્રમાણેની હતી.

‘બૂ-એ -ગૂલ તો ફૂલોમેં રહેતીથી મગર રહ ન સકી,

મૈં તો કાંટો મે રહા ઔર પરેશાન ન હુવા

ફૂલોની સુગંધ ફૂલોની કોમળ પથારીમાં રહેતી હતી તો પણ ત્યાં ન રહી

શકી ત્યાંથી ભાગી નીકળી જયારે હું તો સતત કાંટામાં રહ્યો તો પણ પરેશાન ન થયો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.