Abtak Media Google News

સ્વીસ બેંકમાં પડેલા ભારતીયોના કાળા નાણાના વધારાના રિપોર્ટ બાદ સરકાર કહે છે બધુ નાણુ કાળુ નથી

ભૂતકાળમાં બરાડા પાડી-પાડીને સ્વીસ બેંકમાં કાળુ નાણુ પડયું હોવાના નિવેદનો કરવા ઉપરાંત સ્વીસ બેંકમાં પડેલુ કાળુ નાણુ ભારતમાં પાછુ લાવવાનું વચન આપનાર કેન્દ્રની મોદી સરકારે તાજેતરમાં સ્વીસ બેંકમાં ભારતીય લોકોના ફંડમાં ૫૦ ટકા વધારો થયો હોવાના અહેવાલોનો છેડ ઉડાવતા નાણામંત્રી અરૂણ જેટલીએ એવો ખુલાસો કર્યો હતો કે, સ્વીસ બેંકમાં પડેલુ બધુ નાણુ કાળુ નથી. આ સંજોગામાં સવાલ એ ઉઠે છે કે, શું ભૂતકાળના દાવા ખોટા ? બીજી તરફ સવાલ એ પણ ઉઠે છે કે, જો સ્વીસ બેંકમાં કાળુ નાણુ નથી તો શું લોકોએ નોટબંધી વખતે જમા કરાવેલી નોટો કાળી ?

તાજેતરમાં સ્વીત્ઝરલેન્ડ બેંકોમાં ભારતીય લોકોના નાણામાં ૫૦ ટકાનો વધારો આવ્યો હોવાના અહેવાલો વચ્ચે સ્વીસ બેંકોમાં રૂ.૭૦૦૦ કરોડ જમા હોવાના સત્તાવાર રીપોર્ટ બાદ કેન્દ્ર સરકાર પર લોકોમાં તરેહ-તરેહની ચર્ચા ઉઠતા કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, સ્વીસ બેંકમાં પડેલ બધુ નાણુ કાળુ નથી. આશ્ચર્ય તો એ વાતનું છે કે, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સ્વીસ બેંકમાં પડેલા નાણામાં આ મોટો ઉછાળો હોવાનું સત્તાવાર રીતે બહાર આવ્યું છે અને એ પણ એવા સમયે કે જયારે પ્રવર્તમાન સરકાર કાળા નાણા સામે જંગ લડી રહી છે.

બીજી તરફ પ્રવર્તમાન સરકારના કાર્યકારી નાણામંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, ભારત સરકારની ભૂતકાળની ઉદાર નીતિના કારણે કોઈપણ વ્યક્તિ પોણા બે કરોડ રૂપિયા સુધીનું ફંડ કાયદેસર રીતે દર વર્ષે વિદેશમાં જમા કરાવી શકતું હોવાનું જોગવાઈ છે જેને કારણે સ્વીસ બેંકમાં પડેલ તમામ નાણુ કાળુ હોવાનું કાળુ નાણુ કહી શકાય નહીં.

આ સંજોગોમાં સવાલ એ ઉઠે છે કે, ભૂતકાળમાં સ્વીસ બેંકમાં પડેલુ કાળુ નાણુ પાછુ લાવવાના બણગા ફૂકનારી સરકાર હાલ તો સ્વીસ બેંકના કાળા નાણા મામલે યુ-ટર્ન લઈ લીધો છે. બીજી તરફ દેશમાં રહેલુ કાળુ નાણુ દૂર કરવા નોટબંધી લાગુ કરવામાં આવી હતી.

જો કે, આ નોટબંધી દરમિયાન કોઈપણ માલેતુજાર બેંકની લાઈનમાં ઉભો રહ્યો ન હતો અને ફકત ને ફકત આ જનતા જ બેંકોની લાઈનમાં ઉભા રહી રૂ.૫૦૦ અને ૧૦૦૦ના દરની નોટો બદલાવી હતી તો શું નોટબંધી સમયે બેંકમાં ૫૦૦-૧૦૦૦ના દરની નોટ જમા કરાવનાર આમ જનતા પાસે રહેલુ ધન એ જ કાળુ નાણુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.