Abtak Media Google News

જામનગર મહાનગરપાલિકાના અંધેર વહીવટના કારણે અથવા અન્ય કોઈપણ અગમ્ય શંકાસ્પદ કારણોસર હોર્ડીંગ્સની આવક પ્રત્યે દુર્લક્ષ્ય રાખવામાં આવી રહ્યું છે. હોર્ડીંગ્સના મામલે અનેક વખત મોટાપાયે ભ્રષ્ટાચાર થતો હોવાના અહેવાલો, એકજ પાર્ટીને મળતું કામ, એક પાર્ટીને બ્લેક લીસ્ટ કરવાની માંગણી, બાકી લેણાની મસમોટી રકમ વગેરેના કારણે ટેન્ડર પ્રક્રિયા થયા પછી પણ હજી સુધી હોર્ડીંગ્સનું કોકડું ગુંચવાયેલું જ રહ્યું છે. એકાદ મુદ્દાને લઈને આ પ્રકરણ કોર્ટ સુધી પણ પહોંચ્યું છે.

પણ… અહીં વાત હોર્ડીંગ્સના પ્રકરણમાં ભ્રષ્ટાચારની નહીં, પણ જામનગરના બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા અવનવા નાના-મોટા ગેરકાયદેસરના હોર્ડીંગ્સની પ્રસ્તૃત કરવાની છે.

જામનગરમાં સમયાંતરે કોઈને કોઈ કાર્યક્રમને યોજાતા રહે છે, અને આ કાર્યક્રમોના આયોજકોની આર્થિક ક્ષમતા અને ઈવેન્ટના મહત્ત્વ પ્રમાણે હોર્ડીંગ્સ દ્વારા પ્રચાર કરવાની પ્રણાલી છે. પણ જામનગરમાં અત્યારે માત્ર મહાનગરપાલિકા તંત્રના પોતાના અને માત્ર સરકારી જાહેરખબર સિવાય તે હોર્ડીંગ્સનો ઉપયોગ થઈ શકે તેમ નહીં હોવાથી આના મોટા કાર્યક્રમોના આયોજકોએ મંજૂરી કે ભાડાની ઐસી-તૈસી કરીને મનફાવે તેમ જ્યાં-ત્યાં પોતાની રીતે હોર્ડીંગ્સ ઊભા કરી દીધા છે. ડી.કે.વી. સર્કલ, ટાઉનહોલ સર્કલ, બેડીગેઈટ, સાતરસ્તા સર્કલ, ક્રોસ રોડ ચોક જેવા અનેક મહત્ત્વના લોકેશન પર આવા હોર્ડીંગ્સ જોવા મળે છે. ક્યાંક તો ટ્રાન્સફોર્મર્સના થાંભલાઓ વચ્ચે મોટા બોર્ડ ટીંગાતા જોવા મળે છે. થાંભલાઓ પર પણ જાહેરાતના નાના-મોટા બોર્ડ આડેધડ લાગેલા હોવાથી શહેરના માર્ગો, ચોક કદરૃપા દેખાય છે. શું મહાનગરપાલિકાના જવાબદાર એસ્ટેટ વિભાગના ધ્યાનમાં આ બાબત નથી…?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.