Abtak Media Google News

વર્ષ 2019માં કેન્દ્રીય કેબિનેટે રજૂ કરેલા પ્રસ્તાવને મંજૂરી આપી ઉદય સ્કીમને બનાવાઈ હતી અમલી

26 ફેબ્રુઆરી સુધીમાં યોજનાના લાભ માટે કુલ 61,184 અરજીઓ થઈ:23,884 પર કાર્યવાહી શરૂ કરાઇ

ફક્ત રાજકોટ, સૌરાષ્ટ્ર નહીં પરંતુ ભારતભરમાં અનેકવિધ  ગેરકાયદેસર વસાહતો અસ્તિત્વમાં છે. ગેરકાયદેસર વાસહતો ખૂબ લાંબા સમયથી અસ્તિત્વના હોય છે. જે લોકો કાયદેસર માલિકીની જગ્યા ખરીદી પોતાનું ઘરનું ઘર વસાવી શકતા ન હોય તે લોકોએ આજથી ઘણા વર્ષો પૂર્વે ગેરકાયદેસર વસાહતોમાં રહેઠાણ શરૂ કર્યું હોય અને તેના પરિણામે ગેરકાયદેસર વાસહતો અસ્તિત્વમાં આવ્યા હતા. જેને ધ્યાનમાં રાખીને વર્ષ 2019માં કેન્દ્રીય કેબિનેટે એક બિલ પસાર કર્યું હતું. જે મુજબ ગેરકાયદેસર વસાહતોને પણ માલિકીના હક આપી દેવાની જોગવાઈ કરવામાં આવી હતી. જે બાદ સંસદે બિલ પસાર કરી પ્રધાનમંત્રી- ઉદય સ્કીમને લીલી ઝંડી આપી હતી.

Advertisement

ઉદય સ્કીમ હેઠળ દેશભરમાં અસ્તિત્વમાં રહેલી ગેરકાયદેસર વસાહતોને જરૂરી ધારાધોરણના પાલન સાથે કાયદેસર કરી દેવાની જોગવાઈ કરવામાં આવી છે. હાલના તબક્કે પ્રાયોગિક ધોરણે ઉદય સ્કીમ ફક્ત દિલ્હીમાં અમલી બનાવવામાં આવી છે. આ યોજના જો સફળ નીવડે તો તેનું અમલીકરણ સમગ્ર દેશમાં પણ થઈ શકે છે અને પરિણામે નાના માણસોને તેમની માલિકીની મિલકત મળી શકે તેમ છે.

કેન્દ્રીય પ્રધાન હરદીપસિંહ પુરીએ બુધવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, દિલ્હી આવાસ અધિકાર યોજના (પીએમ-ઉદય)માં પ્રધાનમંત્રી અનઅધિકૃત વસાહતો હેઠળ કુલ  4731 ગેરકાયદેસર વસાહતોને કાયદેસર કરવા તરફ પગલાંઓ લેવામાં આવ્યા છે.

એક પ્રશ્નના લેખિત જવાબમાં પુરીએ કહ્યું હતું કે, દિલ્હી વિકાસ ઓથોરિટીને પ્રધાનમંત્રી-ઉદય પોર્ટલ પર 26 ફેબ્રુઆરી સુધીમાં આ યોજના હેઠળ અધિકારોની મંજૂરી માટે 61,184  અરજીઓ મળી હતી જેમાંથી 23824 પર કાર્યવાહી કરવામાં આવી છે જ્યારે 12,959 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીએ માહિતી આપી છે કે, 26 ફેબ્રુઆરી 2021 સુધીમાં પ્રધાનમંત્રી-અનધિકૃત વસાહત દિલ્લી આવાસ અધિકાર યોજના(પ્રધાનમંત્રી-ઉદય સ્કીમ) હેઠળ  4731 ગેરકાયદેસર વસાહતોને ક્ધવેન્સ ડીડ અને ઓથોરિટી સ્લિપ આપવામાં આવી છે, તેવું પુરીએ જવાબમાં કહ્યું હતું.

નોંધનીય છે કે, પ્રધાનમંત્રી- ઉદય સ્કીમ હેઠળ, અનધિકૃત વસાહતોમાં રહેતા લોકો તેમની મિલકતોના માલિકી હકો માટે અરજી કરી શકે છે. જો કે, ઉદય સ્કીમમાં સમાવિષ્ટ થવા માટે ચોક્કસ નિયન-સિદ્ધાંતનું પાલન અને ધારા-ધોરણ પર ખરું ઉતરવું જરૂરી છે.

આ યોજનાના લાભ માટે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટીને કુલ 61,184 અરજીઓ 26મી ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઈન મળી હતી. સરકારે કુલ 23,884 અરજીઓ પર કામ શરૂ કર્યું હતું જ્યારે 12959 અરજીઓનો નિકાલ કરી દેવામાં આવ્યો હતો.

રાજકોટ-સૌરાષ્ટ્રમાં પણ છે અનેક ગેરકાયદે વસાહતો

રાજકોટ અને સૌરાષ્ટ્રમાં પણ અનેક ગેરકાયદેસર વસાહતો અસ્તિત્વમાં છે. જ્યાં મજૂર વર્ગ વસવાટ કરતો હોય છે. આ વાસહતોમાં ડીમોલિશન કરી ત્યાંના રહેવાસીઓની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની સાપેક્ષે તેમને કાયદેસર કરી દેવાની પ્રક્રિયા પણ સરળ રહેશે અને નાના વર્ગને તેમનું ઘરનું ઘર મળી શકે છે. હાલ જે રીતે આ યોજનાને અમલી બનાવવામાં આવી છે જો તેનું અમલીકરણ ગુજરાત રાજ્યમાં શરૂ કરવામાં આવે તો નાના વર્ગને ખૂબ મોટો ફાયદો થઈ શકે છે. જો કે, આ યોજનાનો લાભ લેવા જરૂરી ધારા-ધોરણનું પાલન કરવું જરૂરી છે.

અરજદારો આંગળીના ટેરવે માહિતી મેળવી યોજનાનો લઈ શકે છે લાભ: હરદીપ પુરી

હરદીપ પુરીએ આ યોજના અંગે ઉમેર્યું હતું કે,  આ યોજનામાં સમાવિષ્ટ થઇને ગેરકાયદેસર વસાહતો ની માલિકી લેવા ઇચ્છુકો માટેની પ્રક્રિયા ખૂબ સરળ છે. આ યોજનામાં અરજી કરવા માટેની તમામ પ્રક્રિયાઓ બિલકુલ સરળ રાખવામાં આવી છે. તેમજ યોજનાને લગતી તમામ માહિતી ઓનલાઇન ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. જેથી લોકો આંગળીના ટેરવે તમામ માહિતીઓ મેળવી શકશે.

વર્ષ 2019માં કેન્દ્રીય કેબિનેટ પ્રસ્તાવને આપી હતી મંજૂરી

વર્ષ 2019 માં કેન્દ્રીય કેબિનેટે અનધિકૃત વસાહતોમાં રહેતા લોકોને માલિકીના અધિકાર આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. જે બાદ સંસદે રહેવાસીઓને માલિકીના અધિકાર આપવા માટેનું બિલ પસાર કર્યું હતું. ત્યારબાદ કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી-ઉદય યોજના રજૂ કરી હતી. જેની હેઠળ આ વસાહતોમાં રહેતા લોકો તેમની મિલકતોના માલિકી હકો માટે અરજી કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.