Abtak Media Google News

વિશ્વનું પ્રથમ પ્રવાહી યુરિયા વિકસાવતું ઇફકો

કાલોલ સ્થિત ઇફકો નેનો બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં વિકસાવાયુ

કોઈ પણ પાકના વાવેતર બાદ ખેડૂતો પ્રથમ યુરિયા લેવા માટે દોટ મુકતા હોય છે. પાકને રોગથી બચાવવાથી માંડીને સારી ઉપજ મેળવવા માટે યુરિયા અતિમહ્ત્વપૂર્ણ છે. અગાઉ યુરિયાનો કાળો બજાર પણ ખૂબ મોટી માત્રામાં થતું હતું ત્યારે મોદી સરકારે નિમકોટેડ યુરિયા કરીને કાળા બજારીને અટકાવી હતી જેના કારણે ખેડૂતોને આંશિક રાહત થઈ હતી પરંતુ ખેતરમાં મોટા પ્રમાણમાં યુરિયાનો છંટકાવ ખૂબ લાંબી પ્રક્રિયા હોવાથી વધુ સમયનો વેડફાટ થાય છે ત્યારે ઇફકોએ આ સમસ્યાનો હલ શોધી લીધો છે. ઇફકોએ વિશ્વમાં પ્રથમવાર નેનો યુરિયા વીકસાવ્યું છે. ૫૦ કિલોની સામે ફક્ત ૫૦૦ મિલીલીટરના છંટકાવનો ફાયદો પણ એટલો જ મળશે.

ખાતર બનાવતી વિશ્વની સૌથી મોટી સહકારી ખાતર કંપની ઇન્ડિયન ફાર્મર ફર્ટીલાઈઝર કો-ઓપરેટીવ લીમીટેડ (ઇફકો) એ વિશ્વનું પ્રથમ નેનો યુરિયા લીક્વીડ ખાતર બનાવીને કૃષિ ક્ષેત્રે ઈતિહાસ સર્જ્યો છે. ૩૧ મે ના રોજ ઇફકોની ૫૦મી સાધારણ સભાની બેઠકમાં ઇફકોની પ્રતિનિધિ મહાસભાના સભ્યો સામે નેનો યુરીયા લીક્વીડ ખાતર લોંચ કરવામાં આવ્યું છે. ખેતીમાં યુરિયાના આડેધડ ઉપયોગથી બચવા માટેની ગંભીર સમસ્યાથી છૂટકારો મેળવવા માટે નેનો યુરિયા દરેક રીતે ઉપયોગી સાબિત થશે.

૫૦ કિલો યુરીયા ખાતર હવે માત્ર ૫૦૦ મિલી બોટલમાં સમાયું છે. અશક્ય જણાતી આ વાતને વિશ્વની સૌથી મોટી સહકારી ખાતર કંપની ઇફકોએ શક્ય કરી બતાવી છે. ઇફકોએ વિશ્વનું સૌ પ્રથમ નેનો યુરિયા લીક્વીડ ખાતર બનાવ્યું છે. કિંમતમાં સસ્તું હોવા ઉપરાંત નેનો યુરીયા પાક માટે પણ અસરકારક રહેશે. આ નેનો લિક્વિડ યુરીયા ગુજરાતના કાલોલમાં સ્થિત ઇફકો નેનો બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં વિકસાવવામાં આવ્યું છે.

૩૧ મે ના રોજ મળેલી ઇફકોની ની ૫૦મી સાધારણ સભાની બેઠકમાં ઇફકોના મેનેજીંગ ડીરેક્ટર ડો.અવસ્થીએ ઇફકોની પ્રતિનિધિ મહાસભાના સભ્યો સામે વિશ્વનું પ્રથમ નેનો યુરિયા લીક્વીડ ખાતર લોંચ કર્યુ. નેનો યુરીયા ખેડૂતો માટે વરદાન સાબિત થશે. આ પ્રસંગે ડો.અવસ્થીએ કહ્યું,’આજે ઇફકોની ૫૦મી વાર્ષિક સાધારણ સભાની બેઠકમાં અમારી પ્રતિનિધિ મહાસભાના સભ્યોની હાજરીમાં સમગ્ર દુનિયાના ખેડૂતો માટે વિશ્વનું પહેલું નેનો યુરીયા લીક્વીડ ખાતર લોંચ કર્યુ. સમગ્ર દુનિયાના ખેડૂતોને ભારતના નેનો યુરીયાની ભેટ, સૌને વધામણીઓ!’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.