‘રોગપ્રતિકારક – રોગપ્રતિકારક’: પણ રોગપ્રતિકારક છે શું !??

0
38

શરીરને રોગો સામે ઝઝુમવા માટે જરૂરી રોગપ્રતિકારક શક્તિ, પોષણ યુક્ત ખોરાક અને વિવિધ તત્ત્વોની સાથે સાથે મગજની સાતા, યોગ્ય આરામ અને ખાસ તો નિરાંતની ઉંઘથી પ્રાપ્ત થાય છે

બ્રહ્માંડમાં સજીવ ગ્રહ તરીકે કરોડો જીવોના આશ્રય સ્થાન જીવલોક પૃથ્વી પર તમામ પ્રાણીઓમાં મનુષ્ય સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે, મનુષ્યને મોટામાં મોટી કુદરતની કૃપા એવી વિચારશક્તિ આપવામાં આવી છે. ચોર્યાસી લાખ અવતારોના આ ફેરામાં એક માત્ર મનુષ્ય વૈચારીક શક્તિ અને પોતાના ગુણદોષનું આંકલન કરવાની ખુબીના કારણે તે સૌથી વધુ વિકાસ પામ્યો છે. મનુષ્ય પોતાની રીતે વિચારી શકે છે. પોતાનું જીવન આચરણમાં પોતાની ઈચ્છાનો અમલ કરી શકે છે. ખાનપાન, રહેણીકરણીમાં મનુષ્ય એક એવું પ્રાણી છે કે, સર્વોત્તમ વિકલ્પનો અમલ કરી શકે છે. બળદ પણ ખાય છે, કામ પણ કરે છે, ખોરાકમાંથી શક્તિનો સંચય કરીને તેનો ઉપયોગ પણ કરે છે પણ તે પોતાની ઈચ્છા મુજબ જીવી શકતો નથી. બળદને કામ કરવા માટે ખાવું જરૂરી છે, માલીક તેને નિરણ નાખે છે, બળદને બાજરો નાખવામાં આવે અને તેને મકાઈ ખાવાનું મન હોય તેમ છતાં તેને બાજરાથી કામ ચલાવી લેવું પડે છે. તેની ઈચ્છા મુજબ તે જીવી શકતો નથી. પૃથ્વી પર મનુષ્ય માત્ર એક એવું પ્રાણી છે જે તેની ઈચ્છા મુજબ જીવન જીવી શકે છે. વિચાર કરવાની શક્તિ, સારૂ ખરાબ પારખવાની આદત, ગુણદોષનું અવલોકન મનુષ્યને મહાન બનાવી દે છે. મનુષ્યનો મગજ નિરંતર કામ કરે છે ત્યારે તેના માટે નિંદર પણ આશિર્વાદરૂપ છે. મગજ માટે ઉંઘ રિઝ્યુનલ એનર્જી આપે છે જે ઈમ્યુન પાવર એટલે કે, રોગપ્રતિકારકનું પણ સંચાર કરે છે.

અત્યારે કોરોના કાળમાં હળદરના ગાંઠીયે ગાંધી બનવા નીકળી પડેલાની જેમ દરેક લોકો આરોગ્ય ચિંતા અને રોગની સારવાર ચર્ચા કરવા લાગ્યા છે. ત્યારે લોકોને એકાએક રોગ પ્રતિકારક શક્તિની જાણકારીનું જુગુપ્સા ઉભી થઈ છે. રોગપ્રતિકારક-રોગપ્રતિકારક બધા કરે છે પણ રોગપ્રતિકારક છે શું ? તેના વિશે કોઈ ઉંડુ ઉતરતું નથી. ત્યારે મગજ માટે અને રોગપ્રતિકારક શક્તિ માટે પુરતી ઉંઘ પણ ખુબજ જરૂરી હોય તેવું એક તારણ બહાર આવ્યું છે.

કોવિડ-૧૯ મહામારીના આ ૮ મહિના દરમિયાન માનવ આરોગ્ય સંબંધી કેટલાક મોટા પ્રશ્ર્નોના અગાઉના પુર્વાનુમાનો કાં તો ખોટા પડ્યા અથવા તો અત્યાર સુધી તે અંગેની આપણી અજ્ઞાનતા સાબીત થઈ હતી.

