Abtak Media Google News
લગ્નમાં સીમિત સમય માટે અને જીવનમાં એક વાર લગ્ન થાય ત્યારે બેન્ડ વાગે છે પરંતુ મસ્જિદોમાં પાંચ વખત અજાન થાય છે: અરજદાર

રાજ્યમાં મસ્જિદ પર વાગતાં મોટા-મોટા લાઉડસ્પીકર ઉપર પ્રતિબંધની માંગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. જે મામલે ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એ.જે.શાસ્ત્રીની ખંડપીઠે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે હળવાશમાં એ પણ ટકોર કરી કે લગ્ન દરમિયાન જે લાઉડ સ્પીકર વાગે છે તેનું શું!

સુનાવણી દરમિયાન અરજદારના વકીલને ચીફ જસ્ટિસે સવાલ કર્યો કે, ‘ મસ્જિદ પરના લાઉડ સ્પીકર કેવી ધ્વનિપ્રદૂષણ કરે છે? કાયદામાં કેટલા ડેસિબલની પરમિશન નિશ્ચિત કરવામાં આવી છે, તે જણાવો? આ મામલે એડવોકેટે કહ્યું કે લાઉડ સ્પીકર માટે ૮૦ ડિસેબલની મર્યાદા નિશ્ચિત કરવામાં આવી છે, જોકે મસ્જિદમાં અજાન દરમિયાન નિર્ધારિત ડિસેબલ કરતા વધુ છે. સાથે સાથે એ પણ કહ્યું કે, જ્યારે વ્યક્તિની ઈચ્છા વિપરીત હોય એ પ્રકારેનો અવાજ આવે, તે કેમ સાંભળે ? જેઓ ઇસ્લામમાં માનતાં નથી તેઓ શા માટે ધ્વનિ પ્રદૂષણ કરતો આવો અવાજ સાંભળે? કાયદા મુજબ પણ ધ્વનિ પ્રદૂષણના કાયદાની જોગવાઇઓનો ભંગ કરતા હોય તેના પર પ્રતિબંધ ફરમાવવો જોઇએ. કેમ કે એ વ્યક્તિને બંધારણે આપેલા મૂળભૂત હકોનું પણ હનન કરે છે.

અરજદારે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે, ગણપતિ, નવરાત્રિ અને લગ્નમાં લાઉડસ્પીકર માટે મર્યાદા હોય તો મસ્જિદના લાઉડસ્પીકર માટે કેમ નહીં? એટલું જ નહીં, કોઇ પણ લાઉડસ્પીકર વગાડવા માટે સ્થાનિક તંત્ર પાસે પરવાનગીની જરૂરી હોય છે, પરંતુ મસ્જિદ પરના લાઉડસ્પીકર માટે આવી કોઇ મંજૂરી લેવામાં આવતી નથી.

હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે, જે મામલે આગામી ૧૦ માર્ચે વધુ સુનાવણી હાથ ધરાશે. આ દરમિયાન ચીફ જસ્ટિસે અરજદારના વકીલને એ પણ ટકોર કરી કે, લગ્નો વગેરેમાં ધ્વનિ પ્રદૂષણનું શું?જે મામલે એડવોકેટે રજુઆત કરી કે લગ્નમાં સીમિત સમય માટે અને જીવનમાં એક વાર લગ્ન થાય ત્યારે બેન્ડ વાગે છે. પરંતુ મસ્જિદોમાં પાંચ વખત અજાન થાય છે.

મહત્વની વાત એ છે કે વકીલ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં બુરખા પર પ્રતિબંધની માંગ અંગેની અરજી પણ કરી છે. જેથી આવી અરજી કરેલી હોવાથી તેમના જીવને જોખમ હોવાની રજૂઆત સાથે પોલીસ રક્ષણ માગ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.