Abtak Media Google News

છેલ્લા 6 વર્ષમાં રહેણાંક મિલકતના વેચાણમાંથી સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીમાં 63.57%નો વધારો, કુલ દસ્તાવેજ મૂલ્યમાં રહેણાંક મિલકતનો હિસ્સો સૌથી વધુ 54% હિસ્સો

રાજ્યમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રે તેજી હી તેજી જોવા મળી રહી છે. તેવામાં સૌથી વધુ તેજી રહેણાંક મિલકતોમાં જોવા મળી છે. છેલ્લા 6 વર્ષમાં રહેણાંક મિલકતના વેચાણમાંથી સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીમાં 63.57 ટકાનો વધારો થયો છે. બીજી તરફ કુલ દસ્તાવેજ મૂલ્યમાં રહેણાંક મિલકતનો હિસ્સો સૌથી વધુ 54 ટકા હિસ્સો છે. છેલ્લા છ વર્ષમાં ગુજરાતની કુલ સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી વસૂલાતમાં રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટનો સૌથી વધુ હિસ્સો છે. ક્ધફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ક્રેડાઈ) દ્વારા સંકલિત ડેટા અનુસાર એપ્રિલ 2017 અને માર્ચ 2023 વચ્ચે રહેણાંક મિલકતના વેચાણમાંથી સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ચાર્જમાં 63.57%નો વધારો થયો છે.  તે દરમિયાન કોમર્શિયલ સેગમેન્ટે માત્ર 5.49% અને રિટેલ સેગમેન્ટે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી વસૂલાતમાં 11.18% ફાળો આપ્યો હતો.

ડેટા દર્શાવે છે કે રેસિડેન્શિયલ સેગમેન્ટ છેલ્લા છ વર્ષમાં કુલ દસ્તાવેજ મૂલ્યમાં 54% હિસ્સા સાથે, અન્ય તમામ સેગમેન્ટને સતત પાછળ રાખી રહ્યું છે.  સમગ્ર રાજ્યમાં પ્લોટિંગનું વેચાણ પણ ઊંચું રહ્યું છે, જે કુલ સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી વસૂલાતમાં 20% ફાળો આપે છે.

કોમર્શિયલ સેગમેન્ટમાં 2020-21થી દસ્તાવેજનું મૂલ્ય રૂ. 10,000 કરોડથી નીચે આવ્યું છે.2022-23માં, આ રિયલ એસ્ટેટ સેગમેન્ટમાં કુલ દસ્તાવેજોની નોંધણી મૂલ્ય રૂ. 7,710 કરોડ જોવા મળ્યું હતું, જે 2018-19ના રૂ. 30,881 કરોડ કરતાં નોંધપાત્ર રીતે ઓછું છે.

અપગ્રેડ થતી લાઈફસ્ટાઇલ અને શહેર તરફના વધતા સ્થળાંતરથી રહેણાંક મિલકતોમાં તેજી

ક્રેડાઈ અમદાવાદના ખજાનચી યશ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, લાઇફસ્ટાઇલ અપગ્રેડ થવાથી, ગુજરાતમાં આવાસની ઊંચી માંગ જોવા મળી છે. આવકમાં વધારો એટલે લોકો મોટા મકાનોમાં રહેવા ગયા છે. ઉદાહરણ તરીકે, જે પરિવારો અગાઉ 1બીએચકેમાં રહેતા હતા તેઓ 2- અથવા  3 બીએચકે ઘરોમાં જઈ રહ્યા છે. તે સિવાય, લોકોએ મોટી સંખ્યામાં પ્લોટ ખરીદ્યા છે. તેથી, આ બંને સેગમેન્ટોએ સંગ્રહમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.બ્રહ્મભટ્ટે કહ્યું કે સ્થળાંતર હાઉસિંગની માંગમાં વધારો કરવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યું છે. વધુ લોકો રોજગાર અને વ્યવસાય માટે નજીકના નગરો અને શહેરોમાં સ્થળાંતર કરી રહ્યા છે, જે મકાનોની નવી માંગ પેદા કરી રહી છે.

રેરા કમિટીનું કોકડું ગુંચવાયું!!

રેરા ઓથોરિટીમાં બે સભ્યો અને રેરા ટ્રીબ્યુનલ ચેરપર્સન અને એક સભ્યની નિમણૂક મુદ્દે થયેલી જાહેરહિતની અરજીમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરૂદ્ધ પી. માયીની ખંડપીઠે રાજ્ય સરકારની ભારે ઝાટકણી કાઢી હતી. ખંડપીઠે એવી વેધક ટકોર કરી હતી કે,‘જો તમારે આવા ટ્રીબ્યુનલ ચલાવવા જ ન હોય તો શા માટે તે બનાવો છો? તમે કાયદાથી વિપરીત અને તમારા જ હિત વિરૂદ્ધ કાર્યવાહી કરો છો. શું પ્રક્રિયા હોય છે એ તમને ખબર છે? કાયદો કહે છે કે કમિટીનું ગઠન કરવું. તમે કમિટી બનાવી અને પેપરવર્ક પૂરું કરીને કહો છો કે તમારું કામ પૂરું થઇ ગયું. કમિટી દ્વારા શું કરવાનું હોય છે? જે નામ કમિટીએ શોર્ટલિસ્ટ કરવાના હોય એ ક્યાં છે? આ નામ કઇ રીતે કલેક્ટ કરવાના હોય છે? અમે તમને પુરતો સમય આપ્યો. હવે સોમવારે બતાવો કે તમારે શું કરવું છે.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.