હૃદય રોગના હુમલા, શા માટે લોકોને કોરોનાનો ચેપ લાગ્યો. કેટલાક લોકો સંક્રમણથી મોટા રોગ લાગુ પડ્યા. ઘણા લોકો સંક્રમિત લોકોના સંપર્કમાં આવ્યા છતાં તેમને કંઈ ન થયું. ઘણા લોકો લાંબા સમય સુધી બિમાર રહ્યાં. હજુ કોરોનાની રસી આવવાને ઘણીવાર છે ત્યારે આ રોગચાળા સામે કેવી રીતે સલામત રહેવું તેવા પ્રશ્ર્નો ઉભા થયા છે.

આ પરિસ્થિતિ વચ્ચે અનેક પ્રશ્ર્નોના જવાબ આપણે જાણતા નથી. સમગ્ર પરિસ્થિતિનો ઉકેલ રોગપ્રતિકારક શક્તિમાં રહ્યો હોય તેની ચર્ચા થાય છે. અત્યારે સમગ્ર જગતમાં રોગપ્રતિકારક શક્તિની જ વાતો થાય છે તેના માટે ખોરાક, દવા લેવી જોઈએ તેવી સાવચેતીની અનેક ચર્ચાઓ થાય છે. ત્યારે રોગપ્રતિકારક શક્તિ છે શું તે સમજવું જરૂરી છે. રોગપ્રતિકારક શક્તિ માનવ દેહની એક ખુબજ જટીલ વ્યવસ્થા છે જે કોઈપણ પરિસ્થિતિમાં બદલી શકાતી નથી તે જીવનશૈલી સાથે સીધી સંકળાયેલી છે.

ખાવા-પીવાની રીત પોષક તત્ત્વો રોગપ્રતિકારક શક્તિનો પાયો છે. પોષક તત્ત્વોમાંથી રોગપ્રતિકારક શક્તિ પ્રદાન થાય છે. ત્રાંબુ, લો, ઝીંક વિટામીન-એ-બી-૬, બી-૧૨ અને સી અને ડી માંથી રોગપ્રતિકારક શક્તિ મળે છે. સૌથી વધુ તે ઝીંકમાંથી પ્રાપ્ત થાય છે. અન્ય ખોરાક અને સંપૂર્ણ આહારમાંથી તે ઓછા-વતે અંશે પ્રાપ્ત થાય છે.

સક્રિય: રોગપ્રતિકારક શક્તિ માટે ખાવા-પીવા ઉપરાંત વિચારશક્તિ જીજીવિશા અને મગજની સતતપણે સક્રિય રાખવાથી તેની પ્રાપ્ત થાય છે. મગજનો ઉપયોગ અને સરળ જીવનશૈલી, વ્યાયામ અને વિવિધ પોષક પદાર્થોના અધિગ્રહણથી તેની પ્રાપ્ત થાય છે.

ઉંઘવાની સાચી રીત આશિર્વાદરૂપ: રોગપ્રતિકારક શક્તિ સાથે ઉંઘનો સીધો સંબંધ છે. પોષક પદાર્થો, યોગ્ય જીવનશૈલી, કસરત કરતા પણ ઉંઘ એક એવી વસ્તુ છે જે મગજને આરામ આપે છે. ખુટતા હોર્મોન ફરીથી મેળવવા માટેનો સમય આપે છે. ઉંઘ માત્ર શરીરનો આરામ નથી તે રોગપ્રતિકારક શક્તિની વ્યવસ્થાને તરોતાજા કરે છે. નિષ્ણાંતોએ કરેલા અભ્યાસમાં એ વાત સિદ્ધ થઈ છે કે, ૭ કલાકની પુરતી ઉંઘ મગજને અતિ થાકમાંથી વ્યસ્ત બનાવે છે. અત્યારે કોરોના ૧૯ની પરિસ્થિતિમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વિટામીન ડી અને ઝીંકને પુરક આહાર, દિવસમાં ૫ મીનીટ માટે નાસ લેવો, નિયમીત હાથ ધોવા, ચીવટપૂર્વક માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું અત્યારની પરિસ્થિતિમાં આશિર્વાદરૂપ બની શકે છે. તમારે સારી રીતે શરીરને રોગપ્રતિકારક શક્તિ આપવી હોય તો શાંત ચિત્તે ઉંઘ કરવાની આ કુદરતી આશિર્વાદ પ્રાપ્ત થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here