Abtak Media Google News

રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીના કાયદાની અવધિમાં વધારો કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના

રાજ્યમાં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા વિધાનસભાની ચૂંટણી પૂર્વે ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવવામાં આવ્યો હતો. આગામી 16મી ફેબ્રુઆરીના રોજ ઇમ્પેક્ટ ફીની અરજીઓ સ્વીકારવાની મુદ્દત પૂર્ણ થઈ રહી છે.રાજકોટમાં 3000 જેટલા આસામીઓ દ્વારા પોતાના ગેરકાયદે બાંધકામો નિયમિત કરવા માટે અરજીઓ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જે પૈકી 100 અરજીઓ મંજૂર કરી દેવામાં આવી છે. જ્યારે મોટા ભાગની અરજીઓમાં નાની-મોટી ક્વેરી હોય આસામીઓને આ ક્વેરી સોલ્વ કરવા તાકીદ કરાય છે. સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફીના કાયદામાં અવધીમાં વધારો કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના હાલ જણાઈ રહી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગત 17 ઓક્ટોબર 2022 ના રોજ રાજ્ય સરકાર દ્વારા એક વટહુકમ લાવવામાં આવ્યો હતો જેમાં અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવા માટે ઇમ્પેક્ટ ફીનો કાયદો લવાયો હતો. વટહુકમની મુદ્દત 120 દિવસની હોય આગામી 16 મી ફેબ્રુઆરીના રોજ ઇમ્પેક્ટ ફી કાયદાની અવધી પૂર્ણ થઈ રહી છે.જો કે નવી સરકાર દ્વારા વટહુકમને વિધેયકનું સ્વરૂપ આપી દેવામાં આવ્યું હોય સરકાર હવે ઇમ્પેક્ટ અવધીમાં ગમે ત્યારે અને ગમે તેટલા સમય માટે વધારો કરી શકે છે. રાજકોટ મહાનગરપાલિકામાં હાલ ઇમ્પેક્ટ લગતી 3000 જેટલી અરજીઓ આવી હોવાનું ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાએ જણાવ્યું હતું.

આ 3000 અરજીઓ પૈકી 26 અરજીઓ ઓનલાઇન મારફત કરવામાં આવી છે.દરમિયાન ગત સપ્તાહથી જ ઇમ્પેક્ટની અરજીઓ ઓનલાઇન સ્વીકારવાની પણ શરૂઆત કરવામાં આવી હોય 400 થી વધુ ઓફલાઈન અરજીઓ આવી છે.આગામી 16 મી એ મુદ્દત પૂર્ણ થતી હોવાના કારણે છેલ્લા દસ જ દિવસમાં 3000 પૈકી 2000 અરજીઓ ઇનવર્ડ થઈ હોવાનું જાણવા મળે રહ્યું છે. ટીપી શાખા દ્વારા 100 જેટલી અરજીઓ મંજૂર કરી દેવામાં આવી છે. જ્યારે મોટા ભાગની અરજીઓમાં નાની મોટી ક્ષતિઓ હોય જે પરીપૂર્ણ  કરવા માટે આર્કિટેક કે આસામીઓને તાકીદ કરી દેવામાં આવી છે.અરજી મળ્યા બાદ 120 દિવસ સુધીમાં તેને મંજૂર કરવાની હોય છે. મંજૂર થયા બાદ જે તે વ્યક્તિએ ઇમ્પેક્ટ ફી પેટે જે ચાર્જ ભરપાઈ કરવાનો હોય તે 90 દિવસમાં કરવો પડે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કારણે ઇમ્પેક્ટની અરજીઓ ઓછી આવી હોય સરકાર આ બાબતને ધ્યાનમાં રાખી મુદ્દતમાં વધારો કરે તેવું મનાઈ રહ્યું છે બીજી તરફ નિયમો થોડા આકરા હોવાના કારણે ધાર્યા મુજબ અરજીઓ આવી નથી નિયમમાં પણ ફેરફાર થવાની પ્રબળ સંભાવના હાલ જણાય રહી છે આવતો સપ્તાહ ઇમ્પેક્ટ ફીની અરજીઓ સ્વીકારવા માટેનું અંતિમ સપ્તાહ હોય વધુ ઘસારો રહે તેવી સંભાવના હાલ જણાઈ રહી છે 16 મી એ મુદત પૂર્ણ થયા બાદ જેટલી અરજીઓ આવશે તેનો નિકાલ 16 જૂન સુધીમાં કરી દેવામાં આવશે હાલ ઓનલાઇન અને ઓફલાઈન એમ બંને રીતે અરજીઓનો સ્વીકાર કરવામાં આવે છે.

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2011માં પણ ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવવામાં આવ્યો હતો. જેને ધાર્યો પ્રતિસાદ મળ્યો ન હતો.અનેક વખત મુદ્દતમાં વધારો કરવા છતાં અનઅધિકૃત બાંધકામને નિયમિત કરવા માટે શહેરી જનોએ ખાસ રસ દાખવ્યો ન હતો આ વખતે પણ કંઈક આવો જ સીનારીયો દેખાય રહ્યો છે. ઇમ્પેક્ટ ફીની મુદત પુરુ થવાના આડે માત્ર છ દિવસ જ બાકી હોવા છતાં અનિયમિત બાંધકામોને નિયમિત કરવા માટે 3,000 અરજીઓ આવી છે.જે પ્રમાણમાં ખૂબ ઓછી છે. આગામી સપ્તાહ અરજીઓનું પ્રમાણ વધે તેવી સંભાવના પણ સૂત્ર વ્યક્ત કરી રહ્યા છે. કોમર્શિયલ મિલકતોના ગેરકાયદે બાંધકામને ઇમ્પેક્ટ ફી હેઠળ નિયમિત કરવા માટે નિયમ ખૂબ જ આકરા હોવાના કારણે મોટાભાગની અરજીઓ રેસીડેન્સની હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.