Abtak Media Google News

૧ વર્ષનું લેણું વસૂલવા માટે પાલિકાએ ગેસ કંપનીને નોટિસ ફટકારી ગેસલાઇન માટે કંપની દ્વારા નિયત કરેલું જમીન

સુરેન્દ્રનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં જીએસપીસી ગેસ કંપની દ્વારા ગેસની લાઇનો નંખાઈ છે. જેનું છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયનું જમીનભાડું અંદાજે રૂપિયા ૬૩.૫૦ લાખ બાકી હોવાથી પાલિકા તંત્ર દ્વારા ગેસકંપનીને લેખિત નોટિસ ફટકારી છે. અને ૭ દિવસમાં બાકી ભાડુ ભરપાઇ કરવામાં નહીં આવે તો કંપનીને વધુ ખોદકામ નહીં કરવા દઇ નવા કનેક્શનો આપવાની કાર્યવાહી અટકાવાશે. આગામી સમયમાં કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ આપી છે.

સુરેન્દ્રનગર શહેરના રતનપર, જોરાવરનગર સહિતના વિસ્તારોમાં જીએસપીસી ગેસ કંપની દ્વારા લોકોને ઘર સુધી ગેસ પહોંચાડવા માટે જમીનની અંદર ગેસ લાઇનો નંખાઈ છે. જેના માટે ગેસ કંપની દ્વારા નિયત કરેલું જમીન ભાડુ પાલિકાતંત્રને ચૂકવવામાં આવે છે. ત્યારે છેલ્લા એક વર્ષ કરતા વધુ સમયના બાકી ભાડાની રકમ હાલ અંદાજે ૬૩.૫૦ લાખ જેટલી થઇ ગઇ છે.

તેમ છતાં ગેસ કંપની દ્વારા ભાડું ભરપાઇ કરાતા સુરેન્દ્રનગર દૂધરેજ નગરપાલિકાના ચીફ ઓફીસર સંજયભાઇ પંડ્યાની સૂચનાથી ટેક્સ વિભાગ દ્વારા બાકી ભાડા મામલે ગેસ કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે. આ અંગે ટેક્સ ઇન્સ્પેક્ટર મુકેશભાઇ ડગલીએ જણાવ્યું કે ગેસ કંપની દ્વારા પાલિકા વિસ્તારની હદમાં જે જમીનમાં ગેસ લાઇન નાંખવામાં આવે છે તેનું નિયમ મુજબ પાલિકા દ્વારા ભાડુ વસુલવામાં આવે છે.

હાલ ગેસ કંપનીનું છેલ્લા એક વર્ષનું ભાડું બાકી હોવાથી પાલિકા દ્વારા રજીસ્ટર્ડ એડી દ્વારા નોટિસ આપવામાં આવી છે. તેમ છતાં જો બાકી ભાડુ ભરપાઇ કરવામાં નહીં આવે તો કંપનીને વધુ ખોદકામ નહીં કરવા દઇ નવા કનેક્શનો આપવાની કાર્યવાહી અટકાવાશે.

આ અંગે જીએસપીસીના અધિકારી વિશાલભાઇ ગોસ્વામીએ જણાવ્યું કે આ રૂટીન પ્રોસેસ છે પાલિકામાં જે રકમ ભરવાની બાકી છે તેનું બિલ મંજૂરી માટે ઉપલી કચેરીમાં મોકલી દેવામાં આવ્યું છે ટુંક સમયમાં જ ભાડાની રકમ ભરપાઇ કરાશે ગ્રાહકોને કોઇ જાતની મુશ્કેલી પડશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.