Abtak Media Google News

ઓવરબ્રિજ ન બને ત્યાં સુધી ટ્રાફિકની સમસ્યા હળવી કરવા સર્કલની સાઇઝ ઘટાડવાની તાતી જરૂરિયાત: 1પ0 ફુટ રીંગ રોડ પર અનેક સર્કલની સાઈઝ મહાકાય

રાજકોટમાં વાહનોની સંખ્યા કુદકે ને ભૂસકે વધી રહી છે. અમદાવાદ અને મુંબઇ  જેવા મેટ્રોસિટીના ટ્રાફીકને પણ ટકકર મારે તેવા ટ્રાફીક જામના દ્રશ્યો દિવસ દરમિયાન અનેકવાર રાજકોટના વિવિધ રાજમાર્ગો પર સર્જાય છે. ટ્રાફીકની સમસ્યા હલ કરવા માગે કોર્પોરેશન  દ્વારા કરોડો રૂપિયાના ખર્ચ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઓવરબ્રીજ અને અન્ડર બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

Advertisement

શહેરના હાર્દ એવા 1પ0 ફુટ રીંગ રોડ પર રૈયા ટેલીફોન એકસચેન્જ ચોકમાં ઓવરબ્રીજ બનાવવાની ઘોષણા ગઇકાલે સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ દ્વારા બજેટ મંજુર કરતી વેળાએ કરવામાં આવી હતી. જયાં સુધી બ્રિજનું નિર્માણ ન થાય ત્યાં સુધી જો રૈયા ટેલીફોન એકસચેન્જ પાસેનું મહાકાય સર્કલ નાનુ કરી દેવામાં આવે તો પણ ટ્રાફીકની સમસ્યા મહદ અંશે ઉકેલાય જાય તેમ છે. 150 ફુટ રીંગ રોડ પર આ ઉપરાંત અનેક ચોકમાં સર્કલની સાઇઝ મોટી હોવાના કારણે ટ્રાફીકની સમસ્યા સર્જાય છે.

1પ0 ફુટ રીંગ રોડ પર હાલ મવડી ચોકડી, નાના મવા સર્કલ, ઇન્દીરા સર્કલ, કેકેવી ચોક, રૈયા ચોકડી અને રામાપીર ચોકડી એમ અલગ અલગ પાંચ સ્થળે ઓવર બ્રીજ બનાવવામાં આવ્યા છે. હવે 11 કી.મી.ના આ રોડ પર રૈયા ટેલીફોન એકસચેન્જ ચોક અને બીગ બજાર પાસેના ચોકમાં ટ્રાફીક ની સમસ્યા સર્જાય છે. રૈયા ટેલીફોન એકસચેન્જ પાસે ઓવર બ્રીજ બનાવવ માટે નવા નાણાકીય વર્ષના બજેટમાં 10 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. આ સર્કલની બન્ને બાજુ ઓવર બ્રીજ છે અને બન્ને બ્રીજના છેડા રૈયા એકસચેન્જ સર્કલથી થોડે દુર જ ઉતરે છે. આવામાં એકસચેન્જ પાસેના ચોકમાં બ્રીજ બનાવવો પડકાર જનક છે.

આ સર્કલ ખાતે દિવસ દરમિયાન સતત ટ્રાફીક જામની સમસ્યા સર્જાતી રહે છે. કારણ કે 1પ0 ફુટ રીંગ રોડની ડાબી અને જમણી તરફના રસ્તાઓ પ્રમાણમાં ખુબ જ સાંકડા છે ટેલીફોન એકસચેન્જ પાસેથી નીકળતો રસ્તો 1પ0 ફુટ રીંગ રોડ અને સાધુવાસવાણી રોડને જોડતો મુખ્ય રસ્તો હોવાના કારણે ટ્રાફીકનું પ્રમાણ વધુ રહે છે. ચોક પાસેનું સર્કલ પ્રમાણમાં ખુબ જ મોટુ છે જેના કારણે મોટા વાહનો તો ઠીક નાના વાહન ચાલકોએ હાલાકી વેઢવી પડે છે બ્રીજનું નિર્માણ થયા બાદ અહી ટ્રાફીકની સમસ્યા ઘટી જશે તે શકયતા પણ નહિવત છે.

પરંતુ જો રૈયા ટેલીફોન એકસચેન્જ પાસેનું મહાકાય સર્કલ કોર્પોરેશન દ્વારા નાનુ કરી દેવામાં આવે તો ટ્રાફીકની સમસ્યા મહદ અંશે ઉકેલાય જશે કોર્પોરેશનના પદાધિકારીઓને પણ એવું લાગી રહ્યું છે કે ખરેખર સર્કલ ટુંકાવી નાખવાની આવશ્કયતા છે પરંતુ કોઇ નિર્ણય લેવામાં આવતો નથી જેના કારણે વાહન ચાલકોને ટ્રાફીક જામની સમસ્યામાં સતત પીડાવુ પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.