Abtak Media Google News

સાયલામાં ઉનાળાની શરૂઆતે જ થોરીયાળી ડેમ અને ખાણમાં પાણી ખૂટતા શહેરમાં પીવાની સમસ્યા વધતી જોવા મળે છે. અને મહિલાઓ પાણી માટે રઝળપાટ કરતા જોવા મળે છે. ખાણ અને નહિવત મળતું નર્મદાનું પાણી વિતરણ કરતા પંચાયત તંત્ર પાસે કરેલી પાઇપ લાઇન, મોટર અને બોર માટેની રજુઆતનો કોઇ ઉકેલ ન આવતા પાણી સંકટથી પ્રજાજનો ત્રસ્ત બની છે.

15 દિવસે એક વખત પાણી વિતરણ થતા મહિલાઓને પરેશાની: મહિલાઓ દુર સુધી પાણી ભરવા મજબુત

સાયલા શહેરમાં કરોડોના ખચે બનેલી વાસ્મો યોજનાને કાયમી પાણી કયાંથી મળશે તેવા અપૂર્ણ યોજનાથી ખરા ઉનાળે 16 હજારની વસ્તીને પીવાના પાણીની રામાયણ શરૂ થઇ છે. થોરીયાળી ડેમનું તળીયે રહેલું પાણી દુષિત પાણી સાથે નર્મદા અને ખાણનાં ત્રિવેણી સંગમ સાથે પાણી વિતરણ કરવામાં આવે છે 22 ઝોન મુજબ 15 દિવસે પાણી વિતરણ થતા પ્રજાજનો પાણી સમસ્યાથી પીડીત બની છે. અને મહિલાઓ પાણી સમસ્યાથી તંગ આવીને પાણી ભરવા માટે રઝળપાટ કરતા જોવા મળી રહ્યા છે.

આ બાબતે સાયલા સરપંચ અજયરાજસિંહ ઝાલાના જણાવ્યા મુજબ ડેમ ખાલી થતા પાણી પુરવઠા વિભાગને પાણીના આગોતરા આયોજન માટે રજુઆત કરી અને ધારાસભ્યના સુચનાથી નર્મદાનું પાણી આપવાનું શરૂ કર્યુ હતુ. પરંતુ થોડા દિવસ બાદ નર્મદાનું અપુરતા પાણી વિતરણથી અને પાણી મેળવતા ખાણ ખાલી થતા પાણી સમસ્યા વધુ વિકટ બની છે.જિલ્લામાં દર વર્ષે પીવાના પાણીની સૌથી મોટી સમસ્યા સર્જાય છે. ઉનાળાના પ્રારંભિક સમયમાં જિલ્લાના જળાશયોના તળિયા દેખાતા પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવા એંધાણ છે. ઉનાળાના આકરા તાપમાં ગ્રામીણ વિસ્તારોની મહિલાઓને પાણી માટે માથે બેડા લઇને 2 કિમિ દૂર જવું છે. જિલ્લાના થોરિયાળી, ફલકું, નાયકા અને વળોદ, ત્રિવેણી, ઠાગા ડેમ પાણી વિહોણા બન્યા છે.- વિદ્યાર્થીઓ પણ અભ્યાસ બગાડી પહેલા પાણી ભરવા જવા મજબૂર

સાયલાથી 12 કિ.મી. દુર આવેલા 15 હજારની વસતી ધરાવતા સુદામડા ગામના ગ્રામજનો હાલ પાણી વગર વલખાં મારી રહ્યા છે. અહીના ગ્રામજનોને સરકારની કોઈપણ યોજનામાંથી પાણી ન મળતાં ભારે હાલાકી ભોગવી દૂર દૂર સુધી પાણી ભરવા માટે મજબૂર બન્યા છે. સ્થિતિ એટલી ગંભીર છે કે, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અભ્યાસ બગાડીને પહેલા પાણી ભરવા જાય છે. હાલ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ખાણમાંથી જે કાંઈ બચ્યું હોય તેટલું પાણી સંપમાં આપી અને લોકોને પૂરું પડાઈ રહ્યું છે. સાયલા તાલુકાની મોટી વસ્તી ધરાવતું સુદામડા ગામ જેમાં માત્ર એક ઢેઢુકી જુથ યોજના હતી જે છેલ્લા પાંચ વર્ષથી તેમાં નર્મદાનું પાણી આપવામાં  આવતું હતું તે પણ હાલમાં બંધ છે. સુરેન્દ્રનગર ધોળી ધજા ડેમથી છ જેટલા જિલ્લાઓને પાણી આપવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.